રાજકોટ
News of Friday, 9th December 2022

રસ્તે રઝળતાં ઢોરનું ૬૦ દિવસમાં રજીસ્ટ્રેશન કરાવવામાં નહિ આવે તો ઢોર ડબ્બે પુરાશે

પોલીસ કમિશનર રાજુ ભાર્ગવનું જાહેરનામુઃ અવગણના કરનારા ઢોર માલિકો સામે પગલા લેવામાં આવશે

રાજકોટ તા. ૯: શહેરમાં રસ્તે રખડતા ઢોરનો ઉપદ્રવ ઘણા સમયથી વધી ગયો છે. ભુતકાળમાં રખડતા ઢોરને કારણે અકસ્માતના બનાવો પણ બન્યા છે. રખડતા ઢોરને કારણે પ્રજામાં ભય અને ત્રાસનું વાતાવરણ ઉભુ થયું છે. આ પ્રકારની સમસ્યાને દૂર કરવા રખડતાં ઢોરની પ્રવૃતિને કાબુમાં લેવા નિયંત્રણો મુકવા જરૃરી હોવાથી પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવએ એક જાહેરનામુ બહાર પાડી ૬૦ દિવસની અંદર શહેરમાં વસતા તમામ પ્રકારના ઢોર જેમ કે ગાય, ભેંસ વગેરેના માલિકોએ પોતાના ઢોરને મ્યુ. કોર્પોરેશન તરફથી લગાડવામાં આવતાં ટેગ તથા ચીપ લગાવડાવી પોતાના ઢોરનું રજીસ્ટ્રેશન ફરજીયાતપણે કરાવવું પડશે. જો ઢોરના માલિકો આ નિયમનું પાલન નહિ કરે તો તેમના ઢોરને મહાનગર પાલિકાની એનિમલ હોસ્ટેલમાં મોકલી દેવામાં આવશે. આવા ઢોરની માલિકી બદલાય તો તેની જાણ પણ જે તે પશુના માલિકે આર.એમ.સી.માં કરવાની રહેશે. તેમજ ઢોરનું મરણ થાય તેની જાણ પણ કરવી પડશે. આ જાહેરનામાનો અમલ તા. ૧૨/૧૨/૨૨થી બીજો હુકમ ન થાય ત્યાં સુધી કરવાનો રહેશે. ભંગ કરનારા સામે પગલા લેવામાં આવશે. તેમ પોલીસ કમિશનરશ્રીએ જણાવ્યું છે.

(9:47 pm IST)