રાજકોટ
News of Friday, 9th February 2018

યાજ્ઞિક રોડ પર કપડાના શો રૂમમાં બાકોરૂ પાડી બે ચોકીદારે ૪ાા લાખની ચોરી કરી!

વણિક વેપારી દિનેશભાઇ દેસાઇની સિલેકશન એકસકલુઝિવ મેન્સ વેરમાં બનાવઃ પાછળ કડીયા કામની સાઇટ પર ચોકીદારી કરતાં યુ.પી.ના બે શખ્સ સીસીટીવીમાં દેખાયા

શો રૂમની પાછલી દિવાલમાં પાડવામાં આવેલુ બાકોરૂ, જ્યાં ચોરી થઇ તે શો રૂમ, વેરવિખરે કપડા, દૂકાન માલિક દિલીપભાઇ દેસાઇ અને સીસીટીવીમાં બંને તરસ્કર રાત્રે ૨:૫૧ કલાકે કપડાના થેલા ભરી બહાર નીકળ્યા તે જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૯: તસ્કરોએ શહેરમાં ઉપાડો લીધો છે. ગઇકાલે ગોંડલ રોડ જકાતનાકા પાસે અને અટીકા ફાટક પાસે ચાર દૂકાનોમાં બે બુકાનીધારી તસ્કર ત્રાટકી હાથફેરો કરી ગયા હતાં. ત્યાં હવે યાજ્ઞિક રોડ પર ડી.એચ. કોલેજ સામે આવેલા કપડાના શો રૂમમાં પાછળની દિવાલમાં બાકોરૂ પાડી બે શખ્સ રોકડ-કપડા મળી સાડા ચારેક લાખની મત્તા ચોરી ગયા છે. આ બંને પાછળની સાઇડમાં બિલ્ડીંગ રિનોવેશનનું કામ ચાલતું હોઇ ત્યાં ચોકીદાર તરીકે કામે રખાયેલા બે પરપ્રાંતિય શખ્સોએ જ આ ચોરી કરી હોવાનું સીસીટીવી ફૂટેજ પરથી જણાય છે. પોલીસે આ અંગે તપાસ આરંભી છે.

જાણવા મળ્યા મુજબ ન્યુ જાગનાથ પ્લોટ-૨૩માં એસ્ટ્રોન પાછળના ભાગે રહેતાં વણિક વેપારી દિપકભાઇ અમૃતલાલ દેસાઇ આજે સવારે યાજ્ઞિક રોડ પર આવેલી સિલેકશન એકસકલુઝિવ મેન્સ વેર નામની દૂકાને પહોંચ્યા હતાં અને નિત્ય ક્રમ મુજબ શટરો ઉંચકાવી અંદર ગયા હતાં. આ શો રૂમમાં વિક્રમ ડાભી, કરણ સોલંકી, મેહુલ રાજપૂત, ધાર્મિક બારોટ સહિતના કર્મચારીઓ કામ કરે છે. બધાએ અંદર જઇ જોતાં કપડાના વેરવિખેર દેખાયા હતાં અને પાછલી દિવાલમાં બાકોરૂ જોવા મળ્યું હતું.

તપાસ કરતાં શો રૂમમાંથી જીન્સ, કોટન શર્ટ, ટ્રાઉઝર, ફોર્મલ પેન્ટ સહિત રૂ. સવા ચારેક લાખના કપડા ગાયબ જણાયા હતાં. તેમજ કાઉન્ટરમાંથી રૂ. ૨૫ હજાર રોકડા ગાયબ હતાં. કુલ સાડા ચારેક લાખની મત્તા ચોરાઇ હોવાની જાણ પોલીસને કરવામાં આવતાં પ્ર.નગરના પી.એસ.આઇ. બી. પી. વેગડા અને બાબુલાલ ખરાડીએ  પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.

સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવતાં    બે શખ્સ થેલા ભરીને બહાર નીકળતાં દેખાયા હતાં. આ બંને યુ.પી. તરફના અને શો રૂમની પાછળ જ બિલ્ડીંગ રિનોવેશનનું કામ ચાલતું હોઇ એ સાઇટ પર ચોકીદાર કરતાં શખ્સો જ હોવાનું જણાયું હતું. પોલીસે આ બંનેની શોધખોળ હાથ ધરી છે.

(4:33 pm IST)