રાજકોટ
News of Friday, 9th November 2018

બોરડી સમઢીયાળામાં ફટાકડા ફોડવા મામલે બે પરિવારો વચ્‍ચે અથડામણઃ એટ્રોસિટી, રાયોટ, નિર્લજ્જ હુમલાની સામ-સામી ફરિયાદ

રાજકોટઃ જેતપુરના બોરડી સમઢીયાળા ગામે બેસતા વર્ષની સાંજે અનુસુચિત જાતીના પરિવાર અને પટેલ પરિવાર વચચે ફટાકડા ફોડવા બાબતે માથાકુટ થતાં એક બીજા પર પાઇપ-ધોકા-છરીથી હુમલો કરવામાં આવતાં સામ-સામી ફરિયાદ દાખલ થઇ છે. એટ્રોસીટી અને નિર્લજ્જ હુમલો સહિતની કલમો હેઠળ ગુના દાખલ થયા છે.

બોરડી સમઢીયાળાના કંચનબેન હરેશભાઇ મકવાણા (અનુ. જાતી) (ઉ.૩૨)ની ફરિયાદ પરથી ગામના જ ભાર્ગવ પટેલ, ભરત પ્રવિણભાઇ સાવલીયા, ભોલો, પંકજ, ગોપાલ સહિતના સામે એટ્રોસીટી, નિર્લજ્જ હુમલો, રાયોટીંગની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. કંચનબેને ફરિયાદમાં જણાવ્‍યું છે કે દિવાળીની રાત્રે તેના ઘરના સભ્‍યો ફટાકડા ફોડતા હોઇ ભાર્ગવે ફટાકડા ફોડવાની ના પાડી માથાકુટ કરી હતી. તેનો ખાર રાખી પટેલ શખ્‍સોએ ગેરકાયદે મંડળી રચી છરી-પાઇપથી હુમલો કરી સાહેદ જયદિપને પગમાં પાઇપ મારી તેમજ પોતાને (કંચનબેન)ને ઢીકા-પાટુનો મારી મારી નિર્લજ્જ હુમલો કરી ધમકી આપી હતી.

સામા પક્ષે રેનીબેન નિતીનભાઇ બુટાણી (પટેલ) (ઉ.૧૯)ની ફરિયાદ પરથી મયુર ઉર્ફ મયો ભીખાભાઇ, રોહિત જેઠાભાઇ, વિજય નરસીભાઇ, બાબુ નથુભાઇનો નાનો દિકરો ભુરો, હરેશ નથુભાઇ, ભનુ ડમ્‍પરવાળાનો નાનો દિકરો, દુર્ગેશ અમરાભાઇ સામે રાયોટ, નિર્લજ્જ હુમલો સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્‍યો છે. ફટાકડા ફોડવાની માથાકુટનો ખાર રાખી આ તમામે મંડળી રચી ફરિયાદી રેનીબેનનું બાવડુ પકડી નિર્લજ્જ હુમલો કરી ગાળો દઇ તેમજ પથ્‍થરમારો કરી ફરિયાદી તથા સાહેદ વિપુલભાઇ સાવલીયાને ઇજા પહોંચાડી મારી નાંખવાની ધમકી આપી હતી.

 

(12:34 pm IST)