રાજકોટ
News of Monday, 9th September 2019

બેટી રામપરા ખાતે ડેમ બાંધો : કોંગ્રેસ

મ્યુ. કોર્પોરેશનના વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠિયા દ્વારા મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજુઆત

રાજકોટ તા ૯  :  સીટીજનોના પીવાના પાણીના પ્રાણ પ્રશ્નોની ઘોર ચિંતા કર્યા બાદ આજરોજ વહેલી સવારે લાંબા કોટડી, પારેવાળા, બેટી વગેરે ગામોની મુલાકાત લઇ બેટી નદીનું ઉદ્ભવ સ્થાન જમ્બુરી નદીનું ઉદ્ભવ સ્થાન અને બંનેની ભોૈગોલીક પરિસ્થિતીનો રૂબરૂ અભ્યાસ કર્યા બાદ મુખ્યમંત્રીને વિરોધ પક્ષના નેતા વશરામભાઇ સાગઠીયાએ  લેખિત રજુઆત કરતા જણાવ્યું છે કે, રાજકોટ જીલ્લાની હદમાં આવતા બેટી રામપરા (વીડી) ખાતે બેટી નદી આવેલ છે, જેનું ઉદ્ભવ સ્થાન છે. આ ઉદ્ભવ સ્થાનની જગ્યા મોટા ભાગમા સરકારી ડુંગરો આવેલ છે, તેમજ તેની સાથે લાંબા કોટડી અને પારેવાળાની હદ જયાં ભેગી થાય છે ત્યાં મળતી બીજી નદી જેનું નામ જમ્બુરી નદી છે, તેનું ઉદ્ભવ સ્થાન મેસવડા, રફાળા, જામગઢ અને મોરવાડ, આ ચાર ગામોના ડુંગરાઓમાંથી આ નદીનું ઉદ્ભવ સ્થાન છે. આ બંને નદીઓ લાંબા કોટડી અને પારેવાળા વચ્ચે મળે છે. ત્યાંથી આ બંને નદીનું એકજ નામ બેટી કહેવાય છે. બેટી નદી બેટી (રામપર) ગામના પાદરમાંથી થઇ મચ્છુ ડેમમાં મળતી હોય અને આ ડેમ દર વર્ષે ઓવરફલો થઇ કરોડો લીટર પાણી દરિયામાં ફાજલ જતું રહે છે, તેની જગ્યાએ આ બેટીની આગળ સાતડા અને જીવાપરની વચ્ચે  જો  ડેમ બનાવવામાં આવે તો રાજકોટના લોકોને પાણીની સમસ્યા કાયમી હલ થઇ જાય તેવું છે. વધુમાં  શ્રી સાગઠિયાએ જણાવ્યું હતું કે આજી ડેમ આખો ભરાય તો રાજકોટને હાલ છ મહીના પુરતું પાણી મળી રહે છે, બાકીનું પાણી નર્મદામાંથી વેચાતું લેવું પડે છે, તેની જગ્યાએ સાતડા અને જીવાપરની સીમમાં બેટી નદીને વચ્ચેથી  ડેમ બનાવવામાં આવે તો રાજકોટને ૧૨ મહીનાનું પાણી મળી શકે તેમ છે, તે ઉપરાંત વચ્ચે આવતા ગામોમાં સીંચાઇની સગવડતા મળી રહે, ઉપરાંત આ સમગ્ર વિસ્તાર ડુંગરાળ વિસ્તાર હોય ડુંગરાઓમાં પાણી ગરમીના હિસાબે પાણી  સંગ્રહ કરવાની શકિત વધારે હોય છે અને એ જ ડુંગરાઓમાંથી ઉનાળામાં પણ ગરમીના હિસાબે પાણી શીરવાણ રૂપે પાણી છોડતા હોય છે. જેના હિસાબે ઉનાળામાં પણ આ નદીમાં પાણી સતત ચાલુ જ રહે છે, જેથી સિંચાઇની સગવડતા મળી શકે તેવું છે તેના હિસાબે ત્યાંના ખેડુતોને પણ ફાયદો થાય તેમ છે.

(4:11 pm IST)