રાજકોટ
News of Friday, 10th January 2020

બેકબોન રેસિડેન્સીમાંથી ભાડૂઆત સંજય શિયાર અને ધાર્મિક જોષી દારૂના ૫૦ ચપલા સાથે ઝડપાયા

માધાપર ચોકડી પાસેની રેસિડેન્સીના લોકોએ પોલીસને જાણ કરીઃ પોલીસ આવતાં દારૂનો થેલો ફેંકી દીધો : ગાંધીગ્રામ પોલીસે તાકીદે પહોંચી મુળ જામનગરના આહિર શખ્સ અને મીરાનગરના તેના મિત્ર બ્રાહ્મણ શખ્સને દારૂ સાથે પકડી કાર્યવાહી કરીઃ બંનેની આકરી પુછતાછઃ એક રેલ્વે કર્મચારી મારફત દારૂ મંગાવ્યાનું રટણ : અગાઉ જામનગરમાં દારૂમાં સંડોવાયેલો સંજલો ત્રણ માસથી રેલ કર્મીનો ફલેટ ભાડે રાખી ભાડા કરાર પણ કરતો નહોતો, બીજા રહેવાસીઓ માટે ત્રાસરૂપ બન્યો'તોઃ રાતે મિત્રને બોલાવી પાર્ટીની તૈયારી કરતાં લોકો ભેગા થયા ને પોલીસ બોલાવી

રાજકોટ તા. ૧૦: માધાપર ચોકડી પાસેની બેકબોન રેસિડેન્સીમાં ફલેટ નંબરમાં ભાડેથી રહેતો મુળ જામનગરનો આહિર શખ્સ તેના મિત્ર બ્રાહ્મણ શખ્સ સાથે મળી ફલેટમાં દારૂની પાર્ટી કરી  રેસિડેન્સીના અન્ય રહેવાસીઓ માટે ત્રાસરૂપ બન્યો હોવાની ફરિયાદો ઉઠ્યા બાદ ગત રાતે તે ફરીથી મિત્ર સાથે ફલેટમાં પાર્ટી કરવા તૈયારી કરી રહ્યાની માહિતીથી રહેવાસીઓ ભેગા થઇ જતાં દેકારો મચી ગયો હતો. આ અંગે પોલીસ કન્ટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવતાં ગાંધીગ્રામ પોલીસ મથકની ટીમ તાકીદે પહોંચી હતી અને બંને શખ્સોને વિદેશી દારૂના ૫૦ ચપલા (૧૮૦ મી.લી.ની બોટલો) સાથે પકડી લીધા હતાં. બંનેની આકરી ઢબે પુછતાછ કરવામાં આવી હતી.

રાત્રીના બેકબોન રેસિડેન્સીના રહેવાસીઓને પોલીસ કન્ટ્રોલ રૂમમાં જાણ કરી હતી કે આ રેસિડેન્સીના ફલેટ નં. ૨૦૨માં એચ વીંગમાં રહેતો શખ્સ અને તેનો મિત્ર ગેરકાયદે પ્રવૃતિ કરે છે અને દારૂ ઉતારે છે. આ માહિતીની જાણ પેટ્રોલીંગમાં રહેલા પી.આઇ. કે. એ. વાળા અને પીએસઆઇ એમ. બી. જેબલીયાને થતાં પીએસઆઇ જેબલીયા, કોન્સ. દિવ્યરાજસિંહ જાડેજા, રણધીરભાઇ સવસેટા, ટ્રાફિક બ્રિગેડ પરેશભાઇ ચાવડા સહિતનો સ્ટાફ પહોંચ્યો હતો.

પોલીસે ફલેટ પર પહોંચતા બે શખ્સોએ એક થેલો નીચે ફેંકી દીધો હતો. જે કબ્જે કરી જોતાં અંદરથી ૮પીએમ બ્રાન્ડની વ્હીસ્કીના ૧૮૦ એમ.એલ.ની ૫૦ બોટલો (ચપલા) મળી આવતાં ૫૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરી ફલેટમાં રહેતાં મુળ જામનગરના ગુલાબનગર સથવારા સમાજ શેરી-૧ના સંજય ઉર્ફ સંજલો ભીખાભાઇ શિયાર (આહિર) (ઉ.વ.૩૦) તથા તેના મિત્ર ધાર્મિક ઉર્ફ ધમો જયેશભાઇ જોષી (બ્રાહ્મણ) (ઉ.વ.૨૫-રહે. મીરાનગર-૩, રૈયા રોડ)ની ધરપકડ કરી હતી. આ બંને ડ્રાઇવીંગ કામ કરે છે. પોલીસે બંનેની વિશીષ્ટ ઢબે પુછતાછ કરી હતી.

સંજય ઉર્ફ સંજલાએ ત્રણેક મહિના પહેલા આ રેસિડેન્સીમાં રેલ્વે કર્મચારીનો ફલેટ ભાડેથી રાખ્યો હતો. તે ભાડા કરારમાં સહી પણ કરી આપતો નહોતો અને બીજા રહેવાસીઓ માટે ત્રાસરૂપ બન્યો હતો. આથી ગઇકાલે રહેવાસીઓએ ફલેટ માલિક રેલ કર્મચારીને જાણ કરતાં તેણે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી. ત્યાં જ રાતે તે અને તેનો મિત્ર પાર્ટી કરવા ફલેટમાં ભેગા થયાની ખબર પડતાં રહેવાસીઓએ હલ્લાબોલ કર્યો હતો. પોલીસ પહોંચતા દસેક મિનીટ સુધી દરવાજો ખોલાયો નહોતો. એ પછી દરવાજો ખોલી તપાસ થતાં કંઇ મળ્યું નહોતું. પણ વિશેીષ્ટ પુછતાછ થતાં દારૂના ચપલા ભરેલો થેલો પાછલી ગેલેરીમાંથી બહાર ફેંકી દીધાનું કબુલતાં તે કબ્જે કરાયો હતો. સંજયએ પોતે જામનગરમાં એકવાર દારૂમાં પકડાયાનું અને હાલમાં આ ચપલા એક રેલ કર્મચારી પાસેથી લાવ્યાનું રટણ કર્યુ હતું.

(1:00 pm IST)