રાજકોટ
News of Monday, 9th December 2019

સિવિલ હોસ્‍પિટલની દવાબારીનું લોલમલોલ...સગર્ભાને એકને બદલે બીજી દવા ધાબડી દેવાતાં બાળક નીચે ઉતરી ગયું!

રેલનગરના સંદિપભાઇ સોલંકીના સગર્ભા પત્‍નિ જાગૃતિબેનને બ્‍લીડીંગ થતું હોઇ ઓપીડીમાં બતાવ્‍યું હતું: તબિબે લખી દીધેલી દવાને બદલે બીજી દવા આપી દેવાતાં બ્‍લીડીંગ બંધ થવાને બદલે વધી ગયું: સંદિપભાઇનો દવાબારીએ ઇન્‍ચાર્જ સાથે હંગામોઃ મામલો આરએમઓ સુધી પહોંચ્‍યો

તસ્‍વીરમાં વિગતો જણાવતાં સંદિપભાઇ સોલંકી, તેણે દવાબારીના ઇન્‍ચાર્જ સાથે ઉગ્ર ચડભડ કરી તે દ્રશ્‍ય અને તેના સગર્ભા પત્‍નિને જે ભળતી દવા આપી દેવાઇ હતી તે જોઇ શકાય છે

રાજકોટ તા. ૯: સિવિલ હોસ્‍પિટલમાં શહેર તેમજ અન્‍ય જીલ્લા, ગામોના અસંખ્‍ય દર્દીઓ દરરોજ સારવાર માટે આવે છે. અહિ અવાર-નવાર દર્દીઓને કોઇને કોઇ કારણોસર મુશ્‍કેલીઓનો સામનો કરવો પડે છે. દવા બારીએ તો દરરોજ દર્દીઓ અને તેના સગાઓની દવા લેવા માટે મોટી કતારો જામે છે. ઘણીવાર તો દર્દીઓ અને દવા બારીના કર્મચારીઓ વચ્‍ચે ચડભડ પણ થતી રહે છે. દરમિયાન એક સગર્ભાને દવા બારીએથી બ્‍લીડીંગ બંધ કરવાની દવા આપવાને બદલે બીજી જ કોઇ દવા આપી દેવામાં આવતાં તેણીની હાલત બગડી ગઇ હતી અને બાળક નીચે ઉતરી ગયું હતું. આ આ ગંભીર બેદરકારીને કારણે સગર્ભાના પતિએ રોષે ભરાઇ બીજા કોઇને આવી હાલાકી સહન કરવી ન પડે એ માટે થઇને આજે સિવિલના તબિબોને રજૂઆત કર્યા બાદ દવાબારીએ પહોંચી ઇન્‍ચાર્જ સાથે ભારે ચડભડ કરી હતી. અંતે મામલો આરએમઓ સુધી પહોંચતા યુવાનને લેખિતમાં અરજી આપવાનું કહેવાયું હતું.

રેલનગર-૨માં રહેતાં અને પ્રાઇવેટ નોકરી કરતાં સંદિપભાઇ બટુકભાઇ સોલંકી નામના કોળી ઠાકોર યુવાને આજે બપોરે સિવિલ હોસ્‍પિટલની દવા બારી પર ઇન્‍ચાર્જ કશ્‍યપભાઇ સહિતના સ્‍ટાફ સાથે ભારે ચડભડ કરી હતી. યુવાનને આ બાબતે પુછતાં તેણે દવા બારીના કોઇ કર્મચારીની બેદરકારીને કારણે પોતાની સગર્ભા પત્‍નિની હાલત ખરાબ થઇ ગયાનો ચોંકાવનારો આક્ષેપ કર્યો હતો.

