રાજકોટ
News of Friday, 10th January 2020

કોર્પોરેશનના વિધવા સહાય કેમ્પમાં ૩૪૯૮ ગંગા સ્વરૂપ બહેનોને લાભ પ્રાપ્ત થયો

લાભથી વંચિત રહી ગયેલા બહેનો તેઓના વિસ્તારની મામલતદાર કચેરીએ અરજી કરી શકશે

રાજકોટ,તા.૧૦: સરકારશ્રી દ્વારા ગંગા સ્વરૂપ બહેનો માટે વિધવા સહાય યોજના અમલમાં મુકવામાં આવેલ છે, આ યોજનામાં પાત્રતા ધરાવતા વિધવા બહેનોને આજીવન દર મહિને રૂપિયા ૧,૨૫૦/- (અંકે એક હજાર બસો પચાસ પુરા/-) ની સહાય મળવા પાત્ર છે. આ યોજનામાં પાત્રતા ધરાવતા બહેનો બહોળી સંખ્યામાં લાભ લઇ શકે તેવા હેતુથી જિલ્લા વહીવટી તંત્રએ રાજકોટ મહાનગરપાલિકાની વોર્ડ ઓફીસ ખાતે તારીખૅં ૦૧ થી તા. ૦૮ સુધીમાં વિધવા સહાય કેમ્પનું આયોજન કર્યું હતું. જેમાં પાત્રતા ધરાવતા કુલ ૩૪૯૮ બહેનોએ લાભ લીધો હતો.સરકાર દ્વારા નિરાધાર બહેનો માટે વોર્ડ વાઈઝ ગંગા સ્વરૂપ બહેનો માટે વિધવા સહાય યોજના અમલમાં મુકેલ છે. આ યોજનામાં પાત્રતા ધરાવનાર લાભાર્થીને આ સહાય આજીવન મળવાપાત્ર છે. આ લાભ મેળવવા માટેનો ખાસ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેતે વોર્ડમાં યોજાયેલા આ કેમ્પમાં વોર્ડના કોર્પોરેટરશ્રીઓએ મુલાકાત લીધી હતી અને બહેનોને આ યોજના હેઠળ મળતા લાભો અંગે માહિતગાર પણ કર્યા હતા.

આ કેમ્પમાં લાભ મેળવવાથી વંચિત રહી ગયેલા ગંગા સ્વરૂપ બહેનો હજુ પણ અરજી કરીને લાભ મેળવી શકે છે. આ માટે શહેરના પશ્ચિમ ઝોન હેઠળના બહેનોએ કાલાવડ રોડ પર આત્મીય કોલેજ સામે આવેલ મામલતદાર કચેરીએ સહાય શાખા, દક્ષિણ ઝોન હેઠળના બહેનોએ પી.ડી. માલવિયા કોલેજ પાસે આવેલ મામલતદાર કચેરીએ સહાય શાખા તથા પૂર્વ ઝોન હેઠળના વિસ્તારના વિધવા બહેનોએ જૂની કલેકટર કચેરીએ સહાય શાખામાં અરજી કરી શકે છે.

સરકારશ્રી દ્વારા ગંગા સ્વરૂપ બહેનો માટે વિધવા સહાય યોજના અમલમાં મુકેલ છે, આ યોજનામાં પાત્રતા ધરાવનાર લાભાર્થીઓની ઉમર તથા પુત્ર/પુત્રીઓના ઉમરનો કોઈ બાધ નથી. આ સહાય આજીવન મળવાપાત્ર છે. અને સમગ્ર કુટુંબની કુલ વાર્ષિક આવક રૂ. ૧,૫૦,૦૦૦/- (એક લાખ પચાસ હજાર) સુધીની હોય તેવા ગમે તે ઉમરના વિધવા બહેનો આ લાભ મેળવી શકે છે.

આ કેમ્પનો લાભ લેવા લાભાર્થીએ પોતાની સાથે ઓળખના આધાર પુરાવા રૂપે (૧)રેશન કાર્ડ, (૨) પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ ૧, (૩) રેશનકાર્ડમાં નામ હોય તે બધાના આધાર કાર્ડ, (૪) લાભાર્થીનું ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, (૫)કોર્પોરેટરનો આવકનો દાખલો, (૬) પતિના અવસાનનો દાખલો

આ તમામ કાગળોની ઝેરોક્ષ નકલો રજુ કરીને આ લાભ મેળવવા માટેનું ફોર્મ ભરી શકાશે. જે વિધવા બહેનો કે જેઓએ અગાઉ આ ફોર્મ ભરેલ ન હોય તેવા બાકી રહેતા તમામ બહેનોએ આ યોજનાનો લાભ લેવા મામલતદાર કચેરીનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવે છે.

(3:50 pm IST)