રાજકોટ
News of Friday, 10th January 2020

ખોખડદળમાં ફાયનાન્સવાળા રિક્ષા ખેંચી ગયાના ડખ્ખામાં નરેન્દ્રભાઇ પટેલ, પુત્ર-પુત્રવધૂ પર લોખંડના પાઇપથી હુમલો

શાપરના જાદવ કોળી મારફત પટેલ આધેડે રિક્ષા ખરીદી હતીઃ તે વખતે જાદવ અને વેંચનાર સલિમે અગાઉના બે હપ્તા ચડત હોવાની વાત છુપાવી હતીઃ ખેંચાયેલી રિક્ષા પરત અપાવવાનું કહેતાં હુમલો

રાજકોટ તા. ૧૦: ખોખડદળપુલ પાસે શિવનગરમાં રહેતાં કડવા પટેલ આધેડ, તેના પુત્ર અને પુત્રવધૂ પર શાપરના દંપતિ સહિત ત્રણે રાતે લોખંડના પાઇપથી હુમલો કરી લોહીલુહાણ કરી નાંખ્યા હતાં. પટેલ આધેડે શાપરના શખ્સ મારફત પીપળીયાના શખ્સ પાસેથી રિક્ષા વેંચાતી લીધી હતી. જે રિક્ષા ફાયનાન્સવાળા અગાઉના ચડત હપ્તાને કારણે  ખેંચી જતાં તે બાબતે શાપરના શખ્સને વાત કરતાં તેણે ખાર રાખી રાતે રાજકોટ આવી હુમલો કર્યો હતો.

બનાવમાં આજીડેમ પોલીસે ખોખડદળપુલ પાસે શિવનગર મેઇન રોડ મહાકાળી માતાના મંદિર પાસે રહેતાં અને કારખાનામાં કામ કરતાં નરેન્દ્રભાઇ ભોલાભાઇ હળદરીયા (કડવા પટેલ) (ઉ.વ.૪૮)ની ફરિયાદ પરથી શાપર વેરાવળ શાંતિધામના ગેઇટ પાસે ઝૂપડામાં રહેતાં જાદવ રામાભાઇ કિંદરખેડીયા (કોળી), શારદા જાદવ કિંદરખેડીયા અને નિલેષ સામે ગુનો નોંધ્યો છે.

નરેન્દ્રભાઇના કહેવા મુજબ મારે બે મહિના પહેલા રિક્ષા લેવી હોઇ મેં મારા પરિચીત શાપરના જાદવનો સંપર્ક કરતાં તેણે મને પીપળીયાના સલિમ સૈયદની પિયાગો રિક્ષા બતાવી હતી. મને રિક્ષા ગમતાં મેં હા પાડી હતી અને ડાઉન પેમેન્ટના રૂ. ૨૧૫૦૦ આપ્યા હતાં. તે વખતે સલિમે મને કહ્યું હતું કે તેણે ફાયનાન્સના ૧૦ હપ્તા ભરી દીધેલા છે બાકીના તમારે ભરવાના રહેશે. મેં રિક્ષા ખરીદી લીધા બાદ ખબર પડી હતી કે અગાઉના બે હપ્તા ચડત થઇ ગયા છે. આ કારણે ફાયનાન્સ કંપનીવાળા આવીને મારી રિક્ષા ખેંચી ગયા હતાં. આ બાબતે મેં સલિમને અવાર-નવાર ફોન કરીપુછતાછ કરી રિક્ષાનો વહિવટ પુરો કરવા કહ્યું હતું. પરંતુ તે રિક્ષા પાછી આપાવતા નહોતાં આ કારણે બોલાચાલી થઇ હતી. આ બાબતે મેં જાદવને પણ તેના મારફત રિક્ષા લીધી હોવાથી જાણ કરી હતી.

દરમિયાન ગુરૂવારે રાતે સાડા અગિયારેક વાગ્યે જાદવ, તેની પત્નિ શારદા ઉર્ફ શારદી અને નિલેષ રાજકોટ આવ્યા હતાં અને ઘર બહાર ઉભા રહી બૂમો પાડતાં હું, મારો પુત્ર પ્રકાશ (ઉ.૩૦), પ્રકાશની પત્નિ ભારતી (ઉ.૨૭), મારા પત્નિ સહિતના જાગી ગયા હતાં અને બહાર આવતાં જાદવ સહિતનાએ અમને ગાળો દીધી હતી. ગાળો બોલવાની ના પાડતાં ત્રણેયે ઉશ્કેરાઇ જઇ લોખંડના પાઇપથી હુમલો કરી મને, મારા દિકરા અને પુત્રવધૂને ઘાયલ કરી દેતાં અમે લોહીલુહાણ થઇ ગયા હતાં. મારા પત્નિ વચ્ચે પડતાં તેને પણ એક ઘા લાગી ગયો હતો. દેકારો થતાં લોકો ભેગા થઇ જતાં આ બધા ભાગી ગયા હતાં અને અમે ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલે પહોંચ્યા હતાં.

હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રાજભાઇએ જાણ કરતાં આજીડેમના પીએસઆઇ સી.એસ. પટેલે નરેન્દ્રભાઇની ફરિયાદ પરથી ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(1:38 pm IST)