રાજકોટ
News of Monday, 9th November 2020

શાસ્ત્રી મેદાન પરત કયારે આપશોઃ કલેકટરે એસ.ટી.ના અધીકારીઓને બોલાવી પૂછયું: ટુંકમાં લઇ લેવાશે

એસ.ટી. તંત્ર ૩ વર્ષથી ''મફત'' વાપરે છેઃ મેદાનની પથારી ફરી ગઇઃ દિવાલ તોડી નાંખી: રાજકોટ એસ.ટી.ને માધાપર નજીક ડેપો ખોલવા અંગે જમીન અપાશેઃ બપોર બાદ ફાઇનલ નિર્ણય

રાજકોટ તા. ૯: રાજકોટ કલેકટર હસ્તક રહેલ શાસ્ત્રી મેદાન ખાતે એસ.ટી. તંત્રે નવા બસ પોર્ટ સંદર્ભે બસ સ્ટેન્ડ ટ્રાન્સફર કર્યું હતું, આ પછી અંદાજે ૪ મહીના પહેલા, નવું બસ પોર્ટ શરૂ થઇ ગયું, પરંતુ શાસ્ત્રી મેદાન રાજકોટ એસ.ટી.એ. ખાલી નહિં કરતા, આજે એસ.ટી.ના અધીકારીઓને બોલાવી શાસ્ત્રી મેદાન કયારે ખાલી કરવાના છો, કયારે પરત કરશો તેનો જવાબ કલેકટરે માંગ્યો હતો.

અત્રે એ નોંધનીય છે કે, રાજકોટ એસ.ટી. એ બે વર્ષ માટે શાસ્ત્રી મેદાન માંગી બસ સ્ટેન્ડ બનાવ્યું હતું. આજે એને ૩ વર્ષ જેવું થઇ ગયું છે, હજુ ખાલી કર્યું નથી, અને મેદાન ''મફત'' વાપરી રહ્યું છે, એટલું જ નહિં શાસ્ત્રી મેદાન ખાતેના બસ સ્ટેન્ડને કારણે મેદાનની પથારી ફરી ગઇ છે., માંડ ૪ થી પ બસો હોય છે, બસ ડેપો ખાલી ખાલી હોય છે છતાં એનો ઉપયોગ થઇ રહ્યો છે, બસના આવવા-જવા સમયે ટ્રાફીક જામ-ધૂળ ઉડવી વિગેરેના કારણે રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા છે, હવે કલેકટર તંત્ર પણ શાસ્ત્રી મેદાન અંગે હરકતમાં આવ્યું છે, અને ૧ મહિનામાં ખાલી કરવાની સૂચના આપી મેદાન પરત લઇ લેવાય તેવી શકયતા છે.

(2:50 pm IST)