રાજકોટ
News of Friday, 10th January 2020

ઈરાન-અમેરિકા વચ્ચેના સંઘર્ષથી રાજકોટના ઉદ્યોગો પર માઠી અસર

ઈરાન, અમેરિકાના ઓર્ડર અટકી પડયા, ફર્નિશ આઇલ ઉપરાંત સ્ટીલ અને અન્ય રો-મટિરિયલ્સ પણ મોંઘા થયા

રાજકોટ, તા.૧૦: એક તરફ ઈરાન અને અમેરિકા વચ્ચે તંગદિલીનો માહોલ જોવા મળી રહ્યો છે જેની સીધી અસર રાજકોટ ના ઉદ્યોગો પર પડી છે. રાજકોટના ઔદ્યોગિક એકમોને ઈરાન  અને અમેરિકાથી મળતા ઓર્ડર કામચલાઉ પૂરતા અટકી ગયા છે. ફોર્જિંગમાં જે ફર્નિશ ઓઈલનો વપરાય છે તેના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ઓઈલના ભાવમા લિટરે દોઢ રૂપિયાનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. તો બીજી બાજુ સ્ટીલ અને અન્ય રો-મટિરિયલ્સ પણ મોંઘા થયા છે.

રાજકોટથી ઈરાન , ઈરાક અને અમેરિકામાં એગ્રિકલ્ચરના સાધનો, ડીઝલ એન્જિન, સબમર્શિબલ પંપ, સેન્ટ્રલ ફયૂલપંપ એકસપોર્ટ  થાય છે. છેલ્લા કેટલાક દિવસથી ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ઘની સ્થિતિ નિર્માણ પામી છે જેને કારણે આ બધા સેગમેન્ટના વેપારમાં અસર આવી છે. ત્યાંના ઉદ્યોગકારો તરફથી ઓર્ડર આવતો બંધ થઈ ગયો છે.

બીજી તરફ, ઉદ્યોગકારો કોઈ સાહસ કે જોખમ લેવા તૈયાર નથી થતા. ઉત્પાદન હાલ પૂરતું ઘટી ગયું હોવાનું ઉદ્યોગકારો તરફથી જાણવા મળી રહ્યું છે. એક તરફ મંદીનો દોર ચાલુ છે અને નાના તેમજ મધ્યમ ઉદ્યોગો મૃતપાય થઈ રહ્યા છે, આવા સમયે ઈરાન અમેરિકાને લઈને રાજકોટના ઉદ્યોગોને પડ્યા પર પાટુ માર્યા જેવી સ્થિતિ થઈ ચૂકી છે.

(4:09 pm IST)