રાજકોટ
News of Friday, 9th February 2018

રાજકોટ ફુલ મેરેથોનઃ રજીસ્ટ્રેશન માટે આવતીકાલે છેલ્લો દિવસ

રજાના દિવસે પણ વોર્ડ ઓફિસ, સીટી સિવિક સેન્ટર ચાલુઃ કમિશ્નર પાની

રાજકોટ તા. ૯ : મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજકોટ શહેર પોલીસ દ્વારા આગામી તા. ૧૮ના રાજકોટ ખાતે યોજાનાર મેરેથોન-૨૦૧૮ના રજીસ્ટ્રેશન માટે આવતીકાલે તા.૧૦ છેલ્લો દિવસ રહેશે. મેરેથોનમાં ભાગ લેવા ઇચ્છુક દોડવીરની સરળતા માટે રજીસ્ટ્રેશન કરાવવા મેન્યુઅલ અને ઓનલાઈન એમ બંને પ્રકારની વ્યવસ્થા કાર્યરત છે.

આવતીકાલે રજીસ્ટ્રેશનનો આખરી દિવસ હોઈ દોડવીરોની સાનુકુળતા માટે રાજકોટ મહાનગરપાલિકાના તમામ સિટી સિવિક સેન્ટર અને તમામ વોર્ડ ઓફિસ ખુલ્લી રાખવામાં આવશે. દોડવીરો કચેરીના સમય દરમ્યાન આ સ્થળોએ પણ પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકશે, તેમ મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું. આગલા બે વર્ષની માફક વધુને વધુ સ્પર્ધકો ભાગ લઇ આ ઇવેન્ટને અદભૂત અને યાદગાર બનાવે તેવી અપીલ કરતા મ્યુનિ. કમિશનરે મહત્ત્।મ સ્પર્ધકો વિના વિલંબે રજીસ્ટ્રેશન કરાવે તેવો અનુરોધ પણ કર્યો છે.

મેરેથોનનું સમગ્ર સંકલન કરી રહેલા નાયબ મ્યુનિ. કમિશનર ચેતન નંદાણીએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાની આ મેગા આ વર્ષે પણ જબરદસ્ત સફળ થવા ભણી આગળ ધપી રહી છે. સ્પર્ધકો મેરેથોનની અલગ અલગ કેટેગરીમાં રજીસ્ટ્રેશન કરાવી રહયા છે.

(4:50 pm IST)