રાજકોટ
News of Saturday, 9th November 2019

અયોધ્યા ચુકાદાને પગલે શાંતિપ્રિય રાજકોટવાસીઓને ભાઇચારો જાળવી રાખવા પોલીસ કમિશનર અગ્રવાલનો અનુરોધઃ શહેરભરમાં પોલીસનું પેટ્રોલીંગ

અયોધ્યા ચૂકાદાને પગલે શહેરમાં શાંતિ-સલામતિ અને કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પોલીસ તંત્ર સવારથી એલર્ટ છે. શહેરભરમાં પેટ્રોલીંગ થઇ રહ્યું છે અને વાહન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. શહેરમાં ઠેકઠેકાણે થઇ રહેલા વાહન  ચેકીંગના દ્રશ્યો અને પોલીસનો કાફલો જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૯: સુપ્રિમ કોર્ટ દ્વારા આજે અયોધ્યાનો ચુકાદો હોઇ તે અંતર્ગત દેશભરમાં શાંતિ-સલામતિ જળવાઇ રહે તે માટે જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તે અંતર્ગત રાજકોટ શહેર પોલીસે પણ ઠેર-ઠેર બંદોબસ્ત ગોઠવ્યો હતો અને હથીયારધારી સ્ટાફને સ્ટેન્ડટુ રાખ્યો હતો. દરમિયાન પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું રાજકોટમાં શાંતિ અને સલામતિનો હમેંશા સારો માહોલ રહે છે. મારો રાજકોટવાસીઓને અનુરોધ અપિલ છે કે જે ભાઇચારાની ભાવનાનું વાતાવરણ રાજકોટમાં કાયમ રહે છે એ જ જાળવી રાખવાનું છે. પોલીસ તમામ જગ્યાએ પેટ્રોલીંગ કરશે. કોઇને પણ જરૂર પડે તો પોલીસનો સંપર્ક કરવાનો રહે છે.

શ્રી અગ્રવાલે જણાવ્યું હતું કે સમગ્ર શહેરમાં તમામ પોલીસ મથકના અધિકારીઓને તેમના સ્ટાફ સાથે પોતપોતાના વિસ્તારમાં પેટ્રોલીંગ કરવા આદેશ અપાયો છે. જે મુજબ પેટ્રોલીંગ ચાલુ છે. તેમજ વાહન ચેકીંગ પણ ચાલુ છે. ચુકાદા અંતર્ગત  તકેદારીના ભાગરૂપે તમામ પગલા લેવામાં આવ્યા છે. સોશિયલ મિડીયા ઉપર પણ પોલીસની ખાસ નજર રાખવામાં આવી રહી છે. લોકોને કોઇપણ એવી બાબતની જાણ થાય તો તુરત જ પોલીસને જાણ કરવી જરૂરી છે. કોઇની પણ લાગણી દુભાય તેવું કાર્ય નહિ કરવા શ્રી અગ્રવાલે અનુરોધ કર્યો છે. દરમિયાન સવારથી જ શહેરભરમાં તમામ બ્રાંચ, તમામ પોલીસ મથકના અધિકારીઓ પોતપોતાની ટીમો સાથે વિસ્તારમાં પેટ્રોલીંગમાં નીકળી ગયા છે અને બીજો સ્ટાફ સ્ટેન્ડ ટુ રાખવામાં આવ્યો છે. શહેરમાં શાંતિ-સલામતિનો માહોલ ડહોળાય નહિ તે માટે પોલીસ સતત એલર્ટ છે.

દરમિયાન ડીસીપી ઝોન-૧ રવિ મોહન સૈની તથા એસીપી એચ.એલ. રાઠોડની રાહબરીમાં ભકિતનગર પી.આઇ. વી. કે.ગઢવી અને ટીમે સવારે ફલેગમાર્ચ, ફૂટ પેટ્રોલીંગનું આયોજન વિસ્તારમાં કર્યુ હતું અને કોઇ અનઇચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારીના તમામ પગલા લીધા હતાં. એ જ રીતે ઝોન-૨ ડીસીપી મનોહરસિંહ જાડેજાની રાહબરીમાં પણ આ ઝોનના પોલીસ મથક હેઠળના વિસ્તારોમાં ફલેગ માર્ચ અને ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું.

જીલ્લામાં શાંતિ જાળવી રાખવા પોલીસની અપિલઃ કોઇપણ અફવા ફેલાવવી નહિઃ સોશિયલ મિડયાનો દુરૂપયોગ ટાળવો

અયોધ્યા મામલે માનનીય સુપ્રીમ કોર્ટમાં સંભવીત નિર્ણય શકય બનવાનો છે ત્યારે શહેર-જીલ્લા પોલીસ તંત્રએ તમામ નાગરિકો જોગ એક નિવેદન વહેતુ કર્યુ છે કેસુપ્રીમ કોર્ટના નિર્ણયને માન આપતા, શહેર-જિલ્લામાં શાંતિ, સંવાદિતા અને કાયદો વ્યવસ્થા જાળવશો અને તે અનુસંધાને નીચે આપેલા મુદ્દાઓનું પાલન કરશો.

૧.માનનીય સુપ્રિમ કોર્ટનો નિર્ણય કોઇ પણ પક્ષ તરફે આવે તો તે નિર્ણય બધા પક્ષો ધ્વારા સ્વીકાર કરી તેનુ સન્માન કરે.

૨. કોઈ પણ પ્રકારની અફવાનો ફેલાવો કરશો નહીં અને અફવાની પ્રાપ્તિ પર, માહિતીની ચકાસણી કરી અને તાત્કાલીક સંબંધીત પોલીસ અને વહીવટી અધિકારીઓને વસ્તુઓની ચોક્કસ પરિસ્થિતિ વિશે માહિતી આપશો.  

૩.  તમારા પડોશી અને આજુબાજુના વિસ્તારમાં ભાઈચારો અને સુમેળનું વાતાવરણ જાળવી રાખશો.

૪  માનનીય સુપ્રીમ કોર્ટના નિર્ણય સાથે કોઈપણ સમુદાયને તીવ્ર જવાબ આપવામાંથી બવચુ

૫.  મોબાઇલ અથવા સોશિયલ મીડિયા પર ફેલાતી કોઈપણ માહિતી અથવા અથવા કે જેનાથી કોઇ પક્ષની ભાવના અથવા લાગણીને ઠેંસ અથવા નુકશાન થાય તેનુ તત્કાલ ખંડન કરવુ અને આ બાબતે પોલીસ અને વહીવટી અધિકારીઓને તથ્યોથી માહિતગાર કરવા.  

૬.  પરસ્પર સંવાદિતાને અને સૌહાર્દપુર્ણ વાતાવરણને નુકશાન થાય અથવા કોઇ અવળી અસર કરે તેવા સંદેશને કયારેય ન મોકલો અથવા ફોરવર્ડ ન કરો,  તેમજ આ નિર્ણય અંગે ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, મેસેંજર પર કોઇપણ જાતની ટિપ્પણી નહી કરવી.

૭.  રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને પરસ્પર સંવાદિતાને અસર કરતી સોશિયલ મીડિયા પર સંદેશાઓ અથવા સામગ્રીનો ફેલાવો, ભારતીય દંડ સંહિતાની કલમ ૧૫૩ એ / ૧૫૩ બી અને સુચના અને પ્રૌધોગીકી અધિકીનયમ કલમ ૬૬ ડી (એ) હેઠળ શિક્ષાત્મક ગુનો છે અને તાત્કાલિક ધરપકડ કરવાની જોગવાઈ છે, તેથી તેને ટાળો.

(3:49 pm IST)