રાજકોટ
News of Friday, 10th January 2020

બાળકોને જાતીય શોષણનો ભોગ બનતો અટકાવવા શિક્ષકો-માતા મહત્વની ભુમીકા ભજવી શકે

મહિલાઓ અને બાળકો સાથે જાતીય દુરવ્યવહારને અટકાવવા જાગૃત બનોઃ જીલ્લાભરના ૪૦૦ શિક્ષકોને ડો. સલીમ હિરાણી, ડો.લતીકા શાહે ઉંડી સમજ આપી... : રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીણાનું ઉત્કૃષ્ટ આયોજનઃ સુરક્ષા સેતુ અંતર્ગત 'પેરેન્ટીંગ ફોર પીસ'-સુરત, જીલ્લા શિક્ષણાધીકારી કચેરી અને સમાજ કલ્યાણ, જીલ્લા પોલીસના સંયુકત ઉપક્રમે મહત્વનો સેમીનાર યોજાયો : બાળકો સાથે થતા સ્પર્શને 'ગુડ ટચ' 'બેડ ટચ' તરીકે પારખવા વાલીઓ અને શિક્ષકો તેમને પાવરધા બનાવી શકેઃ શિક્ષકો બાળકોને વધુમાં વધુ ખોલાવી શકેઃ બાલ્યાવસ્થા, કિશોરાવસ્થા અને મુગ્ધાવસ્થામાં પ્રવેશતા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓના 'બિહેવીયરલ ચેન્જીસ'ને શિક્ષકો અને માતાઓ જજ કરતા રહે તે જરૂરીઃ સોશ્યલ મીડીયા અને ફેસબુક, વોટસએપનો બીનજરૂરી ઉપયોગ ટાળો અને સંતાનોને ટાળતા શીખવો :મુસાફરી કરતી યુવતીઓ-મહિલાઓ, ખાનગી-સરકારી વિભાગમાં ફરજ બજાવતી મહિલાઓ તેમની આસપાસ અકારણ ફરકતા વિકૃતોથી સજાગ રહેવા 'તીસરી આંખ' ખુલી રાખેઃ સમાજમાં ફેલાયેલી માનસીક વિકૃતીઓને સમજોઃ વડીલો પરિવારના મોભીઓની સલાહ સુચનોને ધ્યાનથી સમજો અને તેનો અમલ કરો તો આપોઆપ સલામત બનશોઃ જીલ્લા પોલીસ વડા બલરામ મીણાની અકિલા સાથે વાતચીત

મહિલાઓ અને બાળકો સાથે થતા જાતીય દુરવ્યવહાર અને સતામણી અટકાવવા અને આ માટે તેમને વધુમાં વધુ જાગૃત બનાવવા માટે કેવા-કેવા પગલા લેવા જોઇએ? તે વિષે એક મહત્વનો સેમીનાર જીલ્લા પોલીસ વડા, સુરક્ષા સેતુ સોસાયટી અને સ્વૈચ્છીક સંસ્થાઓના સહયોગથી રાજકોટના રૈયા રોડ પર આવેલા પ્રમુખ સ્વામી ઓડીટોરીયમમાં યોજવામાં આવ્યો હતો. (ફોટોઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા., ૧૦: રાજકોટના રૈયા રોડ સ્થિત પ્રમુખ સ્વામી ઓડીટોરીયમમાં આજે રાજકોટ રેન્જ ડીઆઇજી સંદીપસિંઘ અને જીલ્લા પોલીસ વડા બલરામ મીણા દ્વારા સુરક્ષા સેતુ અંતર્ગત બાળકો અને મહિલાઓ સાથે થતા જાતીય દુરવ્યવહારને અટકાવવા શિક્ષકો અને વાલીઓએ કેવી સજાગતા રાખવી જોઇએ? તે અંગે માર્ગદર્શન આપતો  એક ખાસ સેમીનાર સુરતની 'પેરેન્ટીંગ ફોર પીસ' સંસ્થાના ડો.લતીકા શાહ અને ડો.સલીમ હિરાણીના સહયોગથી યોજયો હતો. આ સેમીનારમાં જીલ્લાભરમાંથી ૪૦૦ જેટલા શિક્ષકો-શિક્ષીકાઓને મહત્વનું માર્ગદર્શન આપી તેમના વિદ્યાર્થી અને વાલીઓને જાતીય શોષણ અને સતામણી વિષે જાગૃત કરવા મહત્વની ટીપ્સ આપી હતી.

બાળકો અને મહિલાઓ સાથે થતા 'ગુડ ટચ' અને 'બેડ ટચ' ને કઇ રીતે પારખવા?, સમાજમાં ફેલાયેલી માનસીક વિકૃતીઓનો ભોગ બનેલા લોકોને કઇ રીતે પારખવા?, સ્કુલ અને શાળાઓમાં સમુહમાં રહી શૈક્ષણીક અને ખેલકુદની પ્રવૃતિ કરવા માટે વિદ્યાર્થીઓને સમજણ આપવા શિક્ષકોને ટીપ્સ આપવામાં આવી હતી. લોભામણી અને છેતરામણી વાતોમાં ઝડપથી આવી જતા બાળકો અને મહિલાઓને સમાજના દુષણોથી કઇ રીતે આગમચેતી રાખવી ? તે વિષે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ અંગે અકિલાએ જીલ્લા પોલીસ વડાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે આજે યોજાયેલો સેમીનાર બાળકો અને મહિલાઓ સાથે થતા જાતીય દુરવ્યવહારો અટકાવવા માટે મહત્વનો બની રહેશે.

ઉપસ્થિત શિક્ષકોને પોતાની સાથે સંકળાયેલા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓમાં આવતા બિહેવીયરલ ચેન્જીસ વિષે વધુ સજાગ બનવા તજજ્ઞોએ સમજણ આપી હતી.સાથોસાથ શિક્ષકો તેમના વિદ્યાર્થીઓના વાલીઓને પણ આ વિષે તબક્કાવાર માહીતી આપે અને સમજણ આપે તો એક સલામત સમાજનું નિર્માણ કરવામાં આપણે મહત્વનો રોલ ભજવી શકીએ.

શ્રી મીણાએ વધુમાં જણાવ્યું હતું કે, બાલ્યાવસ્થાથી મુગ્ધાવસ્થા સુધીના બાળકો, કિશોરો અને યુવક-યુવતીઓ જો તેમના વડીલો, પરિવારના મોભીઓ, શિક્ષકો અને વાલીઓની સલાહ સુચનોને ધ્યાનથી સમજી 'ઘરથી બહાર' અને 'બહારથી ઘર' સુધી અમલ કરે તો આપોઆપ કુવૃતિઓનો ભોગ બની સલામત રહી શકો એવુ મારૂ અંગત રીતે માનવું છે.

આ સેમીનારમાં જીલ્લા પોલીસ વડા બલરામ મીણા ઉપરાંત જિલ્લા શિક્ષણાધીકારી શ્રી ઉપાધ્યાય, પેરેન્ટીંગ ફોર પીસ-સુરત સંસ્થાના ડો.સલીમ હિરાણી , ડો. લતીકા શાહ, શ્રી મિસ્તુબેન વ્યાસ અને અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા. રૂરલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એમ.એચ.રાણા અને તેમની ટીમે કાર્યક્રમ માટે જહેમત ઉઠાવી હતી.

(4:10 pm IST)