રાજકોટ
News of Friday, 9th February 2018

ગૂમ થયેલા વ્હોરા વૃધ્ધાની ક્રુર હત્યાઃ દાગીનાની લૂંટ

પરાબજાર કૃષ્ણપરામાં રહેતા અસમાબેન હાતિમભાઇ સદીકોટ (ઉ.૭૦) બુધવારે બપોરે બે વાગ્યે જુની દરજી બજારમાં રહેતી દિકરીને મળી ભગવતીપરામાં જવા રિક્ષામાં બેઠા બાદ ગાયબ હતાં: આજે નવાગામ સોખડા પાસે લાશ મળી : ૭મીએ પુત્ર મોઇઝભાઇએ માતા ગૂમ થયાની એ-ડિવીઝનમાં જાણ કરી'તીઃ નાક-કાનમાંથી સોનાના દાગીના, હાથમાંથી બે બંગડી ગાયબઃ હાથમાં પહેરેલી ખોટી વીંટી જેમની તેમઃ માથામાં કોઇ બોથડ પદાર્થ ફટકારી હત્યાની શકયતાઃ ફોરેન્સિક પોસ્ટમોર્ટમઃ ગળા-જડબાનો ભાગ જનાવર ખાઇ ગયાની શંકા

ખળભળાટઃ પરાબજાર કૃષ્ણપરાના દાઉદી વ્હોરા વૃધ્ધા અસ્માબેન હાતિમભાઇ સદીકોટ (ઉ.૭૦) બુધવારે ગૂમ થયા બાદ આજે સોખડા પાસેથી હત્યા કરાયેલી લાશ મળતાં ચકચાર મચી ગઇ છે. બનાવ સ્થળે પોલીસઅધિકારીઓનો કાફલો, હત્યા કરાયેલો અસ્માબેનનો મૃતદેહ, ગળા-જડબાનો ભાગ જનાવર ખાઇ ગયા તે તથા ઇન્સેટમાં અસ્માબેનનો ફાઇલ ફોટો જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૯: શહેરમાં ખળભળાટ મચાવતી હત્યાની ઘટના બની છે. પરાબજાર કૃષ્ણપરા-૧માં બાબજી ટાવર સામે રહેતાં દાઉદી વ્હોરા વૃધ્ધા અસ્માબેન હાતિમભાઇ સદીકોટ (ઉ.૭૦) તા. ૭ના બપોરે બે વાગ્યા પછી જુની દરજી બજારમાં વ્હોરા સમાજની નૂર મસ્જીદ પાસે રહેતાં તેના દિકરીના ઘર પાસેથી ભગવતીપરામાં જવા રિક્ષામાં બેસીની નીકળ્યા બાદ ગૂમ થયા હતાં. આ વૃધ્ધાની આજે કુવાડવા રોડ સાત હનુમાન નજીક માલિયાસણ-સોખડા નજીક બાયપાસ પાસેથી હત્યા કરાયેલી લાશ મળી આવી છે. જેમના કાન-નાક-હાથમાંથી સોનાના દાગીના ગાયબ છે. એ જોતાં હત્યા લૂંટના ઇરાદે કોઇ લુખ્ખાઓએ કે રિક્ષા ગેંગે કરી હોવાનું પોલીસનું પ્રાથમિક તારણ છે.

બનાવની સિલસિલા બધ્ધ વિગતો જોઇએ તો કૃષ્ણપરા-૧માં રહેતાં અસ્માબેન  સદીકોટ બુધવારે તા. ૭/૨ના બપોરે બે વાગ્યે ઘેરથી જુની દરજી બજાર નૂર મસ્જીદ પાસે રહેતાં પોતાના દિકરી બતુલબેન યુસુફભાઇ વણાકના ઘરે જવા નીકળ્યા હતાં. તેમના દિકરી બતુલબેન એ વખતે ઘર સામે જ આવેલી મસ્જીદમાં રસોઇના કામે ગયા હોઇ જેથી અસ્માબેન તેને ત્યાં મળ્યા હતાં. લગભગ પોણા ત્રણેક વાગ્યે ત્યાંથી તે પરત નીકળ્યા હતાં. જતાં-જતાં તેમણે પોતાનું ભગવતીપરાનું મકાન છે તે વેંચવા માટે વાતચીત કરવા ભગવતીપરામાં જવું છે તેવી વાત દિકરી બતુલબેનને કરી હતી.

