સદરબજારમાં પાર્ક કરાયેલ ચાર વાહનોમાં અજાણ્યા અસામાજિક તત્વોએ આગ લગાડી
આગમાં અતુલ શક્તિ રિક્ષા, એક્ટિવા, મોપડે અને એક બાઇક સળગી ગયા:
રાજકોટ : શહેરના સદર બજારમાં ઘરની બહાર પાર્ક કરાયેલા ચાર વાહનોને વહેલી સવારે કોઇ શખ્સોએ આગ લગાવી હતી. ફાયરબ્રિગેડ સ્ટાફે પાણીમારો ચલાવી આગ બુઝાવી હતી.
સદર બજારમાં ઇગલ ટ્રાવેલ્સ સામે આવેલી શેરીની બહાર પાર્ક કરાયેલા વાહનોમાં વહેલી સવારે 4.30 વાગ્યાના અચાનક આગ ભભૂકી ઊઠી હતી. વાહનો સળગતાં મકાન માલિક સાયરાબેન ફારૂકભાઇ પારેખ અને તેના પરિવારજનો તેમજ પાડોશીઓ બહાર દોડી આવ્યા હતા. આગની ઘટના અંગે જાણ કરાતા ફાયર બ્રિગેડ સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો અને પાણીમારો ચલાવી આગ બુઝાવી હતી.
આગમાં અતુલ શક્તિ રિક્ષા, એક્ટિવા, મોપડે અને એક બાઇક સળગી ગયા હતા. બનાવ અંગે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. દિવાળીના તહેવાર પર માહોલ બગાડવા કોઇ અસામાજિક તત્ત્વોએ આગ લગાડી નુકસાન કર્યાની શંકા સેવાઇ રહી છે, પ્ર.નગર પોલીસે આ અંગે વિશેષ તપાસ શરૂ કરી હતી.