રાજકોટ
News of Monday, 9th November 2020

દિવાળી-નવા વર્ષ નિમિતે અઢી કલાક જ ફટાકડા ફોડી શકાશે

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે બહાર પાડ્યું જાહેરનામુ

રાજકોટ તા. ૯: દિવાળી-નૂતનવર્ષના તહેવાર અનુસંધાને પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે ફટાકડાને લગતું નવું સુધારેલુ જાહેરનામ ુબહાર પાડ્યું છે. તે મુજબ દિવાળીની રાતે ૦૮:૦૦ થી ૧૦:૦૦ સુધી અને નવા વર્ષને વધાવવા રાતે ૧૧:૫૫ થી ૧૨:૩૦ સુધી એટલે કે કુલ મળીને અઢી કલાક જ ફટાકડા ફોડી શકાશે.  આ જાહેરનામાનો ભંગ કરનારા વિરૂધ્ધ આઇપીસી ૧૮૮ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

શ્રી અગ્રવાલે જાહેરનામામાં જણાવ્યું છે કે દિવાળી, નૂતનવર્ષ, દેવ દિવાળીના તહેવાર પર લોકો જાહેર રસ્તાઓ, ફૂટપાથો પર હોસ્પિટલો અને શાળા-કોલેજો નજીક મોટા અવાજે ફટાકડા ફોડતા હોઇ જેના કારણે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઇ જાય છે અને ઘણીવાર ચક્કાજામ થાયછે. કેટલાક લોકો છુટા ફટાકડા પણ ફેંકે છે. આવુ ન થાય અને ફટાકડાને કારણે લોકોને સહન કરવું ન પડે તેમજ પ્રદુષણ વધે નહિ તે માટે ગૃહ વિભાગના પરિપત્ર અનુસંધાને સુપ્રિમ કોર્ટના આદેશ અનુસાર અમુક કૃત્યો પર પ્રતિબંધ મુકવો જરૂરી છે.

જેમાં જાહેરમાં રોડ રસ્તા, ફૂટપાથ પર ફટાકડા ફોડવા-સળગાવવા પર તથા આતશબાજી પર પ્રતિબંધ, કોર્ટ કચેરી, હોસ્પિટલ, શાળા-કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓના સો મિટરના એરિયામાં ફટાડકા ફોડી શકાશે નહિ, સિરીઝ-લૂમમાં ફટાકડા ફોડી શકાશે નહિ, માન્ય ધ્વનીસ્તર નક્કી કરેલા ફટાકડા જ વેંચી-વાપરી શકાશે, ઇ-કોમર્સ સાઇટ ફલીપકાર્ટ, એમેઝોન સહિત પરથી ફટાકડા વેંચી શકાશે નહિ, લઇ શકાશે નહિ, લાયસન્સથી આયાત કરેલા સિવાયના વિદેશી ફટાકડા પ્રતિબંધીત રશહશે, તેમજ એકસપ્લોઝિવ રૂલ્સ ૨૦૦૮ના નિયમ ૮૪ મુજબ લાયસન્સ ધારકો જ ફટાકડા વેંચી શકે. ફટાકડા બનાવવા અને વેંચાણ કરવા પર પીઇએસઓના નિયમોનું પાલન કરવાનું રહેશે.

આ જાહેરનામાનો અમલ ૮/૧૧ થી ૧/૧૨ સુધી કરવાનો રહેશે. તેમ જણાવાયું છે.

(1:03 pm IST)