પુત્રવધૂ પૂજાને જીન્સ પેન્ટ પહેરવાની ના પાડતાં વૃધ્ધ દશરથભાઇ ડાભીની ધોલધપાટઃ રિક્ષામાં તોડફોડ
રૈયાધારનો બનાવઃ પુત્રવધૂ ઉપરાંત પુત્ર વિશાલ અને વેવાઇ હસમુખભાઇએ પણ મારકુટ કર્યાનો સારવાર માટે દાખલ થયેલા કોળી વૃધ્ધનો આક્ષેપઃ હાથમાં ફ્રેકચર
રાજકોટ તા. ૯: રૈયાધાર મફતીયાપરામાં રહેતાં કોળી વૃધ્ધે પોતાની પુત્રવધૂને જીન્સ પેન્ટ પહેરવાની ના પાડતાં બોલાચાલી થતાં પુત્રવધૂ, પુત્ર અને બાજુમાં જ રહેતાં વેવાઇએ મળી ઢીકાપાટુનો માર મારતાં તેમજ લાકડી ફટકારતાં હાથમાં ફ્રેકચર થઇ ગયું હતું. આ ઉપરાંત તેમની રિક્ષામાં પણ તોડફોડ કરવામાં આવી હતી.
જાણવા મળ્યા મુજબ રૈયાધાર મફતીયાપરામાં રહેતાં દશરથભાઇ જાદવભાઇ ડાભી (કોળી) (ઉ.વ.૬૦) નામના વૃધ્ધ સવારે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતાં. તબિબની પુછતાછમાં મારામારીમાં ઇજા થયાનું કહેતાં પોલીસને જાણ કરાઇ હતી. પોલીસ ચોકીના સ્ટાફની પ્રાથમિક પુછતાછમાં પોતાને પુત્ર વિશાલ, પુત્રવધૂ પૂજા વિશાલ અને પડોશમાં જ રહેતાં વેવાઇ હસમુખભાઇ ભગવાનજીભાઇ સોલંકીએ મળી ઢીકાપાટુ અને લાકડીથી માર માર્યાનું કહેતાં યુનિવર્સિટી પોલીસને જાણ કરાઇ હતી.
વૃધ્ધ દશરથભાઇ રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે. તેમણે કહ્યું હતું કે મારે બે દિકરા છે જેમાં મોટો કુંવારો છે. વિશાલે લવમેરેજ કર્યા છે. વેવાઇ પણ પડોશમાં જ રહે છે. દિકરાની પત્નિ પૂજા જીન્સ પેન્ટ પહેરતી હોઇ અને યોગ્ય વર્તન કરતી ન હોઇ જેથી મેં તેના બાપુજી હસમુખભાઇને આ બાબતે વાત કરતાં તેણે અને પૂજાએ ઝઘડો કર્યો હતો અને ફોન કરી મારા દિકરા વિશાલને તે કામે ગયો હતો ત્યાંથી બોલાવ્યો હતો. એ પછી ત્રણેયે સાથે મળી માર માર્યો હતો. લાકડી ફટકારાઇ હોવાથી એક હાથમાં ફ્રેકચર થઇ ગયુ હોવાનું પણ દશરથભાઇએ કહ્યું હતું. આ ઉપરાંત રિક્ષામાં પણ તોડફોડ કરી હોવાનું તેમણે કહેતાં પોલીસે તેનું નિવેદન-ફરિયાદ નોંધવા તજવીજ કરી હતી.