રાજકોટ
News of Friday, 10th January 2020

૧૨ ચોપડી ભણેલો નર્સિંગનો છાત્ર કિરીટ કુંભાર ડોકટર બની બેઠો'તો!: એસઓજીએ દબોચ્યો

મુન્નાભાઇ એમબીબીએસ એવો આ શખ્સ કુવાડવાના બેડલામાં દોઢ વર્ષથી દવાખાનુ ધમધમાવતો'તોઃ એલોપેથી દવાઓ-ઇન્જેકશનોનો જથ્થો કબ્જેઃ પી.આઇ. આર.વાય. રાવલ અને ટીમનો ચોક્કસ બાતમી પરથી દરોડો

રાજકોટ તા. ૧૦: શહેર એસઓજીએ વધુ એક વખત બોગસ ડોકટરને ઝડપી લીધો છે. કુવાડવાના બેડલા ગામમાં એક શખ્સ ડીગ્રી વગર દવાખાનુ ધમધમાવી લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરતો હોવાની બાતમી પરથી એસઓજીએ દરોડો પાડી ખાત્રી કરી કુંભાર શખ્સની ધરપકડ કરી તેની સામે મેડિકલ પ્રેકટીશનર એકટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

એસઓજીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. મોહિતસિંહ જાડેજા, કોન્સ. ગિરીરાજસિંહ જાડેજા અને ગિરીરાજસિંહ ઝાલાને બાતમી મળી હતી કે બેડલા ગામના બસ સ્ટેશનની બાજુમાં હિતેષ જનરલ સ્ટોરની બાજુમાં જે કલીનિક ચાલે છે તેમાં નકલી ડોકટર બેસે છે. આ માહિતી પરથી પીઆઇ આર. વાય. રાવલ, પીએસઆઇ એચ. એમ. રાણા, હેડકોન્સ. ધર્મેન્દ્રસિંહ રાણા, અનિલસિંહ ગોહિલ, હરદેવસિંહ વાળા તથા જેને બાતમી મળી એ કર્મચારીઓએ મળી દરોડો પાડી ખાત્રી કરતાં કલીનિકમાં હાજર શખ્સે પોતાનું નામ કિરીટ વેલજીભાઇ સતાણી (કુંભાર)  (રહે. બેડલા) જણાવ્યું હતું. તેમજ પોતે ડોકટર હોવાનું કહ્યું હતું.

પોલીસે ડીગ્રી સહિતના દસ્તાવેજો માંગતા તેની પોલ ખુલી ગઇ હતી. તેણે પોતે ૧૨ સુધી ભણેલો હોવાનું અને અગાઉ નર્સિંગનો કોર્ષ કર્યો હોવાનું તેમજ અલગ-અલગ હોસ્પિટલોમાં નર્સિંગ સ્ટાફ તરીકે નોકરી કરી હોઇ તેનો અનુભવ હતો. નોકરીમાં વધુ પૈસા મળતાં ન હોઇ પોતાના ગામમાં જ દોઢેક વર્ષથી દવાખાનુ ખોલીને દાકતરી શરૂ કરી દીધાનું કબુલ્યું હતું. પોલીસે દવાખાનામાંથી દવાઓ, ઇન્જેકશનનો જથ્થો તેમજ અન્ય ચીજવસ્તુઓ કબ્જે કરી છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી રવિમોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એચ. સરવૈયાની સુચના હેઠળ આ કામગીરી થઇ હતી.

(4:00 pm IST)