રાજકોટ
News of Friday, 10th January 2020

સ્વરરાજ પંડિત જસરાજ.. સપ્તસંગીતિના દરબારમાં થયો ઇશ્વરનો સાક્ષાત્કાર

સ્વરસ્થ... આત્મસ્થ... સમાધિસ્થ... : વાસુદેવના પ્રાગટ્ય સાથે તાળીઓનો નાદ અને પંડિતજીના સ્વરોનો સંગાથ.. જાણે કાળિયા ઠાકોરની આરતી થઇ : પદ્મ વિભૂષણ પંડિત જસરાજજીના મંચ પર આરોહણે જ રસરાજનું પ્રાગટ્ય થયું : કલાભાવકોએ વિશ્વ વિભૂતિના કંઠ માંથી સરતા સ્વરોને શ્વાસમાં સમાવ્યા. : ભમરાના ગુંજારવને એવો તે ગુંજતો કર્યો જાણે પ્રકૃતિને આકૃતિ આપી : સ્વર મંદિરમાં સાક્ષાત ભગવતી મા કાલિકાનું આહવાન થયું જાણે સપ્તસંગીતિની રાત્રી દુર્ગાષ્ટમીમાં પરિવર્તિત થઇ : પંડિતજીના કંઠમાંથી વહેલા સ્વરો ગુણીજનોના મનોમસ્તિષ્કની આસપાસ વીંટળાઇ વળ્યા ત્યારે સાચી સંવેદનાનો અનુંભવ થયો

રાજકોટ, તા. ૧૦ : આજે હું કશુ પણ લખવા અસમર્થ છું. મારી કલમ ને વાચા નથી આપી શકતો. હું શૂન્ય મનસ્ક થઇ ગયો છું. જયારે ઇશ્વરનો સાક્ષાત્કાર થાય ત્યારે કદાચ આજ અનુભૂતિ થતી હશે.! સપ્તસંગીતિ નામનું સ્વરાલય કાલે દેવાલય બન્યું જયારે તેમાં માતા સરસ્વતીના પરમ ઉપાસક સંગીત માર્તંડ પદ્મ વિભૂષણ પંડિત જસરાજજીએ સંગીતની આરાધના કરી. મારી જેમ ઉપસ્થિત હજારો ભાવકોને સપ્તસંગીતિના દરબારમાં ઇશ્વરનો સાક્ષાત્કાર થયો.

સમાપન થતી સપ્તસંગીતિ ૨૦૨૦ ની સ્વરયાત્રાનાં અંતિમ પડાવે સંગીત માર્તંડ પદ્મ વિભૂષણ પંડિત જસરાજજીએ મંચ પર આરોહણે જ રસરાજનું પ્રાગટ્ય થયું. પંડિતજીએ ઓમ શ્રી અનંત હરિ નારાયણ, મંગલમ ભગવાન વિષ્ણુ.. ની સ્તુતી બાદ દેશઅંગના રાગ જયજયવંતિના પોખણા કર્યા. પંડિતજીના ગુરૂ મહારાણા જસવંતસિંહજીએ રચેલ અને તેમના મોટા ભાઇ પંડિત મણીરામજીએ સ્વરબધ્ધ કરેલ જય જય સિધ્ધિ વંત કરની.. શબ્દોને બંદિશરૂપે વિલંબીત એકતાલના ઠેકા સાથે પિરસ્યા.. મેવાતી ઘરાનાની ટ્રેડિશન છે કે તેઓ તેમના ગાયનની શરૂઆત હંમેશા ઓમ શ્રી અનંત હરિ નારાયણ સ્તુતીથી જ કરે છે. આ રાગમાં આરોહમાં બધાજ સ્વરો શુધ્ધ, જયારે અવરોહમાં નિષાદ કોમળ અને પ્રથમ ગાંધાર શુધ્ધ બીજો કોમળ લેવાય છે. મીંડ, ખટકા, મુરકી, બોલઆલાપ, સરગમ ને ખુબ સુંદર રીતે પ્રવાહિત કરી. મધ્યલય તીનતાલમાં મોરી દરસ દીપ ઘોની માઁ, મનમંદિર મેં તુહી બિરાજત, પરખ લેત ઘોની માઁ.. ને વહેતી મૂકી ત્યારે કલાભાવકોએ વિશ્વ વિભૂતિના કંઠ માંથી સરતા સ્વરોને શ્વાસમાં સમાવ્યા. દ્રુત તીનતાલમાં સજ્જ એરી મા સકલ ભરત ડગ પવન ચલત પુરવાઇ રે.. મુરવા બોલે કુંજન કુંજન કલિયન કલિયન ભવરાંઙ્ખ રચના ને ગાઇ.. તેમાં આવતા ભમરાના ગુંજારવને એવો તે ગુંજતો કર્યો જાણે પ્રકૃતિને આકૃતિ આપી.