જો કે એ પછી મોડી સાંજ સુધી અસ્માબેન ઘરે ન પહોંચતા પરિવારજનોએ આકુળ-વ્યાકુળ થઇ શોધખોળ શરૂ કરી હતી. સગા-સંબંધીઓને ત્યાં તેમજ ભગવતીપરા સહિતના સ્થળોએ દિકરા, પોૈત્ર, દોહિત્ર સહિતના સ્વજનોએ દોડધામ આદરી હતી. વ્હોટ્સએપ ગ્રુપમાં પણ અસ્માબેન ગૂમ થયાની વિગતો ફોટા સાથે વહેતી કરી હતી. પરંતુ તેમનો કોઇ પત્તો મળ્યો નહોતો. આથી બીજા દિવસે એટલે કે ૮મીએ બપોરે પોણા બે વાગ્યે અસ્માબેનના દિકરા મોઇઝભાઇ હાતિમભાઇ સદીકોટ (ઉ.૫૩)એ એ-ડિવીઝન પોલીસ મથકે જઇ માતા ગૂમ થયાની જાણ કરતાં ડી. સ્ટાફને તપાસ સોંપવામાં આવી હતી.

કોન્સ. ઇન્દ્રજીતસિંહ જાડેજાએ મોઇઝભાઇનું નિવેદન નોંધી તપાસ શરૂ કરી હતી. મોઇઝભાઇએ કહ્યું હતું મારા  માતા અસ્માબેન દરરોજ જુની દરજી બજાર નવા નાકા પાસે રહેતાં મારા બહેન બતુલબેન યુસુફભાઇ વણાકને ત્યાં આટો મારવા જતાં હતાં. આ એમનો નિત્યક્રમ હતી. ૭મીએ પણ બપોરે બે વાગ્યે તેઓ ત્યાં ગયા હતાં. એ વખતે મારા બહેન મસ્જીદે હોઇ બા ત્યાં જ તેને મળ્યા હતાં અને ત્યાંથી લગભગ પોણા ત્રણેક વાગ્યે ભગવતીપરામાં મકાન  હોઇ તે વેંચવાની વાત કરવા જઇ રહ્યાનું કહીને રિક્ષામાં બેસી ત્યાંથી નીકળ્યા હતાં.  માતાએ બંને હાથમાં સોનાની બંગડીઓ, કાનમાં સોનાના દાગીના, નાકમાં સોનાનુ ઘરેણું તેમજ હાથમાં એક પીળી ધાતુની વીંટી પહેરી હતી.

પોલીસ ઉપરોકત નિવેદન નોંધ્યા બાદ તપાસ કરી રહી હતી ત્યાં આજે સોખડા માલિયાસણ રસ્તા પરથી એક વૃધ્ધાની જડબૂ ગળાનો ભાગ ખવાઇ ગયેલી લાશ પડી હોવાની જાણ ઢોર ચરાવવા ગયેલા એક છોકરાએ સરપંચ વિજયભાઇને કરતાં તેમણે કુવાડવા રોડ પોલીસને ફોન કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ ડીસીપી ડો. કરણરાજ વાઘેલા, એસીપી બી. બી. રાઠોડ, પી.આઇ. એ.આર. મોડીયા, પી.એસ.આઇ. ઝાલા, હીરાભાઇ રબારી, હિતેષભાઇ ગઢવી, સલિમભાઇ માડમ, પ્રકાશભાઇ વાંક, વિજેન્દ્રસિંહ ઝાલા, જયંતિભાઇ સહિતની ટીમ દોડી ગઇ હતી.

