રાજકોટ
News of Saturday, 9th November 2019

કોઠારીયા સોલવન્ટમાં પરેશભાઇ ભરવાડની હત્યા?

પાયા ખોદવા આવેલા મજૂરોએ પાણીના ટાંકા પાસે લાશ જોતાં ૧૦૮ અને પોલીસને જાણ કરીઃ ખિસ્સામાંથી મળેલા નંબરને આધારે ઓળખ થઇઃ મછોનગરમાં રહેતો હતોઃ ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ રિપોર્ટની જોવાતી રાહઃ આજીડેમ પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૯: શહેરના ગોંડલ રોડ પર કોઠારીયા સોલવન્ટ નજીક ફાટક પાસેથી ભરવાડ યુવાનની લાશ મળી આવતાં ચકચાર જાગી છે. યુવાનની હત્યા થયાની શંકાએ પોલીસે મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે. ગળા પર ઇજા જેવા નિશાન છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ આગળ કાર્યવાહી થશે.

જાણવા મળ્યા મુજબ કોઠારીયા સોલવન્ટ નજીક પાણીના ટાંકા પાસે એક પ્લોટમાં પાયા ખોદવા માટે કેટલાક મજૂરો આવતાં તેણે નજીકમાં એક યુવાનને બેભાન જેવો જોતાં ૧૦૮ને અને પોલીસને જાણ કરી હતી. ૧૦૮ના ઇએમટીએ આ યુવાનને મૃત જાહેર કરી પોલીસને જાણ કરતાં આજીડેમ પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઇ. એમ. જે. રાઠોડ, વિરેન્દ્રસિંહ, કનકસિંહ સોલંકી, ધર્મેન્દ્રસિંહ, રવિરાજસિંહ, હરપાલસિંહ સહિતની ટીમ દોડી ગઇ હતી અને તપાસ શરૂ કરી હતી.

મૃતક યુવાનના ખિસ્સામાંથી ફોન નંબર મળતાં તેના આધારે તપાસ થતાં આ યુવાન કોઠારીયા સોલવન્ટ મછોનગરમાં રહેતો પરેશભાઇ નાથાભાઇ ગોહેલ (બવ) (ભરવાડ) (ઉ.વ.૪૨) હોવાનું ખુલ્યું હતું. પોલીસે તપાસ કરતાં શરીર પર દેખીતી ઇજાના કોઇ નિશાન જોવા મળ્યા નથી. હત્યા થયાની શંકાએ તપાસ શરૂ કરવામાં આવી છે. ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ બાદ પોલીસ આગળ કાર્યવાહી કરશે. મૃત્યુ પામનાર યુવાન રેંકડીના ફેરા કરી ગુજરાન ચલાવતો હતો.  મૃત્યુ પામનાર પરેશભાઇને સંતાનમાં બે દિકરા ધવલ (ઉ.૧૭) તથા પિન્ટૂ (ઉ. ૧૫) છે. તેના પત્નિનું નામ કિરણબેન, અને માતાનું નામ કુંવરબેન છે. પિતા પાંચ વર્ષ પહેલા અવસાન પામ્યા છે. મૃતક પાંચ ભાઇ અને એક બહેનમાં સોૈથી નાના હતાં. અન્ય ભાઇ-બહેનના નામ બાલાભાઇ, કાળુભાઇ, દિનેશભાઇ, ગોકુલભાઇ અને મધુબેન છે. પરેશભાઇ ઘરેથી કયારે નીકળ્યા? તેને કોઇ સાથે માથાકુટ હતી કે કેમ? તે અંગે તપાસ શરૂ થઇ છે.

(4:06 pm IST)