રાજકોટ
News of Saturday, 9th November 2019

ભાજપ આગેવાન ડી.વી.મહેતા, મુકેશ દોશી, જતીન ભરાડ સહીતનાની ખાનગી કોલેજમાં ગાંધીનગરથી તપાસઃ ખળભળાટ

જમીન, માલીકી, માળખાકીય સુવિધા, શૈક્ષણીક સ્ટાફ સહીતની બાબતોની તપાસઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ધંધાદારી શિક્ષણકારો ઉપર ભરોસો તૂટયો? અનેક તર્કવિતર્ક

રાજકોટ, તા., ૯: ખાનગી કોલેજોમાં ચાલતું લોલંલોલ સામે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ધંધાદારી કેવળણીકારોએ કોઇ ધ્યાન ન દેતા આખરે રાજય સરકારે હવે તપાસનો દોર જાતે સંભાળી યુનિવર્સિટી સામે મોટો પડકાર ફેંકયો છે.

ભાજપ અગ્રણી અને જૈન સમાજમાં આગળ પડતા ગણાતા ડી.વી.મહેતાની ગાર્ડી હોમીયોપેથીક કોલેજમાં રાજય સરકારે મોકલેલા બે ઓફીસરોએ જમીન માપણીના દસ્તાવેજો, માળખાકીય સુવિધા તેમજ શૈક્ષણીક અને બીનશૈક્ષણીક સ્ટાફની વાસ્તવિકતા ચકાસી છે. ખાનગી શાળા સંચાલકોમાં વિવાદાસ્પદ ગણાતા ડી.વી.મહેતાની કોલેજમાં પ્રથમ તપાસ થતા અનેકવિધ ચર્ચાઓએ જોર પકડયું છે.

ડી.વી.મહેતા ઉપરાંત ભાજપના આગેવાન અને સામાજીક સંસ્થાઓ સાથે જોડાયેલા મુકેશ દોશીની આરડી ગારડી એજયુકેશન કોલેજ ઉપરાંત ખાનગી શાળા સંચાલક મંડળના પુર્વ પ્રમુખ જતીન ભરાડ તેમજ આર્ય તેજ બીએડ કોલેજ મોરબી, જામકંડોરણા બીએડ કોલેજ, બી.વી.મણવર બીએડ કોલેજ, ડુમીયાણી, એચ.જે.દોશી આઇટી કોલેજમાં શિક્ષણ વિભાગના અધિકારીઓએ તપાસ હાથ ધરી છે.

ઉચ્ચ શિક્ષણ વિભાગમાં ચર્ચાતી વિગતો મુજબ અગાઉ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ કે એકેડેમીક કાઉન્સીલના સભ્યો કે સીન્ડીકેટ સભ્યો ખાનગી કોલેજોની સુવિધા દસ્તાવેજી ચકાસણી કરતી હતી પરંતુ જાણે વર્તમાન યુનિવર્સિટીના સતાધીશોની વિશ્વસનીયતા સામે પ્રશ્નાર્થ હોય તેમ ઇતિહાસમાં પ્રથમવાર ગાંધીનગરથી ઉચ્ચ શિક્ષણ વિભાગના અધિકારીઓએ ૭ કોલેજોની તપાસ હાથ ધરી છે.

સામાન્ય રીતે વગદાર રાજકીય અગ્રણીઓ ખાનગી કોલેજોમાં સુવિધાઓ આપતા ન હોય પરંતુ તગડી ફી ઉઘરાવતા હોવાની રાવ અનેકવાર ઉઠી હતી. રાજય સરકારે આ અંગે તપાસ હાથ ધરતા કેટલીક ખાનગી કોલેજના સંચાલકોમાં દોડધામ મચી છે.

(3:35 pm IST)