રાજકોટ
News of Monday, 9th November 2020

સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરવાના ગુનામાં પકડાયેલ આરોપીની જામીન અરજી રદ

રાજકોટ તા. ૯: રાજકોટની ભાગોળે આવેલ વાડીની સીમમાંથી ૧પ વર્ષની સગીરાનું લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરીને દુષ્કર્મ આચરવાના ગુનામાં પકડાયેલ મુળ મધ્ય પ્રદેશનો વતની અને હાલમાં કાલાવાડ રોડ ઉપર વીજડા વાજડી ગામની સીમમાં ઝુંપડામાં રહેતા આરોપી સુરેશ ભીષણભાઇ મુવેલે જામીન પર છુટવા કરેલ અરજીને રાજકોટના અધિક સેસન્સ જજ શ્રી કે. ડી. દવેએ રદ કરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, તા. ૩૦-૬-ર૦નાં રોજ આરોપી આ કામના ફરીયાદીની ૧પ વર્ષની સગીર પુત્રીને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી જઇને બળાત્કાર ગુજાર્યો હતો.

આ ગુનામાં આરોપીની ધરપકડ કરીને પોલીસે જેલહવાલે કરતાં આરોપીએ જામીન પર છુટવા અરજી કરી હતી.

આ અરજીના વિરોધમાં સરકારી વકીલ બિનલબેન રવેશીયાએ રજુઆત કરેલ કે, આરોપી સામે સગીર બાળાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરવાનો ગંભીર ગુનો છે. આવા સમાજ વિરોધી ગુનામાં આરોપીને જામીન પર છોડી શકાય નહિં.

ઉપરોકત રજુઆત અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઇને અધિક સેસન્સ જજ શ્રી કે. ડી. દવે એ આરોપીની જામીન અરજીને રદ કરી હતી.

આ કામમાં સરકારપક્ષે સરકારી વકીલ બિનલબેન રવેશીયા રોકાયા હતાં.

(2:56 pm IST)