News of Saturday, 9th October 2021
૧૪ વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી લોઠડાનો હરેશ ભગાડી ગયો : અપહરણનો ગુનો
રાજકોટ, તા. ૯ : રાજકોટમાં રહેતી ૧૪ વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી લોઠડાગામનો શખ્સ ભગાડી જતા ફરીયાદ થઇ છે.
મળતી વિગત મુજબ શહેરના આજીડેમ પોલીસ મથક હેઠળના વિસ્તારમાં રહેતી ૧૪ વર્ષની સગીરા ગત તા. ૧ ના રોજ પોતાના માતા-પિતા સાથે ઘરની બહાર બેઠી હતી તેના માતા-પિતા કામ સબબ ઘરમાં ગયા હતા. કામ પુરૂ કરી ઘરની બહાર આવીને જોતા સગીરા જોવા ન મળતા પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન લોઠડાગામનો હરેશ જેરામભાઇ મેણીયા સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હોવાની ખબર પડતા સગીરાના પિતાએ આજીડેમ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે હરેશ જેરામભાઇ મેણીયા સામે અપહરણ સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરી પી.આઇ. વી.જે. ચાવડાએ તપાસ હાથ ધરી છે.
(3:13 pm IST)