રાજકોટ
News of Friday, 10th January 2020

રાજકોટમાં રાજ્યકક્ષાના પ્રજાસતાક પર્વની ઉજવણી : 13 વર્ષનો જય વ્યાસ અશ્વ સવારીના કરતબો બતાવશે

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની હાજરીમાં યોજાનાર અશ્વ શોમાં અંદાજીત 70 જેટલા અશ્વ સવારો ભાગ લેશે

રાજકોટ :રાજકોટમાં આગામી 26મી જાન્યુઆરીએ 71માં પ્રજાસત્તાક પર્વની રાજય કક્ષાની ઉજવણીની તૈયારીઓ થઇ રહી છે ત્યારે 18 જાન્યુઆરીએ પોપટપરા પોલીસ માઉન્ટેનર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીની હાજરીમાં અશ્વ શોનો કાર્યક્રમ યોજાનાર છે. આ અશ્વ શોમાં અંદાજીત 70 જેટલા અશ્વ સવારો ભાગ લેનાર છે, જેઓ હાલમાં પોલીસ માઉન્ટેનર, રાજકોટ ખાતે તાલીમબધ્ધ થઈ સ્વકૌશલ્યમાં વધારો કરી રહ્યા છે.

   71માં પ્રજાસત્તાક પર્વની રાજય કક્ષાની થનારી ઉજવણીમાં યોજાનાર અશ્વ શોમાં સૌથી નાની ઉંમરનો અશ્વ સવાર જય વ્યાસ ભાગ લેશે માત્ર 13 વર્ષની  ઉંમરનો  જય પોતાની ઘોડી દેવસેના સાથે સમય પસાર કરે છે. ખુબ જ નાની વયે જયે એન્ડ્યુરન્સ રેસમાં પાલનપુર ખાતે અને ટ્રાયલ ચેલેન્જ રેસમાં મહારાષ્ટ્ર ખાતે અકલુજમાં ભાગ લીધો છે. જયે પોતાના શોખ વિશે જણાવતા કહ્યું હતું કે, પોતાના પિતા સાથે પાંચ વર્ષની ઉંમરથી જ  ઘોડેસવારી કરવા જતો હતો

આ અશ્વ શોમાં ભાગ લેનાર 25 વર્ષની વય ધરાવતા એક હોટેલિયર અને બિઝનેસમેન ચંદ્રેશ ડાંગર પોતાની ઘોડી રાજવીને પસવારતા જણાવે છે કે મને નાનપણથી ઘોડાઓ પ્રત્યે લગાવ છે. ઘોડાઓ સૌથી વફાદાર પ્રાણી છે. મને જાનવરો પ્રત્યેના લગાવના કારણે હું અશ્વ શોમાં ભાગ લઉં છું. ઘોડે સવારી જેવી રમતોના કારણે શારીરિક તંદુરસ્તી સારી રહે છે તથા માનસિક રીતે આનંદદાયક જીવન જીવી શકાય છે.

અશ્વ શોના મુખ્ય આકર્ષણોમાં બેરલ રેસ, મટકી ફોડ, ગરવો લેવો, જેવી વિશિષ્ઠ આવડતો અને કરતબો ધરાવતી રમતોનો સમાવેશ કરવામાં આવનાર છે. જેમા ઘોડે સવારીની મુખ્ય ચાલો એવી વોક, ટોર્ટ, કેન્ટર અને ગેલપ જેવી વિવિધ ચાલો નિહાળવાનો મોકો મળશે.

(8:59 am IST)