રાજકોટ
News of Saturday, 9th December 2017

વિપક્ષે શાસકોને આખી રાત ઉજાગરો કરાવ્યો

કતલની રાત્રે રૂપિયાનો કોથળો ખૂલ્લો મુકાયાની ચર્ચાથી રાજકીય વાતાવરણ ગરમાયું : શિવપરા, આંબેડકરનગર, રૈયાધાર, હાઉસીંગ કવાર્ટસમાં રૂપિયાના 'કવરો'નું વિતરણ થયાની ચર્ચા

રાજકોટ, તા. ૯ :. રાજકોટ શહેરની વિધાનસભા ૬૯ બેઠક પર ગતરાત્રીના ઉલ્ટી ગંગા જોવા મ ળ્યાની ચર્ચા છે. શાસક પક્ષ ભાજપને વિપક્ષ કોંગ્રેસે આખી રાત દોડાવ્યા હોવાની ભારે ચર્ચા છે. કતલની રાત્રે કોંગ્રેસે લડી લીધાનું અને 'ગોઠવણ'માં ભારે દોડધામ થયાનું મનાય છે.

કોણે રૂપિયાના કવરો ગરીબ વિસ્તારોમાં વિતરણ કર્યા તે અંગે ચોક્કસ કહી ન શકાય પરંતુ આખી રાત પોલીસ, ચૂંટણી પંચ તથા રાજકારણીઓએ હનુમાન મઢી પાસે શિવપરા, કાલાવડ રોડ પર આંબેડકરનગર, રૈયાધાર ખાતે આખી રાત ચહલપહલ નજરે પડી હતી.

અકિલાએ ગઈકાલે જ લખ્યુ હતુ કે, કતલની રાત્રે ખનખનીયાના ખેલ ખેલાશે હરીફપક્ષોના નાણાકીય નબળાઓને લલચાવાશે અને આ મુજબ જ ગઈરાત્રે ભારે દોડધામ જોવા મળી હતી.

શિવપુરા નજીક એક લઘુમતિ આગેવાન અંગે પણ 'કવર'ની ચર્ચા થઈ રહી છે તો આંબેડકરનગર ખાતે મધરાત્રે 'ડોર ટુ ડોર' દરવાજા ખખડાવાતા પોલીસ અને ચૂંટણી પંચનું ધ્યાન દોરાતા પોલીસ અને સર્વેલન્સ ટીમ દોડી ગઈ હતી તેવુ જાણ વા મળે છે.

રૈયાધારમાં તો એક પખવાડીયાથી ખનખનીયાની ભવાઈ ચાલુ થઈ ગઈ હતી. જાહેરસભામાં તથા બાઈક રેલીઓમાં મેદની એકઠી કરવામાં પણ માથાદીઠ ચોક્કસ રકમો અપાયાનું મનાય છે ત્યારે ગતરાત્રે પણ મતદાન માટે તથા મતદાન ન કરવા માટે થેલીઓ ખુલ્લી મુકાયાનું મનાય છે.

વજુભાઈ વાળા ચૂંટણી લડતા હતા ત્યારે કતલની રાતનો ડર કોંગ્રેસને રહેતો પરંતુ ગઈકાલે ઉલ્ટી ગંગા વહી હોવાની ચર્ચા છે.

(12:53 pm IST)