રાજકોટ
News of Friday, 9th February 2018

વિજચોરીના કેસમાં ખોડાપીપરના ખેડુતને છ ગણો દંડ

વિજચોરીએ રાષ્ટ્રીય સંપતિની ચોરી છેઃ આવા ગુન્હાને હળવાશથી લઇ શકાય નહિઃ દંડ ન ભરે તો છ માસની સજાનો હુકમઃ દંડ સાથે કોર્ટ ઉઠતા સુધીની સજાનો પણ હુકમ

રાજકોટ તા.૮: રાજકોટ જીલ્લાના પડધરી તાલુકાના ખોડાપીપર ગામના કાળજીભાઇ કુરજીભાઇ ગઢીયા રહે. ખોડાપીપર ગામે રહેતા કાનજીભાઇ કુરજીભાઇ ગઢીયાના ખેતીવાડી કનેકશનમાં પી.જી.વી.સી.એલ.ના કર્મચારી શ્રી એસ.ડી.ઝાલા મારફત ચેકીંગ કરતા લંગરીયુ નાખી વીજવપરાશ કરતા રંગે હાથ ઝડપાયેલા. જેથી તેઓની વિરૂધ્ધ વીજચોરીની ફરીયાદ નોંધાવેલી સદરહું કેસ ન્યાયમુર્તીશ્રી વી.વી.પરમારની કોર્ટમાં ચાલવા ઉપર આવેલ હતો. જે કેસમાં કોર્ટે આરોપીને વીજચોરીની રકમનો છ ગણો દંડ ફટકારી કોર્ટ ઉઠતા સુધીની સજા કરી હતી.

સદરહું કેસના અનુસંધાને ન્યાયમુર્તીશ્રી વી.વી.પરમારે કેસના સંજોગો તથા બીજી વખતની વીજચોરી હોય ઇન્ડીયન ઇલે. એકટની ૨૦૦૩ની કલમ-૧૩૫ની જોગવાઇઓ જોતા બીજી વખતની ચોરીમાં વીજચોરીની રકમથી છ ગણો દંડ કરવાની જોગવાઇ હોય હાલના કેસમાં વીજચોરીની રકમ રૂ.૧૧,૪૬૭-૪૦ પૈસા હોય તેને છ ગણી કરી ૬૮,૮૦૪-૪૦નો દંડ ત્થા ટી.આર.સી.ની સજા ફટકારવાનો હુકમ ફરમાવેલ છે. સજાની જોગવાઇ ત્રણ વર્ષની છે પરંતુ આરોપીની ઉમર તથા સીનીયર સીટીઝન હોય ત્થા ૧૦ કીલો વોટની નીચેની વીજવપરાશની ચોરી હોય માનવીય અભીગમ અપનાવી ટી.આર.સી.ની સજા ફટકારેલી અને વધુમાં ચુકાદામાં જણાવેલુ કે, વીજચોરીનો ગુન્હો વ્યકિત વિરૂધ્ધનો ગુન્હો નથી પરંતુ રાષ્ટ્રીય સંપતીનો ચોરીનો ગુન્હો છે.

કોર્ટે કરાવેલ કે, આવા ગુન્હાને સામાન્ય રીતે કે હળવાશથી લઇ શકાય નહિ. જો રાષ્ટ્રીય સંપતીની ચોરીની કરવાના ગુન્હાને હળવાશથી લેવામાં આવે તો ભવિષ્યમાં આવા ગુન્હા વધવાની શકયતા પણ નકારી શકાય તેમ નથી. તેમજ આવા ગુન્હામાં માત્ર એક વખત પેનલ્ટી કરવામાં અથવા ગુન્હાને હળવાશથી લેવામાં આવે તો નીયમીત રીતે વીજબીલ ભરનાર વ્યકિતને સીધી અસર થાય છે.જેથી રહેમ દ્રષ્ટ્રિ રાખી ઓછો દંડ કરવાના કોઇ જ સંજોગો નથી પરંતુ ઉમરને જોઇ સજા માત્ર ટી.આર.સી.ની કરવામાં આવે છે. આરોપીને કરેલ દંડમાંથી ૭૫ ટકા રકમ પી.જી.વી.સી.એલ.ને ચુકવવાનો આદેશ કરેલ છે. આરોપી જો દંડ ન ભરેતો છ માસની સજાનો હુકમ કરેલ છે.આ કામમાં મુળ ફરીયાદીની પી.જી.વી.સી.એલ.વતી રાજકોટના ધારાશાસ્ત્રી શ્રી જીતેન્દ્ર એમ. મગદાણી રોકાયેલા તેમજ સરકાર પક્ષે સરકારી વકીલ શ્રી રક્ષીત વી.કલોલા રોકાયેલા હતા.(૧.૨૫)

(9:11 am IST)