રાજકોટ
News of Friday, 9th February 2018

મંગળવારે મહાશિવરાત્રી : શિવાલયોમાં તૈયારીઓ શરૂ

મહાઆરતી, દીપમાળા, ભાંગ વિતરણ, ભજન સત્સંગ, લઘુરૂદ્ર સહીતના કાર્યક્રમોના થઇ રહેલ આયોજનો

રાજકોટ તા. ૯ : આગામી તા. ૧૩ ના મહાશીવરાત્રી હોય શિવાલયોમાં વિશેષ આરતી પૂજનની તૈયારીઓ શરૂ થઇ ચુકી છે. જેની સંકલિત યાદીઓ અહીં પ્રસ્તુત છે.

ગીતા વિદ્યાલય

જંકશન પ્લોટ, ગીતા વિદ્યાલય ખાતે શ્રી રામેશ્વર મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રી નિમિતે બ્રાહ્મણો દ્વારા રૂદ્રભિષેક, પૂજન, અર્ચન કરાશે. શિવજીને ગંગાજળનો અભિષેક કરી દુધ-વરીયાળી, સૂંઠ, સુકોમેવોથી તૈયાર કરાયેલ ભાંગની પ્રસાદીનું વિતરણ કરાશે. બપોરે ૧૨ વાગ્યે મહઆરતી થશે. સાંજે ૭.૩૦ વાગ્યે ઁ આકારની ૧૦૮ દીપમાળા સાથે આરતી થશે. સવાર સાંજ મહિલા સત્સંગ મંડળ દ્વારા ભજન સત્સંગ કરાશે. બારજયોતિર્લિંગના દર્શનનો સર્વે ભાવિકજનોએ લાભ લેવા ગીતા વિદ્યાલય પરિવાર દ્વારા અનુરોધ કરાયો છે.

રામ મંદિર રતનપર

મોરબી રોડ પર આવેલ રતનપર રામચરિત માનસ મંદિરે મહાશિવરાત્રી નિમિતે સત્સંગ સભાખંડમાં વિશાળ પુષ્પ રંગોળી રચી લાઇટીંગ ડેકોરેશન કરાશે. સવારે ૯ થી ૧૨ સત્સંગ ૧૨ વાગ્યે મધ્યાહન આરતી થશે. અન્નપૂર્ણા કક્ષમાં ઉદ્યોગપતિ રમેશભાઇ રાચ્છ પરિવારના સહયોગથી ભાવિકો દર્શનાર્થીઓ માટે ફરાળી મહાપ્રસાદની વ્યવસ્થા કરાઇ છે. સર્વે ભાવિકોઓ પધારવા સીયારામ મંડળી દ્વારા અનુરોધ કરાયો છે. રતનપર જવા સીટી બસ નં. ૯,૧૧,૨૧,૪૫,૫૫ ની સેવા ઉપલબ્ધ હોય છે.

રામેશ્વર મહાદેવ રૈયા રોડ

રૈયા રોડ પર બ્રહ્મસમાજ પાસે જીવનનગર શેરી નં. ૪ ખાતે આવેલ શ્રી રામેશ્વર મહાદેવ મંદિરે મંગળવારે મહાશિવરાત્રી નિમિતે આખો દિવસ ધર્મમય કાર્યક્રમો આયોજીત થયા છ. સવારે ૪ વાગ્યે ભસ્મ આરતીથી શરૂ કરી બપોરે મહઆરતી અને ભાંગ પ્રસાદ વિતરણ, રાતરે ૧૨ વાગ્યે દિપમાલા મહાઆરતી થશે. સાંજે મહિલા સત્સંગ મંડળના ધુન ભજન તેમજ પ્રભાતફેરી રાખેલ છે. શ્રધ્ધાળુઓ દવરા દુધનો અભિષેક પ્રતિકરૂપે કરી વાસણમાં એકત્ર કરાશે અને એ દુધ બાદમાં ગરીબોને વિતરણ કરી દેવાશે. શિવભકત વિજયભાઇ જોબનપુત્રા , વિનુભાઇ ઉપાધ્યાય, નવીનભાઇ પુરોહીત મંડળના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.

સમસ્ત બ્રહ્મસમાજ

સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા મંગળવારે મહાશિવરાત્રીએ સર્વજ્ઞાતિય પાઠાત્મક લઘુરૂદ્ર નાગર બોર્ડીંગ, વિરાણી હાઇસ્કુલ સામે રાખેલ છે. તમામ નગરજનોએ લાભ લેવા અનુરોધ કરાયો છે. પૂજામાં બેસનારે ઘરેથી પંચપાત્ર, નાની થાળી, તરભાણું, આચમની, ચમચી બેસવાનું આસન સાથે લાવવાનૂં રહેશે. પુજાપો સંસ્થા તરફથી વિનામુલ્યે અપાશે. પૂજામાં બેસવા ઇચ્છુકોએ વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી પોતાના નામ ફોન- ૦૨૮૧ ૨૩૬૬૧૧૯ અથવા મો.૯૮૨૪૨ ૧૪૦૨૧ ઉપર અથવા સાંજે ૭.૩૦ થી ૮.૩૦ દરમિયાન બોર્ડીંગ, રજપુતપરા-૬ ખાતે લખાવી લેવા દિપકભાઇ પંડયાની યાદીમાં જણાવાયુ છે.

(4:39 pm IST)