રાજકોટ
News of Friday, 9th February 2018

ઉત્તર ભારતમાં બરફવર્ષા- વરસાદઃ સૌરાષ્ટ્રમાં ગુલાબી ઠંડીનો અહેસાસ થશે

વેધરએનાલીસ્ટ અશોકભાઈ પટેલની ૧૬ ફેબ્રુઆરી સુધીની આગાહીઃ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી તા.૧૧ થી ૧૩ (રવિથી મંગળ) જમ્મુ કાશ્મીર - હિમાચલ - ઉત્તરાખંડના પહાડી વિસ્તારો અને ઉત્તર ભારતના તથા ઉત્તર રાજસ્થાન - પંજાબ - હરિયાણા - દિલ્હી - ઉત્તરપ્રદેશ અને એમપીમાં પણ વરસાદ પડશેઃ સૌરાષ્ટ્રમાં તા. ૯ થી ૧૪ (શુક્રથી બુધ) લઘુતમ તાપમાન નોર્મલ અથવા તેનાથી નીચુ રહેશે, મહત્તમ તાપમાન પણ નોર્મલ આસપાસ રહેશે : તા.૧૫-૧૬ના ફરી તાપમાન વધશે : પશ્ચિમી પવન ફૂંકાતા હોય હજુ બે - ત્રણ દિવસ અમુક શહેરોમાં ઝાંકળની સંભાવના

રાજકોટ, તા. ૯ : વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે આજે ''અકિલા'' સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યુ છે. જેની અસરથી ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં બરફવર્ષા થશે અને જમીની વિસ્તારોમાં વરસાદ પડશે. જયારે સૌરાષ્ટ્રમાં ગુલાબી ઠંડીનો અહેસાસ થશે. હાલમાં પશ્ચિમી પવન ફૂંકાઈ રહ્યા હોય હજુ બે - ત્રણ દિવસ કોઈ - કોઈ જગ્યાએ ઝાકળવર્ષા થશે.

તેઓએ જણાવેલ કે ગત તા.૩ના આપેલી આગાહી મુજબ શરૂઆતના દિવસોમાં ઠંડી ઓછી રહેશે તે મુજબ તા.૫,૬, ૭ સવારે ઠંડી નહોતી અને ન્યુનતમ તાપમાન ૩ થી ૪ ડિગ્રી ઉંચુ રહેલ જો કે તા.૬ના ધાબડીયુ વાતાવરણ હોવાથી દિવસનું તાપમાન ૧-૨ ડિગ્રી નીચુ રહેલ. ત્યારબાદ છેલ્લે બે દિ'થી ન્યુનતમ તાપમાન ઘટવામાં છે. જેથી આજે રાજકોટમાં ન્યુનતમ તાપમાન ૧૪.૫ ડિગ્રી મહત્તમ ૩૦.૭ ડિગ્રી (બંને નોર્મલ) નોંધાયેલ. જયારે ઉત્તર ભારતમાં તા.૯-૧૦ ઠંડીનો ચમકારો જોવા મળશે. તે મુજબ આજે અમદાવાદ ૯.૮ (જે નોર્મલથી ૪ ડિગ્રી નીચુ). જો કે મહત્તમ ૩૦.૬ (જે નોર્મલ છે) ગાંધીનગરમાં ૯ ડિગ્રી નોંધાયેલ છે.

તા.૯ થી ૧૬ (શુક્રથી શુક્ર) દરમિયાન એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યુ છે. તેની અસરથી તા.૧૧ થી ૧૩ દરમિયાન જમ્મુ - કાશ્મીરના પહાડી અને હિમાચલ, ઉત્તરાખંડ, ઉત્તરાંચલના પહાડી વિસ્તારોમાં બરફવર્ષા તેમજ ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં વરસાદ (નોર્થ રાજસ્થાન પંજાબ, હરિયાણા, દિલ્હી, યુપી) એમપીમાં પણ વરસાદ પડશે. તેમજ તા.૧૨-૧૩ના એમપી અને યુપીને લાગુ પૂર્વ બાજુના રાજયોમાં પણ છૂટોછવાયો વરસાદ પડશે.જયારે સૌરાષ્ટ્રમાં તા.૯ થી ૧૪ દરમિયાન તાપમાન નોર્મલ અથવા નોર્મલથી નીચુ (અમુક સેન્ટરોમાં) જોવા મળે. મહત્તમ તાપમાન પણ નોર્મલ આસપાસ રહેશે.તા.૧૫,૧૬માં ફરી તાપમાન વધશે જેથી મહત્તમ ન્યુનતમ તાપમાન ફરી ઉપર આવી જશે.સૌરાષ્ટ્રમાં હાલ પશ્ચિમી પવન ફૂંકાઈ રહ્યા હોય હજુ બે ત્રણ દિવસ છૂટાછવાયા સ્થળોએ ઝાંકળની સંભાવના છે.

(4:34 pm IST)