રાજકોટ
News of Saturday, 9th November 2019

શિયાળાના સુસવાટા શરૂ થતા જ રાજકોટમાં ગરમ કપડાની બજારમાં ગરમાવો

ભુતખાના ચોકમાં હિમાચલ પ્રદેશ, ઉતરાખંડ સહીતના પ્રાંતમાંથી વેપારીઓ આવ્યા : જાકીટ, સ્વેટર, મફલર, ટોપી, શાલ સહીતની આઇટેમોનું વેંચાણ શરૂ

રાજકોટ : શિયાળાના સુસવાટા શરૂ થઇ જતા રાજકોટમાં ગરમ વસ્ત્રોની બજારો ખુલી ગઇ છે. વર્ષો વર્ષ ગરમ કપડા માટેનું પીઠુ ગણવામાં આવે છે તે ભુતખાના ચોકમાં આ વર્ષે પણ હિમાચલ, ઉતરાખંડ  સહીતના વિસ્તારના ગરમ વસ્ત્રોના વેપારીઓએ મુકામ કર્યો છે. છેલ્લા ૨૦ થી ૨૫ વર્ષથી આ રીતે રાજકોટમાં વેપાર કરવા આવતા એક હિમાચલના વેપારીએ જણાવેલ કે હજુ તો બજાર શરૂ જ થઇ છે. હાલ તો બાળકોના કપડાની ખરીદી શરૂ થાય છે. પછી જેમ ઠંડી વધે તેમ મોટા લોકોના ગરમ કપડાની ખરીદી નિકળે છે. અહીં ગરમ શાલ, ટોપી, રૂમાલ, મોજા, જાકીટ, સ્વેટર સહીતની વેરાયટીઓ ઉપલબ્ધ છે. રાજકોટની ભુતખાના બજાર ગરમ કપડા માટે ખુબ જાણીતી બની હોવાથી સૌરાષ્ટ્રભરમાંથી ખરીદદારો અહીં આવે છે. જાકીટ અને સ્વેટરની વાત કરીએ તો અહીં રૂ.૫૦૦ થી શરૂ કરીને રૂ.૧૦૦૦ થી ૧૫૦૦ સુધીનો માલ મળે છે. જેવી વેરાયટી એવા દામ હોય છે. જો કે અન્ય પ્રદેશો કરતા રાજકોટ-સૌરાષ્ટ્રના ખરીદદારો પ્રમાણમાં ખુબ સારા હોવાનું આ વેપારીએ જણાવ્યુ હતુ. ભાવમાં થોડી ઘણી રકજક થાય છે પણ તે મીઠી લાગે છે. કોઇ બળજબરી કે ઝઘડા નથી થતા એટલે જ અમો વર્ષો વર્ષ અહીં વેપાર કરવા આવીએ છીએ. સામે ખરીદદારો પણ ભાવતાલ કરવામાં અનુકુળતા અનુભવે છે. તસ્વીરમાં ભુતખાના ચોકમાં શરૂ થયેલ ગરમ કપડાની બજાર જોઇ શકાય છે. (તસ્વીર : અશોક બગથરીયા)

ખરીદદારો કહે છે...

ભુતખાના ચોકની બજારમાં ખરીદી કરવા આવનારા લોકોએ જણાવેલ કે આમ તો ઘણી જગ્યાએ ગરમ કપડા મળતા હોય છે. પરંતુ આ બજારમાં વેરાયટી ઉપલબ્ધ હોય જોઇએ તેવો માલ મળી રહે છે. અહીં બારગેનીંગમાં પણ ગ્રાહકોનું માન જાળવવામાં આવતુ હોય લોકો ભુતખાના બજારને વધુ પસંદ કરે છે.

વેપારીઓ કહે છે...

આ બજારમાં વર્ષોથી વેપાર કરવા આવતા વેપારીઓ કહે છે અમે ભલે અન્ય પ્રદેશના હોઇએ પરંતુ અહીંના ગ્રાહકોને અમે સમજી શકીએ છીએ અને તેઓ અમને સમજી શકે છે. એટલે અમને અહીં વેપાર કરવા આવવાની મજા આવે છે. કોઇ સાથે બબાલ કે જઘડાની ઘટના કયારેય બનતી નથી.

 

(3:40 pm IST)