રાજકોટ
News of Friday, 10th January 2020

૧૮મીએ સીંગીંગ મેરેથોનઃ ૩૧ કલાક નોનસ્ટોપ 'સૂરો કી સલામી'

મ્યુ. કોર્પોરેશન અને મીશન સ્માર્ટ સીટી-ચિત્રનગરીના સંયુકત ઉપક્રમે પ્રજાસત્તાક પર્વ પ્રસંગે સૂરીલો કાર્યક્રમ : કરાઓકે સીંગીંગ પ્રોગ્રામના ૨૬ ગ્રુપ અને ૧૦૦ કલાકારો ૧૮મીએ સાંજે ૭ વાગ્યાથી ૨૦મીએ બપોરે ૧ વાગ્યા સુધી એક પછી એક નોનસ્ટોપ ગીતો રજૂ કરશેઃ રેસકોર્ષ બાલભવન ખાતે યોજાનાર આ અનેરો કાર્યક્રમ માણવા રંગીલા રાજકોટવાસીઓને જાહેર નિમંત્રણઃ સોનલ ગઢવી, આસિતભાઈ સોનપાલ, રાહુલ પોપટ, ઘનશ્યામ રાવલ સહિતના કલાકારો કરાઓકે લહેરાવશે

 

રાજકોટ તા. ૧૦ :.. આગામી ર૬ મી જાન્યુઆરીએ રાજકોટમાં રાજય કક્ષાની ઉજવણી થનાર છે. આ પ્રસંગે આગામી તા. ૧૮ અને ર૦ જાન્યુઆરી સુધી સતત ૩૧ સુધી કરાઓકે -સીંગીંગ મેરેથોનનો અદ્ભુત અને અનેરો કાર્યક્રમ રેસકોર્સ બાલભવન વોકર્સ ગ્રાઉન્ડમાં મ્યુ. કોર્પોરેશન અને મીશન સ્માર્ટ સીટી (ચિત્રનગરી)નાં સંયુકત ઉપક્રમે યોજાનાર છે.

'સૂરો કી સલામી' શિર્ષક હેઠળ યોજાનાર આ સૂરીલા કાર્યક્રમમાં કરાઓકે સંગીતનાં ર૬ ગ્રુપનાં ૧૦૦ કલાકારો ૧૮ મી જાન્યુઆરીએ સાંજે ૭ વાગ્યાથી ર૦ મીએ બપોરે ૧ સુધી સતત ૩૧ કલાક સુધી એક પછી એક નોન સ્ટોપ ગીતો રજૂ કરી દેશને અનોખી 'સૂરો કી સલામી' આપશે.

૧૮ મીએ સાંજે પ થી ૬ કાર્યક્રમનું ઉદઘાટન થશે. ત્યારબાદ કરાઓકે કલાકારો ગીત - સંગીતનો જલ્સો સતત ૩૧ કલાક સુધી કરાવશે. આ કાર્યક્રમમાં શહેરનાં સુપ્રસિધ્ધ ગાયક કલાકારો આસિત સોનપાલ, સોનલ ગઢવી, રાહુલ પોપટ, ઘનશ્યામ રાવલ, પ્રીતીબેન ભટ્ટ, ડોકટર્સ ગ્રુપ, નિલય ઉપાધ્યાય, આર. એમ. સી. ગ્રુપ, અસિત ભટ્ટ, શિવમ અગ્રવાલ, પરેશભાઇ જોષી, નિમેષભાઇ વ્યાસ, ધર્મેશ્વર ગ્રુપ, મુરલીધર હાઇસ્કુલ ગ્રુપ, ગીત સંગીત ગ્રુપ, તરાના ગ્રુપ, કશ્યપ શુકલ, એન્ડ ગ્રુપ, જીનીયલ સ્કુલ, કલ્પેશભાઇ ઉપાધ્યાય, વંશી પંડયા, સ્માઇલ કરાઓકે, સ્વર સાધના ગ્રુપ, અલ્કાબેન સંઘવી, દુષ્યંતભાઇ આશર સારેગામા ગ્રુપ, વગેરે દ્વારા કરાઓકે ગીત - સંગીત રજૂ થશે.

ર૦ મી જાન્યુઆરી બપોરે ૧ વાગ્યે આ કાર્યક્રમનું સમાપન થશે. ગીત - સંગીતની આ સૂરીલી સફર માણવા જાહેર નિમંત્રણ પાઠવાયું છે.

(3:43 pm IST)