રાજકોટ
News of Friday, 9th February 2018

મહાશિવરાત્રીએ રાત્રી પૂજનનું વિશેષ મહત્વ હોય છે

ભગવાન શંભુ સૌભાગ્યદાતા, માતા પાર્વતી ઈચ્છીત વરદાતાઃ પૂજન કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય

ભાગવાન ભોળાનાથની આરાધના, સાધના કરવાથી સઘળા પાપ, તાપ, સંતાપ દૂર થાય છે, મરકટ અને મલીન મન મિંદડુ બની અજબ શાતા અનુભવે છે, ચંચળ અને ચલિત ચિત ચંદન વનમાં ફેરવાય છે. 'હર' કહેતા જ હર પ્રકારની પીડા દૂર થાય છે. યસ, માન, પ્રતિષ્ઠા, પ્રભાવ વધે છે. વિજય મળે છે. જીવનનો ફેરો ફળે છે.

રિધ્ધિ- સિધ્ધિ કદમ ચૂમે છે, સફળતા ચોતરફ ઝૂમે છે. ભગવાન શિવના સાનિધ્યથી હર આધી વ્યાધિ, ઉપાધિદૂર થાય છે. કારણુ શિવજી વૈદ્યનાથ કહેવાય છે. ભગવાન શંકર શકિતના મહાપૂંજ છે. અતઃએની પૂજા- અર્ચના, આરાધના કરવાથી અંગ અંગમાં અજબ આભા ઉભરે છે. જીવન આનંદમય, સુખમય, મંગલમય બને છે.

ભગવાન મહાદેવ મૃત્યંુજયી છે. અતઃ દરેક પ્રકારના અકસ્માત તથા અકાળ મૃત્યુનો ભય ટળે છે. મોક્ષ મળે છે (એટલેજ મહામૃત્યંુજય મંત્રનો મહીમા છે.)

શિવ-શકિત યાને અર્ધનારેશ્વરની ઉભય ઉપાસના કરવાથી ગૃહસ્થજીવન મંગલમય બને છે. ''ઁ સામ્બા સદા શિવાય નમઃ'' નું સતત રટણ કરવાથી ગૃહસ્થજીવનમા કદી કોઈ આપતી આવતી નથી. પારિવારીક પ્રેમ અને પ્રસન્નતા વધે છે અને એની પમરાટ ચોતરફ પ્રસરે છે.

ભગવાન કૈલાસપતિ કુબેરના અધિપતિ છે. અતઃ એની આરાધના કરવાથી ઘરમાં અક્ષય ભંડાર ભર્યા રહે છે. હર અધુરપ- મધુરપમાં ફેરવાય છે. રજ-રજત બની જાય છે, લક્ષ્મી પ્રસન્નતા પૂર્વક પધારે છે અને ચંચલામાંથી 'સ્થિરા' બની લીલા લહેર કરાવે છે. ભગવાન શંભૂ સૌભાગ્યદાતા છે, માં પાર્વતી ઈચ્છીત વરદાતા છે. તેમનું નિત્ય પૂજન દર્શન કરવાથી ઈચ્છિત મનોકાના પૂર્ણ થાય છે. કન્યાને મનપસંદ અને યોગ્ય વરની પ્રાપ્તિ થાય છે. સૌભાગ્ય વધે છે.

મોંઘેરૂ મહાપર્વ એટલે મહાશિવરાત્રી આ દિવસે રાત્રી પૂજનનુ વિશેષ મહત્વ છે. શાસ્ત્રકથન અનુસાર 'રા' દાનાર્થક ધાતુથી રાત્રી શબ્દ બન્યો છે. 'રા'નો અર્થ છે, જે સુખ, શાંતિ અર્પે છે. અર્થાત જે માનવીનું કલ્યાણ કરે છે અને સુખ- શાંતિ અર્પે છે. એવી રાત્રી અન્ય અર્થમાં જોઈએ તો દિવસ વ્યવહાર માટે છે જયારે રાત્રી પ્રભુ પ્યાર માટે છે. ગીતામાં પણ ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું છે, 'વિષયાકત સંસારીઓની જે નિશ્રા છે તે સંયમી યોગીઓ માટે જાગરણ છે', એટલે જ આ રાત્રિનું મહત્વ છે. જયારે ઉપવાસનો અર્થ છે. આકારનો નિષેધ આ આહારનો શાસ્ત્રમાં વ્યાપક અર્થ કરાવામાં આવ્યો છે. જે પણ કંઈ સોચત કરવામાં આવે તે આહાર છે એ રીતે મન, બુધ્ધિ તથા ઈન્દ્રિયો દ્વારા જે ગ્રહણ કરવામાં આવે તે આહાર આ તમામ આહાર છોડી ઉપ  એટલે નજીક પાસે અને વાસ એટલે વાસ કરવો- બેસવુ આકાર છોડી નિવિકાર- સમર્પણ ભાવે આર્તનાદે એમની પ્રીય વસ્તુ અર્પણ કરી આરાધના કરવી એનું નામ ઉપાસના, આરાધના.

ઘનશ્યામ ઠકકર- રાજકોટ (ગાયત્રી ઉપાસક)

(4:29 pm IST)