રાજકોટ
News of Friday, 8th November 2019

ત્રંબાના સંજય પટેલને મધરાતે ઘરમાંથી ખેંચી કારમાં નાંખી વડાળી વાડીએ લઇ જઇ આઠેક શખ્સોએ બેફામ ધોલાઇ કરી

શેઢા પડોશી શૈલેષ ગજેરાએ વાડીનું હલણ ત્રણ દિ'થી બંધ કરી દીધું હોઇ તે સામે સંજયએ વાંધો ઉઠાવતાં ડખ્ખોઃ ધોલધપાટ થતી હોઇ બાજુની વાડીમાં માતા અવાજ સાંભળી જતાં દોડી આવતાં હુમલાખોરો ભાગી ગયા

રાજકોટ તા. ૮: ત્રંબામાં રહેતાં લેઉવા પટેલ યુવાન સંજય ધીરૂભાઇ ટીંબડીયા (ઉ.૨૬)ને રાત્રીના ત્રણેક વાગ્યે તેના શેઢા પડોશી પટેલ શખ્સોએ ઘરમાંથી ખેંચી કાઢી ફોર્ચ્યુનર કારમાં નાંખી વડાળી ગામે વાડીએ લઇ જઇ બેફામ ધોલધપાટ કરતાં અને ધમકી આપતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો છે. સંજયની વાડીનું હલણ ત્રણેક દિવસથી શેઢા પડોશીએ બંધ કરી દીધું હોઇ તે બાબતે તેણે વાંધો ઉઠાવતાં આ હુમલો કરવામાં આવ્યાનું તેણે જણાવ્યું હતું.

સંજયને સવારે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવતાં અને તેણે પોતાને રાત્રે ત્રણ વાગ્યે ઘરમાંથી ખેંચી કાઢી યશ શૈલેષભાઇ ગજેરા, મિલન શૈલેષભાઇ, રવિ, દામજી બારસીયા, શૈલેષભાઇ જગાભાઇ ગજેરા તથા ચાર અજાણ્યાએ ફોર્ચ્યુનર ગાડીમાં નાંખી શૈલેષભાઇની વડાળીની વાડીએ લઇ જઇ લાકડી અને ઢીકા-પાટુનો બેફામ માર મારવામાં આવ્યાનું કહેતાં તબિબે એમએલસી કેસ જાહેર કરતાં હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રાજભાઇએ આજીડેમ પોલીસને જાણ કરી હતી.

શૈલેષના કહેવા મુજબ મારે વડાળી ગામે વાડી છે. મારી બાજુમાં જ શૈલેષભાઇ ગજેરાની વાડી આવેલી છે. અમારું હલણ તેમની વાડીમાંથી નીકળે છે. વર્ષોથી અમે આ હલણના રસ્તાનો ઉપયોગ કરીએ છીએ. પણ છેલ્લા ત્રણ દિવસથી શૈલેષભાઇએ આ હલણ બંધ કરી દેતાં મેં તેમને સમજાવતાં માથાકુટ થઇ હતી. તેનો ખાર રાખી રાત્રીના તેઓ મારા ઘરે પહોંચ્યા હતાં. દરવાજો ખુલ્લો રાખીને હું સુતો હોઉ મને બહાર ખેંચી કાઢી કારમાં નાંખી મારી બાજુમાં જ આવેલી તેની વડાળીની વાડીએ લઇ ગયા હતાં અને ધોલધપાટ શરૂ કરી હતી. દેકારો સાંભળી અમારી વાડીએથી મારા બા શોભનાબેન આવી જતાં આ બધા મને મુકીને ભાગી ગયા હતાં.

આજીડેમ પોલીસે બનાવ પાછળ આવુ જ કારણ જવાબદાર છે કે બીજુ કંઇ? તે અંગે તપાસ શરૂ કરી છે. હુમલો કરનારા બધા રાજકોટ રહેતાં હોવાનું સંજય ટીંબડીયાએ જણાવ્યું હતું.

(11:25 am IST)