રાજકોટ
News of Saturday, 9th November 2019

કાલે ભીલવાસમાં વિનામૂલ્યે મેડીકલ કેમ્પ

પંચનાથ હોસ્પિટલના તબીબો સેવા આપશે : રોકડીયા હનુમાન મિત્ર મંડળ અને કાશી વિશ્વનાથ ધૂન મંડળનું આયોજન : દર્દીઓને લાભ લેવા અપીલ

રાજકોટ : શ્રી રોકડીયા હનુમાન મિત્ર મંડળ તેમજ શ્રી કાશી વિશ્વનાથ ભીલ ધૂન મંડળ દ્વારા તા.૧૦ને રવિવારના રોજ ભીલવાસમાં વસતા રહેવાસીઓ માટે મેડીકલ કેમ્પનું આયોજન કરેલ છે.

 

હાલમાં વાતાવરણ બદલાતુ રહેતુ હોય જેના કારણે બિમારીઓ જેવી કે શરદી, તાવ, ઉધરસ, ડેન્ગ્યુ વગેરે લોકોમાં મોટાપ્રમાણમાં જોવા મળે છે. મેડીકલ, દવા, તપાસ વગેરેના ખર્ચમાં ખૂબ મોટો થતો હોય છે. ત્યારે આ બંને સંસ્થાએ માનવસેવા એટલે કે આરોગ્ય સેવાનું કાર્ય મેડીકલ કેમ્પના સ્વરૂપમાં હાથમાં લીધુ છે.

આ કેમ્પનું આયોજન ભીલવાસ ભારત બેકરીની બાજુના મકાનમાં કરવામાં આવેલ છે. મેડીકલ કેમ્પનો સમય ૯ થી ૧૧નો રહેશે. આ કેમ્પમાં ડોકટરો તેમજ દવાની સેવા પંચનાથ હોસ્પિટલ દ્વારા પૂરી પાડવામાં આવશે. દર્દીઓને વિનામૂલ્યે દવા પણ આપવામાં આવશે.

પંચનાથ હોસ્પિટલના ડોકટરો શ્રી કમલ ભટ્ટ (એમ.ડી.મેડીસીન) ફીઝીશ્યન તરીકે સેવા આપશે જયારે ડોકટર શ્રી મૌલિક સીનોજીયા (એમ.બી.બી.એસ. ડીવીડી) ચામડીના દર્દીઓનું નિદાન કરશે.

આ કેમ્પને સફળ બનાવવા રાજુભાઈ રાઠોડ, જીતુભાઈ વાગડીયા, જગદીશભાઈ ચૌહાણ અને દેવદાસભાઈ વાઘેલા જહેમત ઉઠાવી રહ્યા છે.

જયારે પંચનાથ હોસ્પિટલમાંથી ટ્રસ્ટી પ્રમુખ દેવાંગભાઈ માંકડ, તનસુખભાઈ ઓઝા, ડો.લક્ષ્મણભાઈ ચાવડા વગેરેનો સહયોગ મળેલ છે.

(1:13 pm IST)