રાજકોટ
News of Friday, 8th November 2019

આજે દેવ દિવાળી : ઠેર ઠેર તુલસી વિવાહના આયોજનો

ઠાકોરજીની જાન જોડી તુલસીજી સાથે લગ્ન અવસરનો લ્હાવો લેતા ભાવિકો : શેરડીના સાંઠા અને આસોપાલવના તોરણવાળા મંડપમાં દેવ વિવાહ

રાજકોટ તા. ૮ : આજે કારતક સુદ એકદશીની દેવ દિવાળી તરીકે ઉજવણી કરાશે. દિવાળી બાદ ફરી આજે રાત્રે એકદિવસ ફટાકડાની આતશબાજી જામશે.

દેવ દિવાળી એટલે દેવોના વિવાહનો અવસર ગણવામાં આવે છે. આજે ઠાકોરજી અને તુલસીજીના લગ્નનો અવસર ઉજવવા ભાવિકો દ્વારા અનેરો ઉત્સાહ છવાયો છે.

શાલીગ્રામ સ્વરૂપ વિષ્ણુજી અને છોડ સ્વરૂપ તુલસીજીના લગ્ન પ્રસંગને ઉકેલવા કોઇ ભાવિકો જાનૈયા બન્યા અને કોઇ ભાવિકો માંડવિયા બન્યા છે.

રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રભરમાં પણ આજે દેવ દિવાળી નિમિતે તુલસી વિવાહના આયોજનો થયા છે.

દેવદિવાળી નિમિતે તુલસી કયારે શેરડી ધરાવવાની પરંપરા આપણે ત્યાં હજુએ જળવાતી હોય આજે શેરડીની બજારમાં નવી રોનક જોવા મળી છે. સીઝનની શરૂઆત આજના શુકન સાચવીને થતી હોય તેમ બજારોમાં ઠેરઠેર શેરડીના ગંજ ખડાકાયેલા જોવા મળી રહ્યા છે.

મંદિરોમાં પણ તુલસી વિવાહની ઉજવણીના આયોજનો થયા છે. તેમજ શહેરના વિવિધ વિસ્તારોમાં પણ ધાર્મિક મંડળો અને ભકત સમુદાયો દ્વારા તુલસી વિવાહના આયોજનો થયા છે. જેની સંકલિત યાદીઓ અહીં પ્રસ્તુત છે.

જીવનનગરમાં તુલસી વિવાહ

જીવનનગર વિકાસ સમિતિ, વોર્ડ નં. ૧૦, જાગૃત નાગરિક મંડળ, મહિલા સત્સંગ મંડળના સંયુકત ઉપક્રમે જીવનગર ખાતે મહાદેવધામમાં આજે સાંજે પ વાગ્યે ઠાકોરજીના લગ્ન સમારોહનું આયોજન ધરાયુ છે. દેવોના લગ્નમાં મળનાર ભેટ, સોગાદો, શ્રૃંગાર, ચીજ, વસ્તુઓ જરૂરતમંદ લોકોને વિતરીત કરી દેવાશે. તુલસી વિવાહમાં ઇન્ચાર્જ મેયર અશ્વિનભાઇ મોલીયા, દલસુખભાઇ જાગાણી, અજયભાઇ પરમાર, કોર્પોરેટર અશ્વિનભાઇ ભરોરણીયા, જયોત્સનાબેન ટીલાળા, પરેશભાઇ હુંબલ, વોર્ડ પ્રભારી માધવ દવે, પ્રમુખ રજનીભાઇ ગોલ, પરેશભાઇ તન્ના, હરેશભાઇ કાનાણી વગેરે ઉપસ્થિત રહેશે. લગ્નવિધિ પુજારી પ્રવિણભાઇ જોષી અને શાસ્ત્રી જેન્તીભાઇ જાની શાસ્ત્રોકત રીતે કરાવશે. મહિલા મંડળના જયોતિબેન પુજારાના માર્ગદર્શન હેઠળ શોભનાબેન ભાણવડીયા, અલકાબેન પંડયા, યોગીતાબેન જોબનપુત્રા, ભારતીબેન ગંગદેવ, આશાબેન મજેઠીયા, સુનિતાબેન વ્યાસ, હર્ષાબેન પંડયા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. કન્યાપક્ષનો લ્હાવો રંજનબેન સુરેશભાઇ કોટક પરિવારે અને વરપક્ષનો લ્હાવો જયશ્રીબેન હસમુખભાઇ મોડેસરા પરિવારે લીધો છે.

ચિત્રકુટધામ રામજી મંદિર

ચિત્રકુટધામ રામજી મંદિર, ૪-ધર્મજીવન સોસાયટી ખાતે આજે દેવ દિવાળી નિમિતે તુલસી વિવાહનું આયોજન કરાયુ છે. બપોરે ૪.૩૦ કલાકે જાન પ્રસ્થાન કૃષ્ણ વિહાર સામેથી નિજ મંદિરમાં વાજતે ગાજતે પહોંચશે. કન્યા પક્ષ તરફથી સમુહમાં કન્યાદાન કરાશે. હસ્ત મેળાપ સાંજે ૬.૩૦ વાગ્યે થશે. ધર્મલાભ લેવા ભાવિક ભકતોને અનુરોધ કરાયો છે.

ધારેશ્વર મંદિર

શ્રી ધારેશ્વર મહાદેવ ટ્રસ્ટ ભકિતનગર સર્કલ દ્વારા આજે દેવ દિવાળીના શુક્રવારના સાંજે ૪ થી ૬ તુલસી વિવાહ ધામ ધુમથી ઉજવવામાં આવશે.

(3:35 pm IST)