સભાના દ્વિતીય ચરણમાં સ્વર મંદિરમાં સાક્ષાત ભગવતી મા કાલિકાનું આવાહ્ન થયું મહાકાલરાની જગત જનની ભવાની માતા કાલિકા... રાગ અડાણામાં બંદિશને બાંધતા જાણે સપ્તસંગીતિની રાત્રી દુર્ગાષ્ટમીમાં પરિવર્તિત થઇ. પંડિત જસરાજજીના આત્માનું આદ્યાત્મિક ગાયન શ્રોતાઓની અંદર રહેલા પરમાત્માને જગાડી ગયું. ભાવથી નિરતા શબ્દો, સ્વૈરવિહાર કરતા સૂર.. સ્વરસ્થ, આત્મસ્થ, સમાધિસ્થ થઇ જવાયું.. પંડિતજીનો રસભાવ લોકોની આંખોના ખૂણેથી વહેતો રહ્યો. પંડિત જસરાજજીના દ્રૂત તીનતાલમાં લયબધ્ધ સ્વરોનો મંદ્ર અને તાર સપ્તકને સ્પર્શ જાણે કાલિ માતાના ચરણ સ્પર્શ કરતો હોય તેવી અનુભૂતિ થઇ.

જનમેદનીના હદને ભેદી ઉતરતા પંડિતજીનું તન થાકયું પણ કંઠ થાકયો નહીં. લોકોની સાંભળવાની દ્યેલછાએ વિશ્વ વિભૂતી એ રાગ ભિમપલાસીને સજાવ્યો. જેમાં તેમણે પ્રખ્યાત રચના ઓમ નમો ભગવતે વાસુદેવાય.. ગોવિંદમ ગોકૂલાનંદમ.. ને કંઠ આપ્યો.. ઓમકાર નો નાદ કરી જાણે શંખનાદ કર્યો.. શ્રોતાઓ ભાવવાહિ બન્યા.. વાસુદેવના પ્રાગટ્ય સાથે તાળીઓનો નાદ અને પંડિતજીના સ્વરોનો સંગાથ.. જાણે કાળિયા ઠાકોરની આરતી થઇ.

સભાની પુર્ણાહૂતિનો સમય હતો પણ હજીનો પંડિતજીનો કંઠ ઘુંટાયો હતો. તેમના આનંદનો કોઇ પાર નહોતો. અપાર આનંદ તેમના ચહેરા પર સ્પષ્ટ તરી આવતો હતો. અરે તરાના તો રહ ગયા.. આપ જલ્દિ મત કરો મેરા કોઇ ભરોસા નહીં કહીં પદ્મવિભૂષણ પંડિતજીએ સંગીતને તેમના કંઠનું જાણે આભૂષણ બનાવ્યું હોય તેમ તરાના ને લલકાર્યો. તેમના ભાણેજ રતન મોહન શર્માજીએ તરાના ગાઇ લોકોને તારવ્યા. 

ફરમાઇશ નો વરસાદ.. સાચું કહું મારાથી ગવાતું નથી પણ તમારી સામે ગાવાથી હજી પેટ નથી ભરાયું કહી સંગીત પિપાસુઓની અદમ્ય ઇચ્છાને પં. જસરાજજીએ વધાવી લીધી રાગ બસંતને છેડ્યો. ઐસા પત્ર પઢ્યો રૂત બસંત તુમ કજવા બાન બાન.. મલયા નીલ પઢ્યો તરી વિચાર.. બાજે સુખ પ્રિત તુમ સુનોનાર.. પંડિતજીના કંઠમાંથી સાક્ષાત માતા સરસ્વતીનો વાસ છે તેની પ્રતિતિ થઇ. કારણ સાચા સ્વરોની સાચી લગાવટથી સ્વર લહેરમાં લાગણી ભળે, તે ઉર્મિ ઢંઢોળે છે. આ ચેતના મૃત ન થવી જોઇએ તેવા ભાવસભર વિધાનથી વ્યકિતનું જીવતા હોવું અને જીવંત રહેવું નો ભેદ સ્પષ્ટ થયો હતો. પંડિતજીના કંઠમાંથી વહેલા સ્વરો ગુણીજનોના મનોમસ્તિષ્કની આસપાસ વીંટળાઇ વળ્યા ત્યારે સાચી સંવેદનાનો અનુંભવ થયો. પંડિત જસરાજજી સાથે તેમના ભાણેજ પં. રતન મોહન શર્મા અને શિષ્યા અંકિતા જોશી એ સ્વર સંગાથ આપ્યો જયારે તબલા પર પં. રામકુમાર મિશ્રા અને હાર્મોનિયમ પર અભિનવ રવાનડે એ સંગત કરી. અંતે ઉભા રહી જયારે પંડિતજીએ રાષ્ટ્રગીત લલકાર્યું ત્યારે રોમ રોમ તેમને વંદી રહ્યું. જય હો.. ના જયઘોષ સાથે સપ્તસંગીતિએ વિરામ લીધો.