પોલીસે ગૂમ થયેલા વ્હોરા વૃધ્ધા અસ્માબેન સદીકોટના પુત્ર સહિતના સ્વજનોને બોલાવી લાશ દેખાડતાં આ વૃધ્ધા અસમાબેન જ હોવાનું સ્પષ્ટ થયું હતું. તેમણે પહેરેલા દાગીના પૈકીની હાથમાં પહેરેલી ખોટી વીંટી જ જેમની તેમ છે. બાકીના દાગીના એટલે કે હાથની બંગડીઓ, કાનના દાગીના અને નાકનો દાગીનો ગૂમ છે. આ સોનાના દાગીનાની લૂંટના ઇરાદે હત્યા થયાનું પોલીસનું પ્રાથમિક તારણ છે. પુત્રની ફરિયાદ નોંધવા તજવીજ શરૂ થઇ છે.

પોલીસનું માનવું છે કે રિક્ષામાં બેઠા બાદ કાં તો લૂંટારૂ રિક્ષાચાલકની ટોળકીએ કે પછી અસ્માબેનને જ્યાં ઉતારાયા ત્યાંથી કોઇએ અપહરણ કરી કોઇપણ સ્થળે લઇ જઇ ત્યાં હત્યા કરી દાગીના લૂંટી લીધા બાદ સોખડા-માલિયાસણ રસ્તે લાશ ફેંકી દેવાઇ હશે. હત્યા માથામાં કોઇ બોથડ પદાર્થ ફટકારીને કરવામાં આવી કે ગળા પર તિક્ષ્ણ હથીયાર ઝીંકીને? તે હાલ સ્પષ્ટ થતું નથી. તે જાણવા ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવાયું છે. ગળા નીચેનો જડબાનો ભાગ ગાયબ છે. કૂતરા કે અન્ય જનાવર આ ભાગ ખાઇ ગયાની શંકા છે.

હત્યા-લૂંટના આ બનાવથી ખળભળાટ મચી ગયો છે. પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈત અને જેસીપી ડી.એસ. ભટ્ટે ક્રાઇમ બ્રાંચ, એસઓજીની ટીમોને પણ ભેદ ઉકેલવા કામે લાગી જવા સુચના આપી છે.

સોની બજાર ઢાળીયા પાસે રિક્ષામાં જતાં સીસીટીવી કેમેરામાં દેખાયા

 ૭મીએ ગૂમ થયા બાદ આજે જેમની હત્યા કરાયેલી લાશ મળી એ દાઉદી વ્હોરા વૃધ્ધા અકમાબેન એ દિવસે બપોરે જુની દરજી બજાર પાસેની મસ્જીદમાં રસોઇનું કામ કરવા જતાં તેમના દિકરી બતુલબેનને મળીને ભગવતીપરામાં જવા  નીકળ્યા હતાં અને ત્યાંથી જ રિક્ષામાં બેઠા હતાં. આજે તેમની લાશ મળ્યા બાદ પોલીસે જુની દરજી બજાર, સોની બજારના ઢાળીયા આસપાસની દૂકાનો-શો રૂમના કેમેરા ચેક કરતાં એક ફૂટેજમાં અકમાબેન રિક્ષામાં બેસીને જતાં દેખાતાં તેના આધારે તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.

મુસાફરોને લૂંટતી રિક્ષા ગેંગની સંડોવણી કે અન્ય કોઇની?

