રાજકોટ
News of Monday, 9th November 2020

કલેકટર કચેરીમાં બીનખેતીની ર૦૦ ફાઇલનું વેઇટીંગઃ રાજકીય માણસોની ફાઇલો ધડાધડ કલીયર : અરજદારોમાં દેકારો

ત્રણ રાજકીય આગેવાનોની ફાઇલ ૧૦ દિ'માં કઇ રીતે કલીયર થઇઃ એડી. કલેકટર કહે છે એવું નથી બધુ ક્રમ મુજબ જ ચાલે છે.. : દિવાળી પહેલા તમામ ર૦૦ ફાઇલોનું વેઇટીંગ પુરૂ કરી લેવાશેઃ પરિમલ પંડયા

રાજકોટ, તા.૯ : લોકડાઉન-કોરોનાનેકારણે સતત ૪ થી પ મહિના બંધ રહેલ કલેકટરનું બોર્ડ-બીનખેતી ઓપન હાઉસ રપ દિ' પહેલા શરૂ થયા છે, કેસોનો ધડાધડ નિકાલ થઇ રહ્યો છે.

દરમિયાન આજે બીનખેતીમાં ર૦૦ ફાઇલોનું વેઇટીંગ-બે મહિનાનું વેઇટીંગ હોવાનો પ્રશ્ન ઉઠયો હતો તો સાથોસાથ એક ધરખમ રાજકીય આગેવાન, એક સાંસદ અને તેમના પુત્ર એમ ત્રણ રાજકીય માથાઓની ફાઇલો માત્ર ૧૦ દિવસમાં કલીયર થઇ ગયાનું અને અન્ય અરજદારોની ફાઇલો બે મહિનાથી ગોથા ખાઇ રહ્યાનું બહાર આવતા અન્ય અરજદારોમાં દેકારો બોલી ગયો છે.

અત્રે એ નોંધીય છે કે બીનખેતી કરાવવા માટે ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા છે અને ક્રમ મુજબ ફાઇલોનો નિકાલ-હાથોહાથ હુકમો આપવાના હોય છે, પરંતુ  તાજેતરમાં ત્રણ રાજકીય આગેવાનોની ફાઇલો ક્રમ પહેલા કલીયર થઇ ગયાનું બહાર આવ્યું છે.

જો કે આ બાબતે એડી. કલેકટરશ્રી પરિમલ પંડયાએ પત્રકારોને જણાવ્યું હતું  કે એવું નથી, ક્રમ મુજબ અને નિયમ મુજબ ફાઇલો કલીયર થાય છે, ઘણી વખત પૂર્તતા માટે મામલતદાર કચેરી-સીટી સુપ્રિન્ટેડન્ટ કચેરીમાં ફાઇલો ગઇ હોય છે, એટલે એ ફાઇલોને વાર લાગે અને ટાઇટલ કલીયર હોય એની ફાઇલો કલીયર થઇ જાય, તેમણે ઉમેર્યું હતું કે, નિયમ બહાર કોઇ ફાઇલ કલીયર થતી નથી, એવું બની શકે કે કોઇના ફોન આવ્યા હોય અને પોતે હાથ નીચેના કર્મચારીઓને સૂચના આપી હોય, બાકી નિયમ બહાર કશું ચાલતું નથી.  ર૦૦ ફાઇલના વેઇટીંગ અંગે તેમણે જણાવેલ કે, દિવાણ્ળી પહેલા આ તમામ ફાઇલો કલીયર થઇ જશે, હુકમો અપાઇ જશે, અરજદારોને કોઇ મુશ્કેલી નહીં પડે, આ બાબતે નાયબ મામલતદારને પણ બેકલોગ અંગે સૂચના અપાઇ ગઇ છે.

(3:40 pm IST)