રાજકોટ
News of Friday, 8th November 2019

બેડીનાકાના રેન બસેરા નજીક 'હિટ એન્ડ રન': અજાણ્યા આધેડનું મોત

એ-ડિવીઝન પોલીસે મૃતકની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૮: બેડીનાકા નજીક હિટ એન્ડ રનની ઘટનામાં અજાણ્યા આધેડનું મોત નિપજ્યું છે. આશરે ૪૫ થી ૪૮ વર્ષના અજાણ્યા આધેડની લાશ પડી હોવાની જાણ થતાં એ-ડિવીઝન પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો.

મૃતક આધેડની ઓળખ થઇ શકે તેવી કોઇ ચીજવસ્તુ મળી નથી. અજાણ્યો વાહન ચાલક ઠોકરે લઇ ભાગી ગયા બાદ આ આધેડનું મોત થયાની શકયતા છે. પોલીસે આ રોડ પરના સીસીટીવી ફૂટેજ ચેક કરવા તજવીજ હાથ ધરી છે. મૃતકના વાલીવારસ હોય તો એ-ડિવીઝન પોલીસનો ફોન ૦૨૮૧ ૨૨૨૬૬૫૯ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(3:57 pm IST)