રાજકોટ
News of Thursday, 9th December 2021

રાજકોટ નાગરિક બેંક સાથે ૬૦ લાખની છેતરપીંડી અને ઉચાપતના કેસમાં બે આરોપીઓની જામીન અરજી નામંજુર

રાજકોટ તા.૯ : નાગરિક બેંક સાથે ૬૦ લાખની છેતરપિંડી કરનારા આરોપીઓની જામીન અરજી રદ કરવાનો સેસન્સ કોર્ટે હુકમ કર્યો હતો.

આ બનાવ અંગેની વિગત એવી છે કે, તા.૩/૧૧/ર૦ર૧ ના રોજ રાજકોટ નાગરિક સહકારી બેંક કાલાવડ રોડ શાખાના મેનેજર રવિ દિલીપકુમાર જોશી બેંકના રૂપિયા ૬૦ લાખ લઇ અને અન્ય આરોપીઓ સાથે મળી બેંક સાથે છેતરપિંડી કરી બેંકના ૬૦ લાખ સગેવગે કરી નાખવાના ગુન્હામાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કરેલ.

જેલમાંથી આરોપી ભવ્યેસ ભોગીલાલ માંડાણી રહે. અક્ષરનગર ગાંધીગ્રામ રાજકોટ વાળો તથા આરોપી દેવાંગ નટવરલાલ પટેલ રહે ગાંધીનગર વાળાએ જામીન પર છુટવા જામીન અરજી કરતા સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઇ પીપળીયા હાજર થયેલ અને જામીન અરજીનો વિરોધ કરતા રજુઆત કરેલ કે આરોપીઓએ ગુન્હાહિત કાવતરૂ રચી બેંકની આટલી મોટી રકમ ઓળવી જય ગંભીર ગુન્હો આચરેલ છે. આવા આરોપીઓને જામીન આપવામાં આવશે તો ફરી આવા ગુન્હા કરશે અને તેઓને કાયદાનો કોઇ ડર રહેશે નહીં તેથી જામીન અરજી રદ કરવા રજુઆત કરેલ. ઉપરોકત રજુઆતને ધ્યાને લઇ એડી.સેશન્સ જજ શ્રી એ.વી.હિરપરાએ જામીન અરજી રદ કરેલ છે આ કામમાં સરકાર તરફથી સરકારી વકીલ મુકેશભાઇ પીપળીયા રોકાયેલા હતા જયારે મુળ ફરીયાદી વતી એડવોકેટ અનિલ આર.દેસાઇ રોકાયા હતા.

(3:39 pm IST)