'નિઓ' રાજકોટ ફાઉન્ડેશનના આ છે સફળ સર્જકો

પરાક્રમસિંહ જાડેજા, દિપકભાઈ રીંડાણી, વિક્રમભાઈ સંઘાણી, અતુલભાઈ કારીયા, મુકેશભાઈ શેઠ, અરવિંદભાઈ પટેલ, હિરેનભાઈ સોઢા.

નિઓની ટીમ દ્વારા પંડિત જશરાજજીનું સન્માન

રાજકોટ : 'નિઓ'ના ડાયરેકટરોની ટીમ દ્વારા પંડિત જશરાજજીનું સ્મૃતિચિન્હ આપી સન્માન કરવામાં આવ્યુ હતું. નીઓના ડિરેકટર સર્વશ્રી પરાક્રમસિંહજી જાડેજા, શ્રી દિપકભાઇ રીંડાણી, શ્રી વિક્રમભાઇ સંઘાણી, શ્રી અતુલભાઇ કારિયા, શ્રી મુકેશભાઇ શેઠ, શ્રી અરવિંદભાઇ પટેલ અને શ્રી હિરેનભાઇ સોઢાના માર્ગદર્શન હેઠળ નીઓની સમગ્ર ટીમે કાર્યક્રમને સફળતા અપાવી.

પંડિત જસરાજજીનો જયઘોષ... જય હો... રાજકોટ..

સપ્તસંગીતિ ૨૦૨૦ ની પૂર્ણાહૂતિએ પંડિત જસરાજજીએ કહેલી કેટલિક સંક્ષીપ્ત વાતો.. અને સુકરિયા નીઓ..

 પંડિતજીએ ગુજરાતીમાં કહ્યું, તમે થડા મોડા પડ્યા કેમકે હવે હું થોડા દિવસો પછી એટલે કે ૨૪ જાન્યુઆરીએ ૯૧ માં વર્ષમાં પ્રવેશ કરીશ.  તમે મને ૮૦ વર્ષે બોલાવ્યો હોત તો સારૂ થાય તમે એક દશકો કાઢી નાખ્યો હું વૃધ્ધમાં પણ વૃધ્ધ થઇ ગયો.  નોંધનિય બાબત રહી કે ૯૦ વર્ષે હજી પણ પંડિતજી સ્ટેજને વંદન કરી પછીજ આરોહણ કરે છે.  ૯૦ વર્ષે સતત બે કલાક કોઇપણ ટેકા વિના પદ્માસનમાં બેસી ગાવું તે કોઇ ચમત્કારથી કમ નહોતું. જોકે સ્વરનો ટેકો હોય તેને અન્ય કોઇ ટેકણની જરૂર પડતી નથી.  સ્ટેજ પર તેમને સ્વર સંગાથ આપતા શિષ્યોને ઠપકો આપી જાણે શીખવતા હોય તેવો ભાવ દર્શાવ્યો.  ૨૦૦૦ થી વધુ લોકો પંડિતજીને સાંભળવા ઉમટી પડ્યા  લોકોએ અંતમાં હેપ્પી બર્થ ડે ગાઇ પંડિતજીને જન્મદિવસની શુભકામના પાઠવી  નીઓના સુંદર આયોજનની પ્રસંશા કરીએ તેટલી ઓછી છે.  શ્રી માંધાતાસિંહજી, કલેકટર સુશ્રી રમ્યા મોહન, પોલિસ કમીશ્નર શ્રી મનોજ અગ્રવાલ, મેયર બિનાબેન આચાર્યની પ્રેરક ઉપસ્થિતી રહી.

(1:40 pm IST)