રાજકોટ
News of Friday, 9th December 2022

યાજ્ઞીક રોડ પર દારૂ ભરેલી બેગ મુકી ભાગી જનારો શખ્સ ઝડપાયો: ભોમેશ્વરમાં રહેતો એસટી ડ્રાઇવર અલતાફ રાજસ્થાનથી દારૂ ભરી લાવ્યો'તો

એ ડિવિઝન પીઆઇ કે.એન. ભૂકણ, પીએસઆઇ જી.એન.વાઘેલા, એએસઆઈ ભરતસિંહ ગોહિલ અને ટીમે કલાકોમાં ભેદ ઉકેલ્યો: નશો કરેલો હોઈ અલગથી કાર્યવાહી

રાજકોટ: શહેરના યાજ્ઞીક રોડ ખાતે એક દારૂ ભરેલી બેગ પડી હોઇ તેમાંથી રાહદારીઓ દારૂની બોટલો લઈ જતાં હોય તેવો વીડીયો સોશિયલ મીડીયામાં વાયરલ થયો હોઇ ઉપરી અધીકારીઓએ તત્કાળ આ શખ્સને અને દારૂ લઈ જનારા લોકોને શોધી કાઢવા તજવીજ કરી હતી. એ ડિવિઝન પોલીસે સી.સી.ટી.વી.ફુટેજના આધારે ગણતરીના કલાકોમાં આરોપીને પકડી લીધો છે.

       આ શખ્સે પોતાનું નામ અલતાફ બોદુભાઈ હોથી (ઉ.વ.૪૧ ધંધો-એસ.ટી.ડ્રાઈવર રહે-ભોમેશ્વર પ્લોટ શેરી નં-૬/૧૪ કોર્નર રેલ્વે ફાટક સામે જામનગર રોડ) જણાવ્યું હતું. પૂછતાછમાં કબુલ્યું હતું કે પોતે એસ.ટી ડ્રાઈવર હોઇ અને રાજકોટથી રાજસ્થાન નાથદ્વારાની બસ ચલાવતો હોઇ તે રાજસ્થાનથી દારૂની બોટલો બેગમાં રાખી લઈ આવેલ અને રાજકોટ બસ સ્ટેન્ડથી પોતાના ઘરે પોતાના મોટર સાઇકલમાં દારૂ ભરેલ બેગ રાખીને જતો હતો તે વખતે યાજ્ઞીક રોડ પર બેગ પડી જતાં રસ્તે ચાલતા રાહદારીઓએ આ બેગમાંથી દારૂની બોટલો લઈ લીધી હતી અને બાદમાં પોતે પણ જતો રહ્યો હતો. 

પોલીસે રાહદારીઓની શોધખોળ સી.સી.ટી.વી ફુટેજને આધારે યથાવત રાખી છે. એસટી ડ્રાઈવર  કેફી પ્રવાહી પીધેલ હાલતમાં મળી આવેલ હોઇ અલગથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ કામગીરી પો.ઇન્સ કે.એન.ભુકણ તથા પો સબ ઇન્સ. જી.એન.વાઘેલા તથા એ.એસ.આઇ.બી વી ગોહીલ તથા એમ.વી.લુવા તથા પો.કોન્સ જયરાજસિંહ કોટીલા, સાગરદાન દાતી, હરપાલસિંહ જાડેજા, જગદીશભાઈ વાંક, હરવિજયસિંહ ગોહિલ તથા કેતનભાઈ બોરીચાએ કરી હતી.

(6:39 pm IST)