રાજકોટ
News of Friday, 10th January 2020

પોષી પોષી પૂનમ...આગાશીએ રાંધ્યા અન્ન, ભાઇની બહેન રમે કે જમે ? સાંજે પોષી પૂનમની ઉજવણી

રાજકોટ, તા. ૧૦ : આજે પોષી પૂનમની રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઉજવણી કરાશે. સાંજે બહેન પોતાના ભાઇને પોષી પોષી પૂનમ.. અગાશીએ રાંધ્યા અન્ન, ભાઇની બહેન રમે કે જમે ? તેમ પૂછીને ભાઇ બહેનના પવિત્ર તહેવારની ઉજવણી કરશે.

આજે પોષી પુનમના દિવસે બહેનો સાંજ સુધી ઉપવાસ કરીને ચંદ્રમાને રોટલામાં કાણુ પાડી જુએ અને ભાઇના નિર્મળ મુખના તેમાંથી દર્શન કરે અને ભાઇની બહેન જમે કે રમે તેમ પૂછે ત્યારે ભાઇ જમે એમ કહી તેની મંજુરીથી જમવાનો રિવાજ એ વાસ્તવમાં ભાઇ-બહેનને પ્રકૃતિની સાથે રહીને એકબીજા પ્રત્યે પવિત્ર લાગણીનો તંતુ ગાઢ બને તેવી ભાવના રહેલી છે.

આ દિવસથી માધ સ્નાનનો પણ પ્રારંભ થાય છે, જે માધ પૂર્ણિમા તા. ૯ ફેબ્રુઆરી સુધી ચાલે છે. આ દિવસોમાં સૂર્યોદય પહેલા સ્નાનનું મહત્વ છે, અગાઉના સમયમાં તો નદીમાં સ્વચ્છ પાણી વહેતું ત્યારે તેમાં સ્નાન થતું પણ હવે નદીઓ પ્રદુષિત છે. શાકંભરી દેવીનો પ્રાગટય ઉત્સવ પણ ઉજવાય છે, જેમાં વિવિધ પ્રકારના શાકભાજી ધરવામાં આવે છે. આ ઋતુમાં જ શાકભાજી સારા અને સસ્તા અને પુષ્કળ પ્રમાણમાં બજારમાં પણ ઉપલબ્ધ હોય છે જે આરોગ્ય માટે પણ ખૂબ ઉપયોગી છે.

(4:12 pm IST)