રાજકોટ
News of Friday, 9th February 2018

પાંચ સ્થળે દરોડામાં ફાયનાન્સર - સગીર છાત્ર, એક મહિલા સહિત ૭ પકડાયાઃ ૧.૩૭ લાખનો દારૂ કબ્જે

માલવીયાનગર પોલીસે મહિલાના કબ્જામાંથી બુટલેગર હાર્દિક ઉર્ફ કવીના ૯૦ હજારનો દારૂ-બીયર જપ્ત કર્યોઃ કુવાડવા પોલીસે હલેન્ડાના દિનેશને, પ્ર.નગર પોલીસે ત્રણ શખ્સો અંકેશ, ફોૈજી અને સોયેબને પકડ્યાઃ ભકિતનગર પોલીસે સાગર સહિત બેને દબોચ્યા

તસ્વીરમાં માલવીયાનગર પી.આઇ. ડી.વી. દવે અને ટીમ તથા કુવાડવાના પી.આઇ. એ.આર. મોડીયા તથા ટીમ અને પકડાયેલો શખ્સ, મુદ્દામાલ જોઇ શકાય છે

 

રાજકોટ તા. ૯: શહેર પોલીસે જુદા-જુદા પાંચ સ્થળે દરોડોમાં એક સગીર સહિત ૭ શખ્સોને રૂ. ૧,૩૭,૦૪૦ના દારૂ-બીયરના જથ્થા સાથે પકડી લીધા છે. ૭ લાખની કાર પણ જપ્ત થઇ છે.

ડાલીબાઇ કવાર્ટરમાં માલવીયાનગર પોલીસનો દરોડો

માલવીયાનગરના પી.આઇ. ડી.વી. દવે, પી.એસ.આઇ. આર. એ. જાડેજા, હેડકોન્સ. રાહીદભાઇ, જવોદભાઇ રિઝવી, કોન્સ. મયુરસિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા, અનીશ કુરેશી અને ભાવેશભાઇ ગઢવી પેટ્રોલીંગમાં હતાં ત્યારે કુલદીપસિંહ, ભાવેશભાઇ અને અનીશભાઇને બાતમી મળી હતી કે ગોકુલધામ મેઇન રોડ ડાલીબાઇના કવાર્ટર બ્લોક નં. ૧૮ કવાર્ટર નં. ૧૧૩૭માં રહેતી મધુ રાજેશ સોલંકી (ઉ.૪૫)ના ઘરમાં કુખ્યાત બુટલેગર હાર્દિક ઉર્ફ કવી હરેશભાઇ સોલંકી (રજપૂત) (રહે. આર.એમ.સી. કવાર્ટર બી-૧૯/૧૫૨૩)એ દારૂનો જથ્થો ઉતાર્યો છે.

તેના આધારે દરોડો પાડવામાં આવતાં રૂ. ૮૭૩૬૦નો ૧૮૬ બોટલ દારૂ તથા રૂ. ૨૮૮૦ના ૭૨ બીયર મળી કુલ રૂ. ૯૦,૨૪૦નો દારૂ-બીયર મળી આવ્યો હતો. કવાર્ટરમાં હાર્દિક હાજર નહોતો. સાંજનો સમય હોઇ મહિલા મધુની અટકાયત કરાઇ નહોતી. તેની આજે ધરપકડની કાર્યવાહી થશે. પોલીસના કહેવા મુજબ હાર્દિક અગાઉ અનેક વખત દારૂના ગુનામાં પકડાઇ ચુકયો છે. તેણે મધુ સોલંકીને કવાર્ટર રહેવા આવ્યું હતું. તેની ગેરહાજરીમાં તે દારૂનો જથ્થો સંભાળતી હતી.

