રાજકોટ
News of Friday, 9th February 2018

કોઠી કમ્પાઉન્ડનો રવિ સોલંકી ૧૬ વર્ષની સગીરાનું અપહરણ કરી ગયો

પિતા બંને દિકરીને શાળાએ મુકીને નોકરીએ જતા રહ્યા'તાઃ બપોરે શાળા છુટી ત્યારે મોટી બહેન ન મળીઃ અગાઉ પડોશમાં રહેતો શખ્સ ભગાડી ગયાની ખબર પડી

રાજકોટ તા. ૯: કોઠી કમ્પાઉન્ડ કવાર્ટર  નં. ૧૧૭માં રહેતી કોળી સગીરાને પડોશમાં જ રહેતો શખ્સ લલચાવી-ફોસલાવી ભગાડી જતાં અપહરણનો ગુનો નોંધાયો છે.

 

એ-ડિવીઝન પોલીસે ૧૬ વર્ષની સગીરાના માતાની ફરિયાદ પરથી કોઠી કમ્પાઉન્ડમાં જ રહેતાં રવિ રણજીતસિંહ સોલંકી વિરૂધ્ધ આઇપીસી ૩૬૩, ૩૬૬ મુજબ ગુનો નોંધ્યો છે. ગઇકાલે સવારે સાડા સાતેક વાગ્યે સગીરા બહાર ગયા બાદ પરત ન આવતાં તપાસ કરતાં પડોશી રવિ સોલંકી પણ ગાયબ હોઇ એ જ ભગાડી ગયાની ખબર પડતાં પોલીસને જાણ કરાઇ હતી.

ફરિયાદીના કહેવા મુજબ તેને સંતાનમાં બે દિકરી અને એક દિકરો છે. જેમાં મોટી ૧૬ વર્ષની દિકરી અને નાની ૧૫ વર્ષની છે. આ બંનેને તેના પિતા ગઇકાલે સવારે આઇ પી મિશન સ્કૂલે મુકવા ગયા હતાં અને ત્યાંથી તે નોકરી પર જવા નીકળી ગયા હતાં. પણ બપોરે શાળા છૂટ્યા પછી મારી નાની દિકરીને મોટી બહેન જોવા ન મળતાં તે શિક્ષીકાને પુછવા જતાં શિક્ષીકાએ તારી બહેન આજે વર્ગમાં આવી જ નથી તેમ જણાવ્યું હતું. બાદમાં મેં મારા પતિને જાણ કરતાં અમે શોધખોળ શરૂ કરી હતી.

દોઢ વર્ષ પહેલા કોઠી કમ્પાઉન્ડમાં કવાર્ટર નં. ૧૦૮માં અમે રહેતાં હતાં ત્યારે આ લાઇનમાં રવિ સોલંકી તેના દાદા સાથે રહેતો હોઇ તેની સાથે મારી દિકરીને પરિચય થયો હતો. જેની અમને જાણ થતાં અમે કવાર્ટર બદલી નાંખ્યું હતું. આ પછી પણ રવિ અમારા કવાર્ટર પાસે આટાફેરા કરતો હતો. અમે અમારી દિકરીને શોધતા હતાં ત્યાં રવિની ફઇ અને બહેને આવીને કહેલ કે રવિ ઘરમાંથી પાટલા અને મોબાઇલ ફોન લઇ જતો રહ્યો છે, તમારી દિકરીનું ધ્યાન રાખજો તેવી વાત કરી જતાં રહ્યા હતાં. રવિ હાજર ન હોઇ મારી દિકરી સ્કૂલે ગઇ ત્યાંથી જ તેણીને ભગાડી ગયાનું અમારું માનવું છે.

પી.આઇ. વી.એન. યાદવની રાહબરીમાં પી.એસ.આઇ. વી.એન. ડોડીયાએ ગુનો નોંધ્યો છે. વધુ તપાસ પીએસઆઇ જી.એમ. રાઠવાએ હાથ ધરી છે. (૧૪.૫)

 

(12:46 pm IST)