બેડીગામમાં બિમારીથી કંટાળી વૃધ્ધા વજીબેનનો ફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ
પૌત્ર દફતર લેવા જતા જીવ બચી ગયો
રાજકોટ, તા.૯: મોરબી રોડ પર આવેલા બેડી ગામે રહેતા વૃધ્ધાએ બિમારીથી કંટાળી ગળે ફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે પૌત્ર રૂમમાં દફતર લેવા ગયો હતો ત્યારે લટકતા જોતા જીવ બચાવી લઇ સારવારમાં ખસેડાયા હતા. મળતી વિગત મુજબ બેડી ગામમાં રહેતા વજીબેન મનસુખભાઇ બાસુન્દ્રા (ઉ.વ.૬૦) નામના કોળી પ્રૌઢાએ આજે સવારે પોતાના ઘરે રૂમમાં છતના હુક સાથે સાડી બાંધી ગળેફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસો કર્યો હતો. દરમિયાન તેનો પૌત્ર પ્રિન્સ (ઉ.વ.૧૨) રૂમમાં દફતર લેવા ગયો ત્યારે દાદીને લટકતા જોઇ દેકારો મચાવતા પરિવારજનો દોડી આવ્યા હતા અને તાત્કાલીક વૃધ્ધાને નીચે ઉતારી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પ્રાથમિક તપાસમાં વજીબેનને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેમને તાવ, શરદી, ઉધરસ સહિતની બીમારી હોય જેનાથી કંટાળી આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કુવાડવા પોલીસને જાણ કરી હતી.