રાજકોટ
News of Thursday, 9th December 2021

કોરોનાને લીધે ગુજરાતમાં ૧૧૮૪ બાળકો અનાથ બન્યા : ૫૦ હજારની મામૂલી સહાય માટે પોર્ટલનું ધતીંગ બંધ કરો

ઉદ્યોગકારો માટે તિજોરી ખાલી કરી નાખતી સરકાર ગરીબોની વ્યથા કયારે સમજશે : માવતર ગુમાવનાર બાળકોને સુપ્રિમ કોર્ટની નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ મુજબ મળતી સહાય ઘરે જઈને પહોંચાડવા ભટ્ટી, મકવાણા, અનડકટ અને મુંધવાની અપીલ

રાજકોટ, તા. ૯ : કોરોનામાં આયોજન વિહોણી સરકારની ભૂલને લીધે હજારો લોકો મોતના મુખમાં ધકેલાઈ ગયા છે ત્યારે ગુજરાતમાં ૧૧૮૪ બાળકો અનાથ થયા હોવાનું સરકાર જણાવી રહી છે. આ બાળકોને મળતી ૫૦ હજાર રૂપિયાની સહાય માટે પણ સરકારે પોર્ટલનું ડીંડક ઉભું કરતા શહેર કોંગ્રેસ અગ્રણીઓ જશવંતસિંહ ભટ્ટી, ડી.પી. મકવાણા, ગોપાલ અનડકટ અને રણજીત મુંધવાએ અવાજ ઉઠાવી બાળકોને ઘરે બેઠા સહાય પહોંચાડવામાં આવે તેવી અપીલ સાથેની યાદીમાં જણાવાયુ છે.

તેઓએ વધુમાં જણાવેલ કે કોરોનાને લીધે અનેક પરિવારોના માળા વિખાઈ ગયા છે. સરકાર તો ઉલ્ટા ચશ્મા જ પહેરાવે છે. પરંતુ ગુજરાતમાં મા - બાપ બંને ગુમાવી અનાથ બનેલા બાળકોની સંખ્યા ઓફીશ્યલ ૧૧૮૪ બતાવવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા અનાથ બાળકોને ૪ લાખની સહાય આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. સુપ્રિમ કોર્ટની ગાઈડલાઈન મુજબ કોઈપણ કુદરતી આફતમાં કોઈ વ્યકિતનું મોત થાય તો તેના પરિવારને નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની જોગવાઈ મુજબ સરકારે સહાય કરવી ફરજીયાત છે પરંતુ આ બાળકોને સરકાર નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની જોગવાઈ મુજબ સરકારે સહાય કરવી ફરજીયાત છે. પરંતુ આ બાળકોને સરકાર તરફથી ૫૦ હજાર રૂ.ની સહાય જાહેર કરવામાં આવી છે જે મશ્કરી સમાન છે અને આ સહાય મેળવવા માટે પણ અનાથ બાળકોને સાત કોઠા વીંધીને જવુ પડે તેવી પોર્ટલ જાહેર કરવામાં આવી છે. જેની પ્રક્રિયા પણ ખૂબ અઘરી છે.

આ પોર્ટલમાં સરકારે એવું જણાવ્યુ છે કે તમે ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકો છો પણ સરકારને એ નથી ખબર કે દરેક અનાથના ઘરે કોમ્પ્યુટર કે ઈન્ટરનેટ ન હોય પોર્ટલમાં મૃતકનું આધાર કાર્ડ, દાખલો, બેંક ડીટેઈલ અપલોડ કરવાની અને પછી જો વેરીફાય થાય તો ૩૦ દિવસે તમારો નિવેડો આવે એવુ સરકાર કહે છે ઉદ્યોગપતિઓ માટે લાલ જાજમ પાથરીને જમીનો પાણીના ભાવે આપી ઉદાર હાથે દેવા માફ કરી દેવા માટે પ્રચલિત બનેલી સરકારને ગરીબો સાથે જ શું વાંધો છે તે ખબર નથી પડતી. મુસીબતના સમયમાં તિજોરી ખોલી નાખવી જોઈએ તેને બદલે સરકાર તો ઉદ્યોગકારો માટે તિજોરી ખોલી નાખતી સરકાર કોઈ ગરીબની વ્યથા કયારે સમજશે. માવતર વિનાની જિંદગી જીવવા મજબૂર બનેલા એ અનાથ બાળકોને આ પોર્ટલની રામાયણમાંથી મુકિત આપી તેઓને ઘરબેઠા તુરંત રોકડ સહાય પહોંચાડવામાં આવે તેવી માંગણી શ્રી ભટ્ટી, શ્રી મકવાણા, શ્રી અનડકટ અને શ્રી મુંધવા દ્વારા કરાઈ છે.

(2:35 pm IST)