રાજકોટ
News of Monday, 9th November 2020

કોર્ટ બિલ્ડીંગ - ઝનાના હોસ્પિટલ સહિતની કામગીરી કેટલે પહોંચી : વિજયભાઇની સૂચના બાદ કલેકટરનું તમામને તેડુ

ઇશ્વરીયા પાર્કમાં ૧૦ કરોડના ખર્ચે સાયન્સ સીટી તૈયાર : આવતા મહિને ઇ-લોકાર્પણ :સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ - માર્ગ - મકાન વિભાગ પાસેથી વિગતો મેળવી : બપોરે ૧૨II વાગ્યાથી મીટીંગ શરૂ

રાજકોટ તા. ૯ : ગત શનિવારે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ એઇમ્સ - હિરાસરના પ્રશ્નો અંગે કલેકટરને બોલાવ્યા હતા, જેમાં પ્રશ્નોનું નિરાકરણ કરી હાલ રાજકોટમાં ચાલી રહેલ અન્ય સરકારી પ્રોજેકટો અંગે કામગીરી ઝડપી કરાવવા અંગે કલેકટરને સૂચના આપતા, કલેકટર શ્રી રેમ્યા મોહને આ બાબતે તમામ ચાલી રહેલ પ્રોજેકટો અંગે જે તે ખાતાના અધિકારીઓ સાથે બપોરે ૧૨ાા વાગ્યાથી મીટીંગ યોજી કામગીરીમાં કયાં પહોંચી તેની સમીક્ષા શરૂ કરી છે, અને વિગતો મેળવી હતી.

ખાસ કરીને ઇશ્વરીયા પાર્કમાં ૧૦ કરોડના ખર્ચે બની રહેલા સાયન્સ ભવનનું બિલ્ડીંગ તૈયાર થઇ ગયું હોય, તેને અંતિમ ટચ અને શું શું ઉભું કરાયું તેની વિગતો મેળવાઇ હતી. એડી. કલેકટર શ્રી પરિમલ પંડયાએ જણાવ્યું હતું કે, સંભવતઃ ૧૦ એકર જથ્થામાં બનેલા આ સાયન્સ સીટી - ભવનનું આવતા મહિને મુખ્યમંત્રીના હસ્તે ઇ-લોકાર્પણ થાય તેવી શકયતા છે.

આ ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં સામેના ભાગે મોચી બજાર ચોકમાં જૂની ઝનાના હોસ્પિટલના સ્થાને નવી અદ્યતન ઝનાના હોસ્પિટલ બની રહી છે, તે સંદર્ભે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ પાસેથી વિગતો મેળવાઇ હતી. આ ઉપરાંત માધાપર પાસે નવા ૭ માળના કોર્ટના બે બિલ્ડીંગ બની રહ્યા છે તે કામગીરી કયાં પહોંચી તેની વિગતો માર્ગ - મકાનના ઇજનેરો પાસેથી મેળવાઇ હતી અને એસટી તંત્રે માધાપર પાસે મોટો એસટી ડેપો બનાવવા જમીન માંગી તે અંગે એસટીના અધિકારીઓ સાથે ચર્ચા કરી, શાસ્ત્રીમેદાન પરત લેવા અંગે પણ પ્રશ્ન ચર્ચાયો હતો.

(3:46 pm IST)