રાજકોટ
News of Friday, 10th January 2020

રૈયાધાર યુવાનને મારમારી લૂંટ ચલાવનાર પ્રફુલ ઉર્ફે ઘોઘી ચોરવાડીયા પકડાયો

યુનિવર્સિટી પોલીસે શખ્સને રૈયા ધારમાંથી દબોચ્યોઃ રીમાન્ડની તજવીજ

રાજકોટ તા. ૧૦: શહેરના રૈયા ધારમાં ત્રણ માસ પહેલા યુવાનને મારમારી તેનું બાઇક સળગાવી અને રૂ. ર૦ હજારની લૂંટ ચલાવવાના ગુન્હામાં નાસતા ફરતા શખ્સને યુનિવર્સિટી પોલીસે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ રૈયા ધાર મફતીયાપરામાં રહેતા જીતેન્દ્રભાઇ ઉર્ફે જીતુ જેન્તીભાઇ ચૌહાણ (ઉ.વ. ૩૧) ગત તા. ૧૬/૧૦ના રોજ ઘર પાસે હતા ત્યારે પ્રફુલ ઉર્ફે ઘોઘી તેના મિત્રો લાલો, અરવીંદ ઉર્ફે ડબ્બો મુછડીયા અને એક અજાણ્યો શખ્સે આવી 'તેં કેમ મારા વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ કરી છે' તેમ કહી ઝઘડો કરી જીતેન્દ્રભાઇ ઉર્ફે જીતુભાઇને ઢીકાપાટુનો માર મારી તેનું જીજે-૩-ઇએમ-૯૧ર૭ નંબરનું બાઇક સળગાવી રૂ. ર૦ હજારની લૂંટ ચલાવી હતી. આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે અગાઉ ત્રણ શખ્સોને પકડી લીધા હતા.

દરમ્યાન યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ આર. એસ. ઠાકરના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ બી. જી. ડાંગર, કોન્સ. મહિપાલસિંહ જાડેજા, દિપકભાઇ ચૌહાણ, રવીભાઇ ગઢવી, સંજયભાઇ મેતા અને અનીષભાઇ કુરેશી સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે રવિભાઇ, મહિપાલસિંહ, અને દિપકભાઇને મળેલી બાતમીના આધારે રૈયાધારમાંથી છેલ્લા ત્રણ માસથી લૂંટના ગુન્હામાં નાસતા ફરતા પ્રફુલ ઉર્ફે ઘોઘી વજુભાઇ ચોરવાડીયા (ઉ.વ. ર૩) (રહે. રૈયાધાર રાણીમા રૂડીમા ચોક પાસે ઇન્દીરાનગર શેરી નં. ૧૩) ને પકડી લઇ રૂ. ૯૩૦૦ની રોકડ કબ્જે કરી રીમાન્ડની તજવીથ હાથ ધરી હતી.

(4:07 pm IST)