રાજકોટ
News of Thursday, 9th December 2021

ઓશો કોમ્યુન દ્વારા રાષ્ટ્રીય શાળામાં દરરોજ સક્રિય ધ્યાન

મહેશભાઈ કયાડા ઓશો સન્યાસી બન્યા, સ્વામી દેવ વિસ્તાર નામકરણઃ ગ્રુપના વિસ્તારની જવાબદારી સ્વામી શશિકાન્ત સદૈવે આપી : સવારે ૫ થી ૬ કિર્તન અને ૬ થી ૭ ડાયનામિક ધ્યાનઃ અસરકારક ધ્યાન પ્રયોગનો લાભ કોઈપણ વ્યકિત લઈ શકે છે, નિઃશુલ્ક પ્રવૃતિઃ સક્રિય ધ્યાનથી મહેશભાઈ કયાડાનું વજન ટૂંકાગાળામાં ૧૫ કિલો ઘટયું: દરરોજ ૨૫-૩૦ લોકો લાભ લે છેઃ ઓશો કોમ્યુન રાજકોટ દ્વારા ઓશો આશ્રમનું નિર્માણ થશે- દિલીપભાઈ પટેલ સ્વામી ધ્યાન પ્રિતમ

'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે ઓશો કોમ્યુન- રાજકોટના મહેશભાઈ કયાડા, દિલીપભાઈ પટેલ,  ભીખાલાલ વોરા, ડીસીન હિગોરાની, કિશોરભાઈ મકવાણા, નીનાબેન રાઠોડ, ભાવનાબેન કાસુંદ્રા વગેરે નજરે પડે છે.(તસવીરઃ સંદીપ બગથરિયા)

રાજકોટ,તા.૯: તન- મનને સ્વસ્થ- પ્રસન્ન રાખવા ઈચ્છતા લોકો માટે ખુશ- ખબર છે, રાષ્ટ્રીય શાળામાં ઓશો કોમ્યુનિ- રાજકોટ દ્વારા દરરોજ નિયમિત સક્રિય ધ્યાન પ્રયોગ શરૂ થયો છે. દરરોજ સવારના સમયે આ પ્રયોગ ચાલી રહ્યા છે.

ઓશો કોમ્યુનના અગ્રણીઓ  મહેશભાઈ કયાડા (સ્વામી દેવ વિસ્તાર), દિલીપભાઈ પટેલ (સ્વામી- ધ્યાન પ્રિતમ), ભીખાલાલ વોરા (સ્વામી આલોક ભારતી) વગેરે 'અકિલા'ની મુલાકાતે આવ્યા હતા. અગ્રણીઓએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય શાળાના હોલમાં દરરોજ સવારે ૫ થી ૬ વાગ્યા સુધી કિર્તન તથા ૬ થી ૭ વાગ્યા દરમિયાન સક્રિય- ડાયનામિક ધ્યાન કરાવવામાં આવે છે.

દિલીપભાઈએ જણાવ્યું હતું કે, સક્રિય ધ્યાન ચમત્કારિક ગણી શકાય તેટલું અસરકારક છે. પ્રથમ દિવસથી જ અસર થવા લાગે છે. તન સ્વસ્થ કરે, મનને પ્રસન્ન રાખવાથી માંડીને આધ્યાત્મિક ઉન્નતિ સુધીના લાભ શકય છે.

દિલીપભાઈ કહે છે કે, ૨૦૧૯ની સાલથી નિયમિત સક્રિય ધ્યાન પ્રવૃતિ ચાલે  છે. મહેશભાઈ કયાડાના બંગલે પામવ્યૂમાં ધ્યાન પ્રયોગ ચાલતા, બાદમાં સ્થળ નજીક કરવા રમેશભાઈ રૂપાપરા સાથે બેઠક કરી હતી, જીતુભાઈ ભટ્ટે રાષ્ટ્રીયશાળામાં આ પ્રવૃત્તિ ચલાવવા આમંત્રણ આપ્યું. હવે સક્રિય ધ્યાન પ્રયોગ નિયમિતપણે રાષ્ટ્રીયશાળામાં ચાલે છે.

દિલીપભાઈએ જણાવ્યું હતું કે, અમારૃં ગ્રુપ રાષ્ટ્રીયશાળાના મેનેજિંગ ટ્રસ્ટી જીતુભાઈ ભટ્ટનો ખૂબ- ખૂબ આભાર માને છે. રાષ્ટ્રીયશાળાનો સ્ટાફ પણ આ પ્રવૃત્તિમાં સહયોગ કરે છે, તેનો પણ ગ્રુપ આભાર માને છે. ઉપરાંત આ ગ્રુપ શરૂ કરવામાં ઓશોની પ્રેરણાથી મહેશભાઈ બી. કયાડા નિમિત્ત બન્યા છે. ગ્રુપ તેમના પ્રત્યે પણ આભાર વ્યકત કરે છે.