સંદિપભાઇએ જણાવ્‍યું હતું કે મારે સંતાનમાં એક દિકરી છે અને હાલમાં પત્‍નિ જાગૃતિબેનને સારા દિવસો જઇ રહ્યા છે. હાલ ચાર માસનો ગર્ભ છે. ગત તા. ૨/૧૨ના રોજ હું મારી પત્‍નિને બ્‍લીડીંગ થતું હોઇ સિવિલ હોસ્‍પિટલમાં દેખાડવા લાવ્‍યો હતો. ઓપીડીમાં બતાવ્‍યું હતું અને સોનોગ્રાફી કરાવાઇ હતી. એ પછી મને જે તે વિભાગના તબિબ દ્વારા દવા લખી અપાઇ હતી. આ દવામાંથી દરરોજ બે ટીકડી સવાર-સાંજ લેવાની હતી. દવા લેવાથી બ્‍લીડીંગ બંધ થઇ જશે એવું તબિબે કહ્યું હતું. પરંતુ આ દવાના ડોઝ પાંચ-છ દિવસ લીધા બાદ બ્‍લીડીંગ બંધ થવાને બદલે બ્‍લીડીંગ વધી ગયું હતું!...આથી મને શંકા ઉપજતાં હું ખાનગી તબિબને બતાવવા ગયો હતો. જ્‍યાં મારા પત્‍નિને સિવિલમાંથી અપાયેલી દવા બ્‍લીડીંગ બંધ  કરવાની દવાને બદલે વધી જાય તેવી દવા હોવાનું જાણવા મળતાં મેં ખાત્રી કરવા એ દવા મેડિકલ સ્‍ટોરમાં બતાવતાં ત્‍યાંથી પણ મને એવું જ કહેવાયું હતું.

સંદિપભાઇએ આગળ જણાવ્‍યું હતું કે મારા પત્‍નિની હાલત બગડી જતાં સારવાર માટે દાખલ કરવી પડી હતી. બાળક નીચે ઉતરી ગયાનું મને જણાવાયું હતું. હાલમાં તેણીને વાંકાનેર આરામ માટે મુકી આવ્‍યા  બાદ આજે હું ફરીથી સિવિલ હોસ્‍પિટલે આવ્‍યો હતો અને તબિબી અધિક્ષકને ફરિયાદ કરવા ગયો હતો. પરંતુ તેઓ મિટીંગમાં હોવાથી નથવાણી સાહેબને મળ્‍યો હતો. તેમણે દવા ચેક કરી હતી. એ પછી ઝનાના વિભાગના વડાને પણ મળીને રજૂઆત કરી હતી. તબિબે લખેલી દવા બરાબર જ હોવાનું પરંતુ દવા બારીએથી કોઇ ભુલને કારણે બીજી દવા આપી દેવામાં આવ્‍યાનું કહેવાતાં હું દવાબારીએ રજૂઆત કરવા જતાં મને યોગ્‍ય જવાબ અપાયો નહોતો. તેમ સંદિપભાઇએ જણાવ્‍યું હતું. એ પછી તેણે ફરી વખત દવાબારીએ જઇ બારીના ઇન્‍ચાર્જ સાથે ભારે ચડભડ કરી હતી. ઇન્‍ચાર્જ કશ્‍યપભાઇએ કયા કર્મચારીએ દવા આપી એ કર્મચારીઓને જોઇને ઓળખી બતાવો તેવું કહી પોતે આ માટે સીસીટીવી કેમેરા ચેક કરાવવા સાથે આવશે તેમ કહી સંદિપભાઇને સમજાવવા પ્રયાસ કર્યો હતો. ત્‍યારબાદ બધા આરએમઓ પાસે પહોંચ્‍યા હતાં. ત્‍યાંથી સંદિપભાઇને લેખિતમાં અરજી કરવા જણાવાયું હતું.

સંદિપભાઇએ કહ્યું હતું કે દવા બારીના જે કોઇ કર્મચારીની આ ભુલ હોય તેણે ગંભીરતા દાખવવી જરૂરી છે. આજે મારી પત્‍નિ સાથે આવું થયું છે, કાલે બીજા કોઇને પણ આવી તકલીફ થઇ શકે છે.

(4:28 pm IST)