રાજકોટ
News of Friday, 10th January 2020

રાજકોટ જિલ્લામાં આયુષ્‍યમાન ભારત યોજનાના ડુપ્‍લીકેટ કાર્ડ પ્રકરણમાં 21 કોમ્‍પ્‍યુટર ઓપરેટર સસ્‍પેન્‍ડ

રાજકોટ :રાજકોટ જિલ્લામાં પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજનાના ડુપ્લિકેટ કાર્ડ કાઢી આપવાનું કૌંભાડ સામે આવ્યું છે. રાજકોટ જિલ્લામાં 9 હજાર કરતા વધુ નકલી કાર્ડ કાઢવામાં આવ્યું હોવાનું તંત્રને ધ્યાને આવ્યું હતું. જેના આધારે એક કમિટી બનાવી તપાસનાં આદેશ આપવામાં આવ્યા છે. સાથે જ સાચા લાભાર્થીઓ સાથે છેતરપિંડી કરી કૌંભાડ આચરનારા 21 જેટલા કમ્પ્યુટર ઓપરેટર્સને સસ્પેન્ડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટમાં ફરી એક વખત પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડનું કૌંભાડ સામે આવ્યું છે. ગુજરાતમાં એક જ પરિવારનાં નામે 250થી વધુ કાર્ડ કાઢવામાં આવ્યા હોવાનું સામે આવતા સરકારે તપાસના આદેશ આપ્યા હતા. તપાસ દરમિયાન માત્ર રાજકોટ એક જ જિલ્લામાં 9 હજાર કરતા વધુ નકલી આયુષ્યમાન કાર્ડ કાઢવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. જેને લઇને રાજકોટ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવામાં આવી છે. જે કમિટી દ્વારા 21 જેટલા ઓપરેટર્સને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કમિટી દ્વારા કૌંભાડ આચરનારા ઓપરેટર્સ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે. જોકે હાલ જિલ્લા આરોગ્ય વિભાગે સાયબર સેલની મદદથી કેટલા કાર્ડ કાઢવામાં આવ્યા અને કોની એચએચઆઇડીનો ઉપયોગ કરવામાં આવ્યો છે સહિતનાં મુદ્દાની તપાસ શરૂ કરવામાં આવી છે તેવું જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મિતેશ ભંડારીએ જણાવ્યું.

કેવી રીતે આચર્યું કૌંભાડ?

રાજકોટ જિલ્લા આરોગ્ય અધિકારીએ કહ્યું હતું કે, આયુષ્યમાન ભારત કાર્ડ માટે કેન્દ્ર સરકારે યાદી મોકલી હોય. જેમને જ આ કાર્ડ કાઢી આપવામાં આવે છે. પરંતુ સોફ્ટવેરમાં રહેલી ક્ષતીનો દુર ઉપયોગ કરીને ઓપરેટરો જેમનું લિસ્ટમાં નામ નથી, તેવા લોકોને પણ કાર્ડ કાઢી આપ્યા હોવાનુ સામે આવ્યું છે. ઓપરેટર્સને એચએચઆઇડી આપવામાં આવ્યું હોય છે. જેમાં લોગ ઇન કરીને જે પરિવારનું નામ યાદીમાં છે તેને જ કાર્ડ કાઢવાનાં હોય છે. પરંતુ ઓપરેટર્સ સોફ્ટવેરની ખામીનો દૂરુપયોગ કરીને ભળતી અટકવાળા પરિવારનાં આઇડીમાં અન્ય લોકોને એડ કરીને ગેરકાયદેસર કાર્ડ કાઢી આપતા હોવાનું સામે આવ્યું હતું. આવા 9 હજાર કરતા વધુ કાર્ડ કાઢવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. હાલ તો 9 હજાર જેટલા નકલી કાર્ડ રદ્દ કરવાની કાર્યવાહી કરવામા આવી છે. સાચા લાભાર્થીઓને લાભ મળે તે માટે ફરી થી કાર્ડ કાઢી આપવાની તૈયારી પણ દર્શાવી હતી.

હાલ આરોગ્ય વિભાગે નકલી કાર્ડ ધારક હોસ્પિટલમાં કાર્ડ લઇને સારવાર લેવા પહોંચે એટલે આરોગ્ય વિભાગને જાણ કરવા હોસ્પિટલોને પણ સૂચના આપી દેવામાં આવી છે. મહત્વનું છે કે, ભારત સરકાર દ્વારા ગરીબ પરિવારોને આરોગ્યની સારી સુવિધા મળે અને ખર્ચ થાય તો 5 લાખ સુધીની સહાય આપવાનાં ઉદ્દેશથી આ યોજના લાગુ કરવામાં આવી છે. પરંતુ કૌંભાડીયાઓ આ યોજનાનો ગેરલાભ લઇને આર્થિક વકરો કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ થોડા સમય પહેલા રાજકોટમાં ઝી 24 કલાકની ટીમે સ્ટિંગ ઓપરેશન કરી રૂપિયા મેળવી આયુષ્યમાન કાર્ડ કાઢી આપતા કૌભાંડીઓનો કર્યો હતો.

(4:40 pm IST)