દિલીપભાઈએ જણાવ્યું હતું કે, યોગાનુયોગ છે કે, જયાં નિયમિત એ રાષ્ટ્રીયશાળાના હોલમાં ૧૯૬૮ની સાલમાં ખુદ ઓશોએ પ્રવચન આપ્યું હતું અને ઉર્જા વહાવી હતી. આ ઉર્જાનો અહેસાસ આજે પણ થાય છે અહીં દરરોજ- નિયમિત ૨૫  થી વધારે લોકો સક્રિય ધ્યાનમાં પહોંચે છે. ઘણી વખત સંખ્યા ૫૦ સુધી પહોંચી જાય છે.

સવારમાં દરેક માટે ચા- પાણીની સુવિધા ગ્રુપ તરફથી રાખવામાં આવે છે. દિલીપભાઈ કહે છે કે, આ ગ્રુપનું સંચાલન મહિલા સભ્યો દ્વારા થાય છે. પુરૂષ સભ્યો સહયોગી તરીકે સક્રિય રહે છે. ઓશોએ મહિલાઓને મેનેજમેન્ટ આપવાનો વિચાર વહેતો કર્યો હતો, તેને આ ગ્રુપ અનુસરે છે.

મહેશભાઈ બી. કયાડાએ જણાવ્યું હતું કે મેં અનેક સંસ્થાઓની શિબિરો કરી છે, ઓશોના સક્રિય ધ્યાન પ્રયોગથી અકલ્પનીય બદલાવ અનુભવું છું. હવે દરરોજ સવારે અચૂક સક્રિય ધ્યાન કરૃં છું. રાજકોટની બહાર હોઉં તો પણ સક્રિય ધ્યાન ચૂકતો નથી. સક્રિય ધ્યાન પ્રયોગમાં ત્રણ મહિનાના ટૂંકાગાળામાં મારૃં વજન ૧૫ કિલો ઘટયું છે. ઉપરાંત સ્ફૂર્તિમાં વધારો થયો છે. ડાયાબિટીસ બોર્ડર લાઈન પર હતુંે. તેનું જોખમ પણ દૂર થયું છે. ઉપરાંત માનસિક પ્રસન્નતા વધી છે, તનાવ ઘટયો છે.

મહેશભાઈ કયાડાના જીવનસાથીનું વજન પણ ઘટયું છે અને શારીરિક સ્વાસ્થ્ય તથા મનની પ્રસન્નતામાં વધારો થયો છે.

દિલીપભાઈ પટેલે કહ્યું હતું કે, ડાયનામિક સક્રિય ધ્યાનનું મહત્વ અપાર છે. ઓશો ખુદ કહેતા કે, આ ધ્યાન પ્રયોગ વ્યકિતને અકલ્પનીય પરિવર્તનનો અનુભવ કરાવે છે. સળંગ ૯૦ દિવસ સક્રિય ધ્યાન કરનારની નોંધ અન્ય પણ લે છે. રાષ્ટ્રીયશાળામાં ચાલતી સક્રિય ધ્યાન પ્રવૃતિનું સંચાલન ખુદ ઓશો કરે છે. ધ્યાન પ્રયોગ સમયે મ્યુઝિક સિસ્ટમમાં ઓશોના અવાજમાં જ તેઓના માર્ગદર્શનમાં જ સક્રિય ધ્યાન થયા છે. આ ધ્યાન પ્રયોગમાં નાત- જાત- ધર્મ- કોમનો કોઈ ભેદ નથી, પ્રવૃતિ સંપૂર્ણપણે નિઃશુલ્ક છે. કોઈપણ ગમે ત્યારે જોડાઈ શકે છે.

દિલીપભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજકોટમાં ત્રણ સ્થાનો પર નિયમિત સક્રિય ધ્યાન થાય છે. સત્યપ્રકાશજી ધ્યાન- કેન્દ્ર ગોંડલ રોડ તથા ઓશો વાટિકા- વાગુદડમાં સક્રિય ધ્યાન ચાલે છે. લોકો અનુકુળ સ્થાનો પર જઈ શકે છે, પરંતુ સક્રિય ધ્યાનનો લાભ અચુક લો.

