રાજકોટ
News of Saturday, 9th November 2019

અયોધ્યા વિવાદનો ચુકાદો સર્વમાન્ય અને શ્રેષ્ઠઃ દેશની એકતા અખંડ

સુપ્રિમ કોર્ટે દેશવાસીઓને ન્યાય આપ્યોઃ નીતીન ભારદ્વાજ : અયોધ્યામાં હવે મંદિર-મસ્જીદનું નિર્માણ જરૂરીઃ અશોક ડાંગર

રાજકોટ તા. ૯ :.. અયોધ્યામાં રામ મંદિર અને બાબરી મસ્જીદની વિવાદાસ્પદ જમીન અંગે આજે વર્ષો બાદ નામદાર સુપ્રિમ કોર્ટે કોઇપણ જાતનાં ભેદ-ભાવ વગર ફકત અને ફકત હકિકતનાં પુરાવાઓ ધ્યાને લઇ જે સર્વમાન્ય ચુકાદાઓ આપ્યો છે તે ભારતમાં વસતાં તમામ ધર્મનાં દેશવાસીઓને શિરોમાન્ય અને ન્યાય આપતો શ્રેષ્ઠ ચૂકાદો હોવાની લાગણી શહેરનં રાજકિય આગેવાનો અને સમાજ શ્રેષ્ઠીઓએ વ્યકત કરી છે.

ભાજપના પ્રદેશ અગ્રણી નિતીનભાઇ ભારદ્વાજે આ ચૂકાદો આવકારતાં જણાવ્યું હતું કે 'અયોધ્યા વિવાદ'નો સુખદ અંત લાવનાર આ ચૂકાદો સર્વ સમાજને માન્ય રહ્યો છે. અને દેશવાસીઓને ન્યાય આપનારો છે. આવા સમયે સમગ્ર દેશમાં સૌહાદ પુર્ણ શાંતી પ્રત્યેક દેશવાસીઓએ રાખી અને સાબીત કરી દીધુ છે કે ભારતની એકતાં આજે પણ અખંડ છે. આજે વર્ષો બાદ રામ મંદિર નિર્માણનું પ્રત્યેક હિંદુઓનું સ્વપ્ન પુરૂ થઇ રહ્યું છે તેનો આનંદ પણ શ્રી ભારદ્વાજે આ તકે વ્યકત કર્યો હતો.

જયારે શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઇ ડાંગરે પણ આ ચુકાદાને આવકારતાં જણાવ્યું છે કે નામદાર સુપ્રીમ કોર્ટે આ પ્રકરણમાં કોઇપણ પક્ષને અન્યાય ન થાય અને દેશની એકતાં અને ભાઇચારો અખંડ રહે તેની પુરી તકેદારી રાખી પેનલમાં પણ દરેક ધર્મનાં પ્રતિનિધીઓને સ્થાન આપી ને જે સર્વમાન્ય ચૂકાદો આપ્યો છે તે ખરેખર શ્રેષ્ઠ છે. આવા વખતે દેશવાસીઓએ જે સૌહાદ પુર્ણ શાંતી જાળવી છે તે યથાવત રહે. તેવી અપીલ સાથે શ્રી ડાંગરે એવી લાગણી વ્યકત કરી હતી કે હવે અયોધ્યામાં રામ મંદિર અને મસ્જીદનાં નિર્માણની કાર્યવાહી શરૂ કરી દેવી જોઇએ.

(3:54 pm IST)