શહેરમાં અવાર-નવાર એકલ દોકલ મુસાફરોને અને ખાસ કરીને મહિલા, વૃધ્ધ-વૃધ્ધાઓને રિક્ષામાં મુસાફર તરીકે બેસાડી ડરાવી ધમકાવીને કે પછી સાથે બેસીને ધક્કામુક્કી કરીને તેના પૈસા-દાગીના સરેવી લેવાના, લૂંટી લેવાના બનાવો અગાઉ બની ચુકયા છે. આવી ટોળકીઓને પોલીસે પકડ્યા પણ હતાં. ત્યારે આ હત્યા-લૂંટની ઘટનામાં આવી કોઇ ગેંગ કે તેના સાગ્રીતોની સંડોવણી તો નથી ને? તે મુદ્દ સહિત અન્ય દિશાઓમાં પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. જુની દરજી બજાર નવાનાકા પાસેથી અસ્માબેન જે રિક્ષામાં બેસી ભગવતીપરામાં જવા નીકળ્યા એ રિક્ષા સીસીટીવી ફૂટેજમાં દેખાતાં તેના આધારે ઝડપથી કડી મળી જવાની પોલીસને આશા છે.

અસ્માબેનને આંખે ઓછુ દેખાતું: સંતાનમાં બે પુત્રી અને એક પુત્રઃ એક પુત્રી મુંબઇ

પતિ હાતિમભાઇ પણ હયાતઃ પુત્ર કટલેરીની ફેરી કરે છે

હત્યાનો ભોગ બનેલા અસ્માબેનને ઉમરને કારણે આંખ ઝાંખી પડી ગઇ હતી. તેમને સંતાનમાં બે પુત્રી નફીસાબેન, બતુલબેન અને પુત્ર મોઇઝભાઇ છે. પતિ હાતિમભાઇ સદીકોટ પણ હયાત છે. મોટી દિકરી નફીસાબેન મુંબઇ સાસરે છે. નાની દિકરી બતુલબેન જુની દરજી બજાર પાસે રહે છે અને અસ્માબેન પોતે પતિ, પુત્ર, પુત્રવધૂ સહિતના પરિવારજનો સાથે સંયુકત કુટુંબમાં રહેતાં હતાં. પુત્ર મોઇઝભાઇ કટલેરીની ફરેી કરી ગુજરાન ચલાવે છે.

હત્યા અન્ય સ્થળે કરી લાશ સોખડા પાસે ફેંકી દીધાની શંકા

વૃધ્ધાની હત્યા હાલ તો લૂંટના ઇરાદે થયાની શંકા છે. જો કે હત્યા અન્ય સ્થળે કરાયા બાદ લાશને સોખડાના અવાવરૂ સ્થળે ફેંકી દેવાયાની શંકા છે. હત્યા માથામાં કોઇ પદાર્થ ફટકારીને કરાઇ કે ગળુ કાપીને? તે જાણવા ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવવા પોલીસે તજવીજ આદરી છે.

ગૂમ થયેલા માતા મળી જશે એવી આશા રાખનાર પુત્રને આજે લાશ મળીઃ વ્હોરા પરિવારમાં માતમ

કૃષ્ણપરામાં રહેતાં અને કટલેરીની ફેરી કરતાં મોઇઝભાઇ હાતીમભાઇ સદીકોટે ૮મી તારીખે એ-ડિવીઝન પોલીસ સ્ટેશને પહોંચી પોતાના માતા અસ્માબેન ૭મીએ ગૂમ થયાની જાણ કરી હતી. પોલીસ તપાસ કરશે અને માતા મળી જશે તેવી આશા રાખનાર મોઇઝભાઇ અને તેના સ્વજનોને આજે અસ્માબેનની હત્યા કરાયેલી લાશ મળતાં સ્વજનોમાં માતમ છવાઇ ગયો છે. ઘટના સ્થળે પહોંચેલા મોઇઝભાઇ જોઇ શકાય છે.

અસ્માબેનના હાથમાં આ ખોટી વીંટી જ રહીઃ બાકીના સોનાના દાગીના ગાયબ

હત્યારાઓએ લૂંટના ઇરાદે અસ્માબેનને પતાવી દીધાની હાલ પોલીસને શંકા છે. અસ્માબેન ગૂમ થયા ત્યારે કાન-નાક-હાથમાં સોનાના દાગીના હતાં. લાશ મળી ત્યારે હાથમાં એક માત્ર વીંટી મળી છે જે ખોટી છે. બાકીના દાગીના ગાયબ છે.

(4:17 pm IST)