કોન્સ. વિજેન્દ્રસિંહ ઝાલા સહિતની બાતમી પરથી બેડલા ચોકડીએ દરોડો

બીજો દરોડો કુવાડવા રોડ પોલીસ મથકના એ.આર. મોડીયા, પી.એસ.આઇ. એમ. કે. ઝાલા, હીરાભાઇ રબારી, જયંતિભાઇ ગોહેલ, હિતેષભાઇ ગઢવી, વિજેન્દ્રસિંહ ઝાલા, કૃષ્ણદેવસિંહ, દિલીપભાઇ, રાજેશભાઇ સહિતના પેટ્રોલીંગમાં હતાં ત્યારે વિજેન્દ્રસિંહ, ઝાલા, જયંતિભાઇ ગોહિલ અને કૃષ્ણદેવસિંહની બાતમી પરથી ફાળદંગ-બેડલા જતાં રસ્તે ચોકડી પાસે આઇ-૨૦ કારને આંતરી રૂ. ૩૬ હજારનો ૧૨૦ બોટલ દારૂ કબ્જે લેવાયો હતો. દારૂ-કાર મળી રૂ. ૭,૩૬,૦૦૦ની મત્તા જપ્ત કરી હલેન્ડાના દિલીપ ચનાભાઇ રાઠોડ (કોળી) (ઉ.૨૫)ની ધરપકડ કરાઇ હતી.

રેલનગર-પરસાણાનગરમાં પ્ર.નગર પોલીસના દરોડા

જ્યારે ત્રીજા દરોડામાં પ્ર.નગરના પી.આઇ. બી. એમ. કાતરીયાની રાહબરીમાં પી.એસ.આઇ. એમ. જે. રાઠોડ, ડી. કે. ખાંભલા, દેવશીભાઇ રબારી, અરવિંદભાઇ અને જયદિપભાઇએ રેલનગર આસ્થા ચોકમાં વોચ રાખી જામનગર રોડ સ્લમ કવાર્ટર નં. ૩૦ના અંકેશ કાળુભાઇ ગોહેલ (ઉ.૩૦) તથા રેલનગર-૨ શેરી નં. ૧૪માં આર્મી નામના મકાનમાં રહેતાં દિપક ઉર્ફ ફોૈજી થાવરદાસ નેભાણી (ઉ.૩૮)ને ચાર બોટલ દારૂ સાથે પકડી લઇ મોબાઇલ, એકટીવા જીજે૩એચસી-૭૫૦૦ સાથે પકડી લીધા હતાં. અંકેશ થોડા દિવસ પહેલા જ દારૂના ગુનામાં છુટ્યો છે. તે ફોૈજીને બોટલ દેવા આવ્યો હતો.

અંકેશની પુછતાછમાં પરસાણાનગર-૯માં રહેતાં સોયેબ અહેમદભાઇ મોટાણી (ઉ.૨૩)નું નામ આપતાં પોલીસ ત્યાં ત્રાટકતાં ત્યાંથી રૂ. ૮ હજારનો ૧૬ બોટલ દારૂ મળતાં તેની ધરપકડ કરી હતી.

શ્રીમદ્દ ભવનની ઓફિસમાં ભકિતનગર પોલીસની કાર્યવાહી

ચોથો દરોડામાં ભકિતનગરના પી.એસ.આઇ. એન. એ. શુકલ, કોન્સ. વિક્રમભાઇ, ગિરીરાજસિંહ ઝાલા સહિતે ઢેબર રોડ પર શ્રીમદ્દ ભવન કોમ્પલેક્ષમાં આવેલી એસએફ-૮૬ નંબરની ઓફિસમાં ત્રાટકી સાગર હરેશભાઇ સંખવાડા (ઉ.૩૨-રહે. વિવેકાનંદનગર-૪)ને તથા એક સગીરને બે બોટલ દારૂ સાથે પકડી લીધા હતાં. પકડાયેલો સાગર પટેલ હાલમાં ફાયનાન્સનું કામ કરે છે. અગાઉ તે કોલેજમાં શિક્ષક હતો. પકડાયેલો સગીર અગાઉ તેનો છાત્ર રહી ચુકયો છે.

(12:48 pm IST)