રાજકોટ
News of Monday, 9th November 2020

બાળકે બેટરીનો સેલ નાકમાં નાંખ્યો, ૫ મહિને બહાર કઢાયો

માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો : છેલ્લા પાંચેક મહીનાથી આર્યનને શરદી મટતી ન હતી તેના જમણી બાજુના નાકથી પીળુ ઘટ્ટ પ્રવાહી નીકળતું હતું

રાજકોટ,તા.૮ : અત્યારે માતા-પિતા બાળકોને ઈલેક્ટ્રીક રમકડા રમવા આપતા હોય છે. પરંત ક્યારેક બાળકો રમતા રમતા નવી ઉપાધી ઊભી કરતા હોવાના અનેક કિસ્સા છાસવારે બનતા રહે છે. આવો જ એક કિસ્સો રાજકોટમાં પ્રકાશમાં આવ્યો છે. રાજકોટના વિદ્યાનગર મેઈન રોડ પર ડો. ઠકકરની હોસ્પિટલ ખાતે એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. ૬ વર્ષનો આર્યન હિતેશભાઈ ચૌહાણ હોસ્પિટલ આવ્યા અને બાળકના પિતાના જણાવ્યા મુજબ છેલ્લા પાંચેક મહીનાથી આર્યનને શરદી મટતી ન હતી તેના જમણી બાજુના નાકમાંથી પીળુ ઘટ્ટ પ્રવાહી નીકળતું હતું તથા તે દુર્ગંધ મારતું અને તે બાજુનું નાક બંધ થઈ જતું અને દુખાવો પણ થતો હતો. વારંવાર દવાઓ લેવા છતાં ફરકના જણાતા ડોક્ટરે એકસ-રે કરાવતા માલુમ પડ્યું કે તેના નાકમા જમણી બાજુ કંઈક મેટલની વસ્તુ ફસાયેલ છે.

              વિગતવાર પૂછતા દર્દીના પિતા હિતેશભાઈએ જણાવ્યું કે આજથી આશરે પાંચેક મહિના પહેલા બાળક રમતા રમતા નાકમાં બેટરી સેલ નાખી દીધો હતો તેવી શંકા છે. ડોક્ટરે દૂરબીન વડે  તાત્કાલિક ઓપરેશન કરી પાંચ મહિનાથી બાળકના નાકમાં ફસાયેલ બેટરી સેલ દૂરબીન વડે ગણતરીની મિનિટોમાં જ કાઢી આપ્યો અને બાળકનો જીવ બચાવ્યો હતો. ડો. ઠક્કરના જણાવ્યા મુજબ આ કેસની વિકટ પરિસ્થિતિ એ હતી કે બાળકની ઉમર માત્ર ૬ વર્ષ બેટરી સેલ જેવી ખુબજ જોખમી વસ્તુ કે જે ગણતરીના કલાકો માં જ જેમાંથી નીકળતા ઝેરી કેમિકલ તે નાકના પડદાને તથા અંદરની ચામડીને નુકશાન કરે છે અને બાળકના જીવનું જોખમ ઉભું કરે છે. તે પાંચ મહિના જેટલા લાંબા સમયથી નાકમાં ફસાયેલુ રહ્યું હતું તેથી સેલને કાઢવામાં પણ તકલીફ પડે કેમકે તે નાકની અંદર આસપાસની ચામડી સાથે ચોંટી ગયેલ હતો તે આપણે ને પરિસ્થિતિની ગંભીરતાનો ખ્યાલ આપે છે. આવા સંજોગોમાં ડો. હિમાંશુ ઠક્કરે સમય સૂચકતાથી અને કુનેહ પૂર્વક દૂરબીન વડે ગણતરીની મિનિટો માં જ બાળકના નાકમાં પાંચ મહિનાથી ફસાયેલ બેટરી સેલ કાઢી આપી બાળકનો જીવ બચાવ્યો હતો. આ તબક્કે ડો. ઠક્કરે માહિતી આપતા જણાવ્યું કે નાના બાળકો જયારે રમતા હોય ત્યારે તેનું ખાસ ધ્યાન રાખવું કે તે શેનાથી રમે છે ? શું મોઢામાં કે નાકમાં કે કાનમાં નાખે છે. કેમકે કયારેક સામાન્ય બાબત પણ ગંભીર પરિસ્થિતિમાં પરિવર્તીત થઈ જાય છે. દર્દીના પિતા હિતેશભાઈએ ડો. હિમાંશુ ઠક્કરનો આભાર માન્યો હતો.

(7:50 pm IST)