રાજકોટ
News of Friday, 10th January 2020

પત્નીએ કરેલ ભરણપોષણના કેસમાં ડોકટર પતિ વિરૂધ્ધ કોર્ટનું જપ્તિ વોરંટ

રાજકોટ તા ૧૦  : એમ.બી.બી.એસ. ડો. અમીત બાબુભાઇ દસાડીયા વિરૂધ્ધ મીલ્કત જપ્તીનું વોરંટ ફેમીલી કોર્ટે કાઢવાનો હુકમ કર્યો હતો.

એમ.બી.બી.એસ.ની ડીગ્રી ધરાવતા તેમજ ડોકટર તરીકે પ્રેકટીસ કરતા અમીતભાઇ બાબુભાઇ દસાડીયા સામે તેમના પત્નીએ શારીરીક, માનસીક ત્રાસના કારણે ભરણપોષણ મેળવવા રાજકોટ ફેમીલી કોર્ટમાં અરજી દાખલ કરેલ, જે અરજીની હકીકતો જોતા અરજદાર લગ્નબાદ અરજદાર માધવીબેન સાથે આ અમીતભાઇ તથા તેમના માતુશ્રી નાની નાની બાબતમાં હેરાન પરેશાન કરી મેણા-ટોણા મારવા લાગેલા, તેમજ સ્ત્રીધન,કરીયાવર બાબતે મેંણા-ટોંણા મારી હેરાન પરેશાન કરવા લાગેલ તેમજ ફ્રીઝ, ફર્નીચર, ઘરખરીનો માલસામન વગેરે સામાન ઓછો લઇ આવવા બદલ ઝઘડાઓ કરવા લાગેલા, સામાવાળા પતિ અમીતભાઇ એમ.બી.બી.એસ. ડોકટર હોય વધુ અભ્યાસ અર્થે રૂ. ૮,૦૦,૦૦૦/- ફી ભરવાની હોય તે ફીના પૈસા લઇ આવવા માટે અરજદાર માધવીબેનને દબાણ કરી તેમની સાથે ઝઘડો કરી મારકુટ કરેલ.

આ અરજીમાં ભરણપોષણની અરજી ચાલી જતા તેમાં ભરણપોષણ પેટે માસિક રૂ. ૨૦,૦૦૦/- અરજદારને ચુકવવા તેવો હુકમ થયેલો, જે હુકમ સામાવાળાએ ગુજરાત હાઇકોર્ટમાં ચેલેન્જ કરતા હાઇકોર્ટમાંથી પણ કોઇ સ્ટે મળેલ નથી, અરજદારે સી.આર.પી.સી. કલમ ૧૨૫(૩) મુજબ ચડત ભરણપોષણ વસુલવાની અરજી કરતા તેમાં સામાવાળા એડવોકેટે પૈસા ભરવાના બદલે એક વખત ભરણપોષણની મંજુર થઇ ગયેલ રકમ અંગે દલીલો કરેલ, જેમાં અરજદાર તરફે રીકવરી વોરંટની અરજી આપવામાં આવતા રીકવરી વોરંટ કોર્ટ દ્વારા કાઢી આપવામાં આવેલ, જે વોરંટના હુકમ સામે પણ હાઇકોર્ટમાં જવા અંગેની અરજી સામાવાળાના એડવોકેટ દ્વારા આપવામાં આવેલ, ફેમીલી કોર્ટે રૂ. પ૦,૦૦૦/- ભર્યેથી વોરંટની અમલવારી મોકુફ રાખવો તેવો હુકમ ફરમાવેલ, પરંતુ સામાવાળા દ્વારા આવી કોઇ રકમ ભરવામાં ન આવતા સામાવાળા વિરૂધ્ધ રૂ.૫૦,૦૦૦/- નું મીલ્કત જપ્તીનું વોરંટ ફેમીલી કોર્ટે કાઢેલ છે.

આ કામમાં અરજદાર વતી રાજકોટના ધારાશાસ્ત્રી મહેશ સી. ત્રિવેદી, કીરીટ સાયમન, ધર્મેન્દ્ર જરીયા, કિશન જોષી, ઘનશ્યામ પટેલ, પ્રશાંત પંડયા રોકાયેલા હતા.

(4:08 pm IST)