રાષ્ટ્રીય શાળામાં ચાલતા સક્રિય ધ્યાન પ્રયોગો ઓશો કોમ્યુન દ્વારા સંચાલન થાય છે. આ ગ્રુપના મહેશભાઈ કયાડાએ જણાવ્યું હતું કે, ભવિષ્યમાં રાજકોટમાં વિશાળ ઓશો આશ્રમ નિર્માણ કરવાનું આયોજન છે. હાલ રાષ્ટ્રીય શાળામાં ચાલતી ધ્યાન પ્રવૃતિ અંગે વિશેષ માહિતી માટે મો.૯૮૨૫૨ ૨૯૩૯૪, મો.૭૯૮૪૯ ૦૦૫૧૪ નંબર પર સંપર્ક થઈ શકે છે.(૩૦.૨)

ઓશો પ્રાગટ્ય દિને આયોજન

શનિવારે એક દિવસીય ઓશો ધ્યાન શિબિર

ઓશો કોમ્યુન દ્વારા રાષ્ટ્રીય શાળામાં નિઃશુલ્ક આયોજનઃ જામનગરના સ્વામી અનંતા સંચાલન કરશેઃ સુરતના માં પ્રેમ સંગીતા પણ પધારશેઃ શિબિરનો લાભ લેવા રજિસ્ટ્રેશન જરૂરી

રાજકોટ,તા.૯: ઓશો કોમ્યુન- રાજકોટ દ્વારા આગામી તા.૧૧ના શનિવારે ઓશો પ્રાગટ્ય દિનના મંગલ અવસરે એક દિવસીય ઓશો ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

દિલીપભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ સમગ્ર આયોજન નિઃશુલ્ક છે અને રાષ્ટ્રીય શાળામાં આયોજન થયું છે. ઓશો કોમ્યુન દ્વારા અત્યાર સુધીમાં ગ્રુપ દ્વારા ચાર શિબિરોનું સફળ આયોજન થઈ ચુકયું છે. ઓશોના પ્રાગટ્ય દિને ગ્રુપ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

ઓશો ધ્યાન શિબિરનું સંચાલન જામનગરના સ્વામી અનંતા દ્વારા કરવામાં આવશે. દિલીપભાઈએ જણાવ્યું હતું કે, શિબિરમાં સુરતના માં પ્રેમ સંગીતા પણ પધારવાના છે.

આ શિબિરમાં વિવિધ ધ્યાન પ્રયોગો થશે. શિબિરમાં બંને સમયના મહાપ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. નાત- જાત- ધર્મના ભેદ વગર શિબિરમાં કોઈપણ વ્યકિત જોડાઈ શકે છે. શિબિરમાં જોડાવવા માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા ચાલી રહી છે. આ માટે દિલીપભાઈ પટેલ મો.૯૮૨૫૨ ૨૯૩૯૪, નીતાબેન રાઠોડ મો.૭૯૮૪૯ ૦૦૫૧૪ નંબર પર સંપર્ક થઈ શકે છે.

ઓશો કોમ્યુન ગ્રુપમાં મહેશભાઈ કયાડા, દિલીપભાઈ પટેલ, ભીખાલાલ વોરા, જયસુખભાઈ કયાડા, ભરતભાઈ વીરડિયા, કિશોરભાઈ મકવાણા, નીરજ લાખાણી, મિલન શાહ, રણછોડભાઈ પટેલ, વિજય પટેલ, વિપીનભાઈ કારિયા, હિમાંશુ ચંદારાણા, દિનેશ ભીમાણી, પરેશ ઊંધાડ, સંજય વલોણ, ગિરીશ દાફડા, કેતન સોલંકી, કુલદીપ ચૌહાણ, ભાવના કાસુંદ્રા, નીના રાઠોડ, નીના જોશી, મધુમતી પાંડે, ઈલાબેન, તૃષાલી પટેલ, ભારતીબેન, કંચનબેન, ચંદ્રિકાબેન વગેરે સક્રિય છે.

સક્રિય ધ્યાન પ્રયોગ મહિલાઓ માટે આશીર્વાદરૂપઃ ભાવનાબેન

રાજકોટઃ ઓશો કોમ્યુન ગ્રુપના ભાવનાબેન કાસુન્દ્રા તથા નીનાબેન રાઠોડે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય શાળામાં દરરોજ ચાલતો સક્રિય ધ્યાન પ્રયોગ મહિલાઓ માટે પણ ખૂબ ઉપયોગી છે.

તેઓએ જણાવ્યું હતું કે, નિયમિત સક્રિય ધ્યાન કરવાથી મહિલાઓનો તનાવ દૂર થાય, ડિપ્રેશન દૂર થાય, વજન ઘટે છે, અંદરના બ્લોકિંગ ખુલી જાય છે, ટેન્શન- ફ્રી નિરોગી જીવન માણી શકાય છે. મહિલાઓના વિશેષ ઈનર પ્રોબ્લેમ્સમાં પણ રાહત થાય છે.

રાષ્ટ્રીય શાળામાં સક્રિય ધ્યાન પ્રયોગ નિઃશુલ્ક છે, વિશેષ કોઈ નિયમો નથી. નાત- જાત- ધર્મના ભેદ વગર સરળતાથી ધ્યાન પ્રયોગનો લાભ લઈ શકાય છે. આ અંગે વધારે વિગતો માટે નીનાબેન રાઠોડ મો.૭૯૮૪૯ ૦૦૫૧૪ નંબર પર સંપર્ક થઈ શકે છે.

(2:34 pm IST)